સુરત: (Surat) વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યની સાથે સુરત શહેરમાં પણ નાગરિકોને ફ્રી વેક્સિનેશનની (Free Vaccine) શરૂઆત કરાઈ હતી. સુરતમાં 230 વેક્સિનેશન સેન્ટર્સ પરથી ખૂબજ સરળતા પૂર્વક અને શાંતિ પૂર્વક વેક્સિનેશનની (Vaccination) શરૂઆત થઈ હતી. કોઈ પણ નાગરિક વેક્સીનથી વંચિત ન રહે એ માટે રાજયના તમામ ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં કોવિડ વેક્સીનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરને ખાળવામાં કોરોના યોદ્ધાઓ અને દેશવાસીઓના સહકારથી સફળતા મળી રહી છે, ત્યારે સુરતવાસીઓને રસીકરણથી સુરક્ષિત કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૫ કેન્દ્રો પર રસીકરણ અભિયાનનો શુભારંભ કરી તા.૨૧ જૂનથી કુલ ૨૩૦ વેકસીનેશન સેન્ટર (Centers) શરૂ કરાયાં છે.

૨૧મી જૂન વિશ્વ યોગ દિવસે દેશવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ અંતર્ગત સુરતમાં આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતેથી સુરત શહેરના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૮ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ રસીકરણના નિયત કરાયેલા કુલ ૨૩૦ કેન્દ્રો પર ‘ઓન ધ સ્પોટ’ નોંધણી કરાવી વિનામૂલ્યે રસીકરણનો લાભ લીધો હતો. રસી લેવા આવનાર લોકોનું કહેવું હતું કે અત્યાર સુધી 18થી 45 વયના વ્યક્તિઓને કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા રસીકરણ કરાવવામાં આવતું હતું પરંતુ હવે સ્થળ પર જ નોંધણી કરાવ્યાં બાદ રસી આપી દેવાય છે. જેને કારણે ફક્ત 15 મિનિટમાં જ તેઓને વેક્સિન મળી જાય છે.
શહેરના તમામ ૧૮ થી વધુ વયના નાગરિકો રસીકરણ મહાઅભિયાનમાં જોડાઈ અને કોરોના સામેની લડતમાં સહભાગી બની પોતાને, પરિવારજનો, સમાજ તથા સમગ્ર શહેરને સુરક્ષા કવચ મેળવવાની તક છે. જણાવી દઈએકે આજ સુધી સુરત શહેરના કુલ ૧૪,૨૫,૯૦૩ નાગરિકોએ પ્રથમ ડોઝ અને ૩,૦૩,૮૩૦ નાગરિકોએ બીજો ડોઝ લઈ ચૂક્યા છે, જે મુજબ અંદાજીત ૪૪ ટકા નાગરિકોએ રસીકરણનો લાભ લીધો છે.

