Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : શહેરમાં જ્યારથી શાસકો અધિકારીઓને 15 લાખની મર્યાદા સુધીની સત્તા પાછી લઇ લેવામાં આવી છે. ત્યારથી નાનાં-નાનાં કામો માટે પણ મંજૂરી માટે મનપા કમિશનર સુધી આવવું પડતું હોવાથી ઘણાં કામો અટકી ગયાં છે. રસ્તા રિપેરિંગ, સ્ટ્રીટલાઇટ સહિતનાં જે કામો રાતોરાત થઇ જતાં હતાં તેના પર હવે બ્રેક લાગી ગઇ છે. અને નગરસેવકોની વારંવાર રજૂઆત કે ભલામણ છતાં ઘણાં એવાં કામો છે, જે ઝોનના અધિકારીઓને સત્તા નહીં હોવાથી વિલંબમાં પડી રહ્યા છે. ત્યારે સેન્ટ્રલ ઝોનના તમામ નગરસેવકોએ સાથે મળી મંગળવારે મેયર સહિતના પદાધિકારીઓને તેના ઝોનમાં કામો અટકી પડ્યાં હોવાની ફરિયાદ કરી હતી તેમજ અમુક નગરસેવકોએ તો ત્યાં સુધી ટકોર કરી હતી કે, ‘જો આવી જ સ્થિતિ રહી તો, વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ભારે નુકસાન થશે’


કોટ વિસ્તારના નગરસેવકો દ્વારા મેયર સહિતના પદાધિકારીઓને રૂબરૂ મળી જે રજૂઆત કરાઇ તેમાં જણાવાયું હતું કે, નાનાં-નાનાં ઘણાં કામો અટકી પડ્યાં છે. જે ઝડપથી થવા જોઇએ. ઉપરાંત સેન્ટ્રલ ઝોન અતિ ગીચતાવાળો ઝોન છે. આથી અહીં અગાઉ હતી તેમ ફરીથી બે કાર્યપાલક ઇજનેરને જવાબદારી સોંપવી જોઇએ. વળી, આ ઝોનમાં ડેપ્યુટી ઇજનેરની ચાર જગ્યા છે. જેમાંથી એક નિવૃત્ત થઇ જતાં માત્ર ત્રણ ડેપ્યુટી ઇજનેરથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં 12 જુનિયર ઇજનેરોને પ્રમોશન આપી ડેપ્યુટી બનાવાયા છતાં તેમાંથી સેન્ટ્રલ ઝોનને ફાળવાયા નથી. આ મુદ્દે પણ રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.


અધિકારીઓની સત્તા છીનવાતાં અનેક કામો વિલંબમાં પડી રહ્યાં છે, નગરસેવકોની છબી ધૂંધળી બનવા માંડી

રાજ્ય સરકાર દ્વારા સુરત મનપા કમિશનરને જે 15 લાખની મર્યાદામાં તાકીદનાં કામો કરવા માટે સત્તા આપવામાં આવી છે. તે વહીવટી સરળતા માટે કમિશનરે જે-તે ઝોનના વડા, કાર્યપાલક ઇજનેર અને આસિસ્ટન્ટ કમિશનરને રિફર કરી હતી. જો કે, તાજેતરમાં શાસકોએ આ સત્તાનો ગેરઉપયોગ થતો હોવાનું કારણ આપી ઝોનના અધિકારીઓને અપાતી સત્તા પર કાપ મૂકી દીધો છે. તેથી હવે નાનાંમાં નાનાં કામ માટે પણ મનપા કમિશનરની મંજૂરી લીધા બાદ જ કામ થઇ શકે છે. તેથી રોજેરોજ કરવા પડતા રસ્તા રિપેરિંગ, ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ વગેરેનાં નાનાં નાનાં કામો પણ મંજૂરીની પ્રોસેસના કારણે વિલંબમાં પડી રહ્યાં છે. કોઇ પણ ફરિયાદનો ફટાફટ નિકાલના આદી બની ગયેલા શહેરીજનો માટે આ સ્થિતિ અકળાવનારી બની છે. અને નવા જ ચુંટાયેલા સ્થાનિક નગરસેવકો ઢીલા પડી રહ્યા હોવાની છાપ ઉપસી રહી છે.

To Top