Top News

More Posts

   The Latest

Most Popular

શહેરમાં વધતાં પ્રદૂષણની સામે નિંદ્રાધીન જીપીસીબીએ મૌન ધારણ કરી રાખ્યું છે. જીપીસીબીની લાપરવાહીને લીધે પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક મિલ સંચાલકો વધુ બેફામ બન્યાં છે. પાંડેસરા જીઆઇડીસીમાં બેખોફ થઈને ચિંધી તથા પ્લાસ્ટિકને બળતણ તરીકે ઉપયોગ કરી પ્રદૂષણને વધુ ફેલાવવામાં આવી રહ્યું છે. આ મિલ સંચાલકો ચિંધીનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી મહિને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. પરંતુ આ ગંભીર બાબતને લઈને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

કોરોના અને લોકડાઉન બાદ ધીમે ધીમે ઉદ્યોગો શરૂ થઈ રહ્યાં છે. ધંધા રોજગાર ધીરે ધીરે પાટા ઉપર ચઢી રહ્યાં છે. આ પરિસ્થિતિ વચ્ચે જાણે કોરોના લોકડાઉનની બધી કસર કાઢી લેવી હોવ તેમ પાંડસેરા જીઆઇડીસીમાં પારસ પ્રિન્ટસ, ભાગ્યલક્ષ્મી સહિત કેટલીક મિલના માલિકો બિનદાસ્ત થઇ ગયા છે.

ઘણા મિલ સંચાલકો ખર્ચ ઘટાડવા માટે સસ્તા બળતણનો ઉપયોગ કરી પ્રદુષણ ફેલાવી રહ્યા છે. તેમના માટે હાલ પ્રકૃતિની સુરક્ષા કરતા પોતાનો નફો વધારે મહત્વનો છે. કોલસાનો ભાવ પ્રતિ ટન ભાવ 9000 રૂપિયા છે. જેની સામે ચિંધીનો ભાવ પ્રતિ ટન 2000 રૂપિયા છે. એક મિલને દિવસમાં આશરે ૪૦થી ૫૦ ટન કોલસાની જરૂર પડે છે. એટલે કે તેમને ચાર થી પાંચ લાખ રૂપિયાનો કોલસો પ્રતિદિન જરૂર પડતો હોય છે. જેની સામે 30થી 35 ટન ચિંધીનો ઉપયોગ કરી પણ સરવાઇવ કરી શકાય છે.

ચિંધીનો પ્રતિ ટનનો ભાવ માત્ર બે હજાર રૂપિયા છે. એટલે કે ચિંધીનો ઉપયોગ કરતા પારસ પ્રિન્ટસ સહિત ભાગ્યલક્ષ્મી, સાલુ, સુમતિ સહિતની ડાઇંગ મિલના સંચાલકો પ્રતિદિન લાખો રૂપિયાની બચત કરી રહ્યાં છે. એટલે કે મહિને આ એક મિલના સંચાલક કરોડો રૂપિયા કમાઈ રહ્યાં છે. અને આ બધું લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને થઈ રહ્યું છે. ચિંધી અને પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે લોકોના ફેફસા ડૅમેજ થઈ રહ્યા છે. પરંતુ આ મિલ સંચાલકોને તો માત્ર તેમની કમાઈ જ દેખાઈ રહી છે. અને જીપીસીબી પણ તેમના ખિસ્સા ગરમ કરીને આ બધું આંખે પાટા બાંધીને થવા દઈ રહ્યું છે.

પાંડેસરા જીઆઇડીસીના એક મિલ માલિકે જીપીસીબીને પડકાર ફેંક્યો ચિંધી બંધ કરીને તો બતાવે !
શહેરના પાંડસેરા જીઆઇડીસી વિસ્તારમાંથી વધી રહેલા પ્રદુષણનું મુખ્ય કારણ ચિંધી હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં દસેક વેપારીઓ ચિંધીનો વેપાર કરે છે. અને મિલમાલિકોને બળતણના વિકલ્પ તરીકે સપ્લાય કરે છે. પાંડેસરા જીઆઈડીસી આસપાસ વધી રહેલા પ્રદુષણને પગલે પારસ પ્રિન્ટસ સહિત ભાગ્યલક્ષ્મી મળી દસથી પંદર મિલ રોજ ચિંધી વાપરે છે.

ગુજરાતમિત્રએ આ કરતૂતોનો ભાંડો ફોડતા હવે મિલમાલિકોના તંબુમાં ગભરાટ ફેલાઇ ગયો છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાંથી જીપીસીબીના કેટલાંક ચહેરા નિયમિત કવર ઉઘરાવે છે. જેમના જોર ઉપર મિલમાલિકો પણ બિનદાસ્ત થઇ ગયા છે. પાંડસેરાની એક મિલના માલિકે તો જીપીસીબીની પણ ઐસી કી તૈસી કરી છે. તેમને પોતાની મિલમાં કોઇપણ કાળે ચિંધી બંધ નહિ થાય તેવી બડાશ મારી છે. આગામી દિવસોમાં આવી મિલ સામે જીપીસીબી કેવા પગલા ભરે છે તે જોવુ રહયુ!

બબલુ અને કાલુનો ચિંધીઓનો કરોડોનો વેપાર
પાંડેસરા, સચિન અને કડોદરા જીઆઈડીસીમાં હાલ કેટલીક મિલો ચિંધીના બળતણનો ઉપયોગ કરી રહ્યાં છે. આ મિલોને ચિંધી અને બળતણ સુનિલ અને કાલુ સહિતના કેટલાક માથાભારે પૂરા પાડી રહ્યા છે. એક મિલને પ્રતિદિન ૩૦થી ૩૫ ટન ચિંધીની જરૂર પડે છે. હવે પ્રતીટનનો ભાવ 2000 રૂપિયા છે. કાલુ અને સુનિલ ટેક્સટાઈલ માર્કેટમાંથી તથા ડાઈંગ મિલોમાંથી બચેલો કચરો ચિંધીઓ સ્વરૂપે ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરી લે છે. અને પાણીના ભાવે ખરીદાયેલી આ ચિંધી તેઓ 2000 થી 2500 રૂપિયા ટનના ભાવે જે તે મિલ સંચાલકોને વેચે છે. એક મિલ પાસેથી મહિને લાખો રૂપિયા કમાણી આ સુનિલ અને કાલુ કરી રહ્યા છે વર્ષેદહાડે કરોડો રૂપિયાનો વેપાર થઈ રહ્યો છે.

To Top