Top News

More Posts

   The Latest

Most Popular

શુક્રવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એક મોટો આંચકાજનક નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓએ IPL -14ની બાકી રહેલી મેચોમાં રમવાની ના પાડી દીધી છે. જોની બેયરસ્ટો, ડેવિડ મલાન અને ક્રિસ વોક્સ દુબઈમાં તા. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી મેચોમાં ભાગ નહીં લેશે. આ ખેલાડીઓએ પોતાની ફ્રેન્ચાઈઝીઓને આ અંગે જાણ કરી દીધી છે. ટુર્નામેન્ટના બાકી બચેલા મેચો માટે તેઓ ઉપલ્બ્ધ રહેશે નહીં.

આગામી દિવસોમાં ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના અતિવ્યસ્ત કાર્યક્રમના લીધે આ ત્રણેય ખેલાડીઓએ IPLમાં રમવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે IPL-14 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે 15 ઓક્ટોબરના રોજ પૂરી થશે. તેના બે જ દિવસ બાદ તા. 17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડકપ શરૂ થશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશેઝ સિરીઝ શરૂ થવાની છે. ઈંગ્લેન્ડનો ખેલાડી જોની બેયરસ્ટો સનરાઈઝર્સ હૈદરાબાદ, ડેવિડ મલાન પંજાબ કિંગ્સ અને ક્રિસ વોક્સ દિલ્હી કેપિટલ્સ માટે IPLમાં રમે છે. આ અગાઉ ઈંગ્લેન્ડનો ઝડપી બોલર જોફ્રા આર્ચર અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માનસિક સ્વાસ્થ્યનું કારણ આપી IPL ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો પ્રમુખ બેટ્સમેન બેયરસ્ટો નહીં રમે તો ટીમને ખૂબ મોટો ફટકો પડશે. કારણ કે બેયરસ્ટો ટીમનો ઓપનર છે. બેયરસ્ટોએ ટીમને ઘણી વખત ડેવીડ વોર્નર સાથે મળીને ઝડપી શરૂઆત અપાવી છે. બેયરસ્ટો 2019થી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો છે.

આ તરફ પંજાબ કિંગ્સ દ્વારા ડેવિડ મલાનનું રિપ્લેસમેન્ટ શોધી લેવાયું છે. આજે ટીમે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડમ માર્કોમને ટીમમાં સામેલ કર્યો હોવાની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઈઝીએ ટ્વીટરના માધ્યમથી આ માહિતી આપી છે. આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે પાંચમી ટેસ્ટ મેચ રદ થવાના લીધે ઈંગ્લેન્ડના ખેલાડીઓ નારાજ છે. ભારતીય ટીમ તથા સપોર્ટ સ્ટાફમાં કોરોનાના લીધે મેચ રદ થઈ હોય ઈંગ્લેન્ડના ખેલાડીઓ રોષે ભરાયા છે. તેથી જ તેઓ IPL 14ના બાકી બચેલી મેચોમાં ભાગ લેવા નહીં માંગતા હોવાની પણ ચર્ચા ઉઠી છે.

દુબઈમાં 6 દિવસ ક્વોરેન્ટીન રહેવું પડશે


ઈંગ્લેન્ડ અને ભારતના ખેલાડીઓ IPLમાં ભાગ લેવા માટે ચાર્ટર્ડ વિમાનમાં બબલ ટુ બબલ ટ્રાન્સફર દુબઈ થવા માંડ્યા છે. ભારતીય ટીમમાં કોરોનાના કેસો નોંધાતા બંને દેશના ખેલાડીઓને ઈંગ્લેન્ડથી દુબઈ લઈ જવા માટે ફ્રેન્ચાઈઝીઓએ સ્પેશ્યિલ વિમાની સેવાની વ્યવસ્થા કરવી પડી છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું છે કે ઈંગ્લેન્ડમાં રમતા કેટલાંક ખેલાડીઓ 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થતી IPLમાં ભાગ નહીં લઈ શકશે. કારણ કે દુબઈ પહોંચી ખેલાડીઓએ 6 દિવસ માટે કોરોન્ટીન થવું પડશે. બેયરસ્ટો અને મલાન IPLમાં ભાગ નહીં લે તે પાછળ આ પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે. છેલ્લાં કેટલાંય સમયથી સતત બબલ ટુ બબલ કોરોન્ટીનના નિયમોના લીધે ખેલાડીઓ હેરાન થઈ ગયા છે. ખેલાડીઓને તેમના પરિવારને મળવાની પણ મંજૂરી મળતી નથી. આવતા મહિને ટી-20 વર્લ્ડકપ રમાવાનો હોય હાલ અનેક ખેલાડીઓ પરિવાર સાથે સમય વીતાવવા માંગે છે.

To Top