Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (cm uddhav thakrey)એ સોમવારે કહ્યુ હતું કે નાગરિકોનું આરોગ્ય (citizens health) પ્રાથમિકતા છે અને ઉજવણીઓ બાદમાં કરી શકાય છે. આવનારા તહેવારો (festival)ના કારણે દેશમાં ત્રીજી લહેર (third wave) આવવાની ભીતી સેવાઈ રહી છે અને રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં થોડો વધારો નોંધાયો છે.

ઠાકરેએ રાજકીય પક્ષોને તાત્કાલિક આંદોલનો, બેઠકો અને અન્ય કાર્યક્રમો બંધ કરવા કહ્યું હતું જેનાથી ભીડ થતી હોય. ‘આપણે તહેવારો બાદમાં ઉજવી શકીએ છીએ. આપણા નાગરિકોના જીવન અને આરોગ્યને પ્રાથમિકતા આપીએ. રોજના કેસોમાં વધારો થયો છે તેને જોતા સ્થિતિ આપણા હાથમાં ન રહે તેવી શક્યતા છે’, એમ ઠાકરેએ એક નિવેદનમાં કહ્યુ હતું. તેઓ વરીષ્ઠ કેબિનેટ પ્રધાનો સાથે આપદા પ્રબંધન પર બેઠક કરી રહ્યા હતા. ‘તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રતિબંધો લગાડવા કોને ગમે છે? પણ લોકોનું જીવન મહત્વપૂર્ણ છે’, એમ તેમણે કહ્યુ હતું.

મુખ્ય મંત્રીએ કહ્યુ હતું કે આવનારા તહેવારોના દિવસો મહત્વપૂર્ણ અને પડકારજનક રહેશે. સ્થિતિ નિયંત્રણની બહાર ન જાય તેની ખાતરી કરવાની જવાબદારી રાજકીય પક્ષોની છે. ઠાકરેએ દરેક સામાજિક, ધાર્મિક અને રાજકીય બેઠકો અને રેલીઓને રદ્દ કરવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ હતું ‘કોવિડ-19ની ત્રીજી લહેર આપણા બારણે આવીને ઉભી છે.’ તેમણે ઉમેર્યુ હતું, ‘કેરળમાં રોજના 30,000 કેસ આવી રહ્યા છે. આ એક જોખમી સંકેત છે અને જો તેને ગંભીરતાથી નહીં લઈશું, મહારાષ્ટ્રને ભારે કિંમત ચૂકવવી પડશે.’
ઠાકરેએ કહ્યુ હતું, જો દરેક વ્યક્તિ કોવિડ-19 નિયમોનું પાલન કરે જેમ કે માસ્ક પહેરવું, સામાજિક અંતર અને ભીડમાં જવાનું ટાળે તો નવા પ્રતિબંધો લાદવાની જરૂર નથી. છેલ્લા થોડાક દિવસોથી મુંબઈમાં કોવિડ-19ના 400થી વધુ દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે.

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 38,948 કેસ નોંધાયા હતા. તેમજ કોરોનાનાં કારણે વધુ 219 મોત નોંધાયા હતા. જે છેલ્લા 167 દિવસમાં સૌથી ઓછા છે. એમ સોમવારે અપડેટ થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કહેવામાં આવ્યું હતું. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસનો આંક વધીને 3,30,27,621 થઈ ગયો છે. જ્યારે, મૃત્યુઆંક 4,40,752 પર પહોંચી ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર, દેશમાં મૃત્યુદર 48 દિવસ પછી ઘટીને 1.33 ટકા થઈ ગયો છે. ભારતમાં આ અગાઉ 23 માર્ચે એક દિવસમાં 199 લોકોનાં મોત નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, સક્રિય કેસો ઘટીને 4,04,874 થઈ ગયા છે. જે કુલ કેસનો 1.23 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.44 ટકા નોંધાયો છે.

મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 5,174 કેસોનો ઘટાડો નોંધાયો હતો. દેશમાં સતત 71 દિવસથી કોરોનાના દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના 14,10,649 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટનો આંક વધીને 53,14,68,867 થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.76 ટકા નોંધાયો હતો. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.58 ટકા નોંધાયો હતો. જે છેલ્લા 73 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.

To Top