Columns

કિસાન આંદોલન થકી ભાજપને પછાડીને સમાજવાદી પાર્ટી સત્તામાં આવી જશે?

ઉત્તર ભારતમાં જ્યારથી કિસાન આંદોલન ચાલુ થયું છે ત્યારથી મીડિયાનો અભિગમ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેની ઉપેક્ષા કરવાનો રહ્યો છે. લગભગ સાડા નવ મહિનાથી આશરે ત્રણ લાખ કિસાનો પોતાની માગણીના સમર્થનમાં દિલ્હીની સરહદે ડેરા નાખીને બેઠા છે. ભારતનું નહીં, પણ વિશ્વનું સંખ્યા અને સમયની દૃષ્ટિએ આ મોટામાં મોટું અહિંસક આંદોલન હશે.  તા. ૨૬ જાન્યુઆરીના લગભગ આઠ લાખ કિસાનો પોતાના ટ્રેક્ટરો રહીને રાજધાની દિલ્હીની પરેડમાં સામેલ થયા હતા.

તેમની ઉશ્કેરણી કરીને હિંસાચાર ફેલાવવાના લાખ પ્રયાસો છતાં તેઓ ચૂપચાપ પોતાની છાવણીઓમાં પાછા ફર્યા હતા તે કોઈ નાનીસૂની ઘટના નહોતી. કિસાનો પોતાની માગણીઓ પર અડગ છે અને આંદોલન સમેટી લેવા તૈયાર નથી. તે કેન્દ્ર સરકાર માટે અકળાવનારી બીના છે. સરકાર લાખ ચાહે તો પણ તેની  અવગણના કરી શકે તેમ નથી. કિસાન આંદોલન જ્યારે મીડિયામાં ભૂલાઈ જવા આવ્યું હતું ત્યારે ભારતનાં ૩૦૦ જેટલાં કિસાન સંગઠનોએ મુઝફ્ફરનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરીને સમગ્ર દેશનું ધ્યાન ફરી કિસાન આંદોલન તરફ કેન્દ્રિત કર્યું છે.

આ મહાપંચાયતમાં આશરે પાંચ લાખ લોકો હાજર રહ્યાં હોવાનું અનુમાન છે, પણ સમાચાર સંસ્થાઓએ તે આંકડો હજારોનો હોવાના હેવાલો વહેતા કરીને કિસાન આંદોલનને અન્યાય કર્યો હતો. મહાપંચાયત જે મેદાનમાં યોજવામાં આવી હતી તેનું કદ ફૂટબોલનાં બે મેદાનો જેટલું હતું. આ મેદાનો ચિક્કાર ભરાઈ ગયાં હતાં. રાજકીય પક્ષોની રેલીમાં ભાડૂતી માણસો લાવવામાં આવે તો પણ આટલી ભીડ થતી નથી. કિસાન મહાપંચાયત યોગી આદિત્યનાથની ભાજપ સરકાર માટે ખતરાની ઘંટડી બરાબર છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં ૬ મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ૨૦૧૭ ની ચૂંટણી ભાજપ જે જાટ મતદારોના સહારે જીત્યો હતો તે જાટ કિસાનો ભાજપથી વિમુખ થઈ ગયા છે, જેનો લાભ કદાચ સમાજવાદી પક્ષને થઈ શકે છે.

કિસાન નેતા રાજેશ ટિકૈત વારંવાર સોય ઝાટકીને કહેતા હોય છે કે તેમને ચૂંટણીના રાજકારણ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી; પણ હકીકત એ છે કે કિસાન આંદોલનને કારણે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયાં છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના જાટ કિસાનો પરંપરાગત રીતે ચૌધરી અજીત સિંહના રાષ્ટ્રીય લોકદળના ટેકેદારો હતા, જેમની યુતિ મુલાયમ સિંહ યાદવના સમાજવાદી પક્ષ સાથે હતી. સમાજવાદી પક્ષ પાસે મુસ્લિમ અને યાદવ મતો હતા તો રાષ્ટ્રીય લોકદળ પાસે જાટ કોમના મતો હતા. આ બંને પક્ષો મળીને પશ્ચિમી ઉત્તર પ્રદેશ પર રાજ કરતા હતા.

૨૦૧૩ માં મુઝફ્ફરનગરમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં હતાં, જેમાં એક બાજુ જાટ લોકો હતા તો બીજી બાજુ મુસ્લિમ લોકો હતા. આ તોફાનોનો પ્રારંભ કેટલાક મુસ્લિમ સમાજકંટકોએ કરાવ્યો હતો, જેમાં હિન્દુ પરિવારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. જાટ કોમ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો તેને કારણે હજારો મુસ્લિમ પરિવારો પાયમાલ થઈ ગયા હતા. જાટ કોમના આક્રમણથી બચવા તેમણે પોતાનાં વતનનાં ગામો છોડીને હિજરત કરી જવી પડી હતી.

૨૦૧૩ માં મુઝફ્ફરનગરમાં થયેલાં કોમી તોફાનોનો અણધાર્યો લાભ ભાજપને થયો હતો. અત્યાર સુધી જે જાટ કોમ રાષ્ટ્રીય લોકદળની ટેકેદાર હતી તે ભાજપની ટેકેદાર બની ગઈ હતી. ૨૦૧૭ ની ચૂંટણીમાં જાટ કોમે ભાજપને ખોબા ભરીને મતો આપ્યા હતા. આ મતોના જોરે પશ્ચિમ ઉત્તર પ્રદેશની મોટા ભાગની બેઠકો ભાજપે કબજે કરી હતી અને સરકાર પણ બનાવી હતી. હવે કિસાન આંદોલનને કારણે માહોલ બદલાઈ ગયો છે. ભાજપ સરકારે કિસાનોની માગણીઓની ઉપેક્ષા કરતાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડના જાટ લોકો ફરીથી ભાજપની વિરુદ્ધમાં થઈ ગયા છે.

બીજી ઘટના એ બની છે કે જાટ કોમ અને મુસ્લિમ કોમ વૈમનસ્ય ભૂલીને પાછા સંપી ગયા છે. રવિવારની કિસાન મહાપંચાયતના મંચ પરથી રાકેશ ટિકૈતે અલ્લાહો અકબરનો નારો લગાવવા સાથે હર હર મહાદેવનો નારો પણ લગાવ્યો હતો. સાથે સાથે રાકેશ ટિકૈતે રાજકીય નિવેદન કરતાં ભાજપને આગામી ચૂંટણીમાં હરાવવાની હાકલ પણ કરી હતી. જો ઉત્તર પ્રદેશના જાટ મતદારો મુસ્લિમોની સાથે મળીને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે તો ભાજપ માટે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જીતવું બહુ અઘરું પડી જાય તેમ છે. આ વાતની જાણ ભાજપની નેતાગીરીને પણ છે. આ કારણે તેમણે ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવાની જવાબદારી યોગીના માથે નાખી દીધી છે. જો યોગી ચૂંટણી જીતે તો તે ભાજપની જીત ગણાશે અને હારે તો તે તેમની પોતાની હાર ગણાશે.

જો ઉત્તર પ્રદેશના કિસાનો ભાજપનો સાથ છોડી દે તો તેમને પોતાના પક્ષમાં સમાવી લેવા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી તૈયાર થઈને બેઠા છે. રવિવારે જ્યારે મુઝફ્ફરનગરમાં કિસાન મહાપંચાયત યોજાઈ ત્યારે આ બંને પક્ષો દ્વારા રસ્તાઓ ઉપર કિસાન ભાઇ-બહેનોનું સ્વાગત કરતાં બેનરો લગાડવામાં આવ્યાં હતાં.  કોંગ્રેસનાં બેનરોમાં પ્રિયંકા ગાંધી સ્વતંત્રતા દિનની વધાઈ આપતાં જોવા મળતાં હતાં. ભાજપનાં જે બેનરો હતાં તેમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવવા બદલ મુઝફ્ફરનગરના ભાજપી સંસદસભ્ય સંજીવ બાલિયાનનો આભાર માનતા બેનરો મુખ્ય હતાં. હકીકતમાં યુપીમાં જે પંચાયતી ચૂંટણીઓ યોજાઈ તેમાં મોટા ભાગના સભ્યો બિનભાજપી ચૂંટાઈ આવ્યા હતા. ભાજપે પાછળથી જીતાયેલા સભ્યોને લાલચ આપીને પોતાના પક્ષમાં જોડી દીધા હતા. આ રીતે ચૂંટણી હાર્યા છતાં પણ કૂટનીતિના જોરે બહુમતી પંચાયતો પર ભાજપનો કબજો જામી ગયો હતો.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ મતદારો પર ચૌધરી અજિત સિંહનો પ્રભાવ હતો, પણ તેમણે કિસાનોની માગણીઓને ટેકો ન આપતાં જાટ મતદારો તેમની વિરુદ્ધ થઈ ગયા હતા. તા. ૨૮ જાન્યુઆરીની રાતે કેન્દ્ર સરકારે રાકેશ ટિકૈતની ધરપકડ કરીને કિસાન આંદોલન તોડી પાડવાની તૈયારી કરી લીધી હતી. આ વાતની જાણ થતાં રાકેશ ટિકૈતની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા દ્વારા આ વાત વીજળી વેગે ફેલાઈ જતાં લાખો જાટ કિસાનો રાતોરાત દિલ્હીની સરહદ પર પહોંચી ગયા હતા, જેમાં ચૌધરી અજિત સિંહના ટેકેદારો પણ હતા. આ રીતે જાટ મતદારોમાં પડેલા ભાગલા સંધાઈ ગયા છે. રવિવારે જે મહાપંચાયત મળી તેમાં અખિલેશ યાદવ અને ચૌધરી જયંત સિંહે વાહનો ઉપરાંત ભોજનની સવલત પણ આપી હતી. ઉત્તર પ્રદેશમાં જે નવાં રાજકીય સમીકરણો આકાર ધારણ કરી રહ્યાં છે તે ભાજપ માટે ખરેખર ચિંતાજનક છે.

ભારતનાં મતદારોની મૂંઝવણ એ છે કે કોઈ સારા લોકો કે સારા પક્ષો રાજકારણમાં આવતા નથી. જે પક્ષ સત્તા પર આવે તેના નેતાઓ પોતાનું પેટ ભરવાનું કામ કરે છે અને ઉદ્યોગપતિઓના દલાલ બનીને પ્રજાને ભૂલી જાય છે. લોકો તેમનાથી કંટાળીને તેમને હરાવે તો જે પક્ષ સત્તા પર આવે તે પણ જૂના શાસક પક્ષ જેવો જ બની જાય છે. કોઈ પણ પક્ષ સત્તા પર હોય ત્યારે તે ઉદ્યોગપતિઓનો દલાલ બની જાય છે, પણ સત્તા ગુમાવે ત્યારે તે પ્રજાનો સેવક બની જાય છે. કિસાનો પણ જો કોઈ રાજકીય પક્ષની સ્થાપના નહીં કરે તો તેમણે ઉલમાંથી ચૂલમાં પડવાનો જ વારો આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top