માતાએ શીખવ્યું

‘દરેક બાળકની પહેલી શિક્ષક તેની માતા હોય છે’ અને ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ …આ થીમ ઉપર શાળામાં એક અનોખી ઇવેન્ટ રાખવામાં હતી. ‘માતાએ શું શીખવ્યું’ આ ઇવેન્ટમાં દરેક વિદ્યાર્થીએ પોતાની મમ્મી પાસેથી કંઇક નવું કૈંક સારું શીખીને આવવાનું હતું અને તેની રજૂઆત શાળામાં વર્ગમાં બધા સામે કરવાની હતી. તૈયારી માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પછી ઇવેન્ટ શરૂ થઇ ‘મમ્મીએ શું શીખવ્યું’.. એક પછી એક બાળકો આવતાં ગયાં અને રજૂઆત કરતાં ગયાં.કોઈકે ગીત રજૂ કર્યું.કોઈકે વાર્તા ..કોઈકે નૃત્ય ..કોઈકે મમ્મીની જ એક્ટિંગ કરી. બધાને મજા આવી રહી હતી.

વર્ગમાં એક છોકરી આયુષી બહુ શરમાળ હતી. તે વર્ગ સામે આવી.પણ બહુ ડરેલી હતી એટલે બરાબર બોલી શકતી ન હતી.તે કવિતા રજૂ કરવાની હતી પણ પહેલી પંક્તિ પણ વાંચી શકતી ન હતી.બીજી હરોળમાં બેઠેલી રેહા તાળી પાડવા લાગી.આયુષી અન્ય વિદ્યાર્થી અને શિક્ષક બધાને એમ થયું કે રેહા આયુશીની મજાક કરવા તાળી પાડી રહી છે પણ ત્યાં જ તાળી પાડતાં રેહા બોલી, ‘કમ ઓન આયુષી..તું બોલી શકીશ..હિંમત ન હાર ….ચલ બોલ..’ બધા તાળી પાડી આયુષીની હિંમત વધારવા લાગ્યા.આયુષી સરસ રીતે કવિતા બોલી ગઈ.

હવે વારો રોહનનો હતો; તે શરીરમાં ભારેખમ હતો. તેના હાથમાં એક ઈંટ હતી.તે બોલ્યો, હું આ ઈંટ તોડી બતાવીશ અને ટેબલ પર ઈંટ ગોઠવી તેણે પહેલો ફટકો માર્યો, ઈંટ ન તૂટી.રેહા કૂદીને મોટેથી બોલી, ‘કંઈ વાંધો નહિ રોહન ..કમ ઓન ફરી પ્રયત્ન કર, વધુ જોરથી તું તોડી શકીશ …કમ ઓન રોહન….’ અને સાચે રેહાના શબ્દોથી રોહનની હિંમત વધી અને ત્રીજા ફટકે તેણે ઈંટ તોડી બતાવી.બધાએ તાળીઓ પાડી.જેટલા વિદ્યાર્થીઓ આવતા ક્યાંક ડરતા ..ક્યાંક અટકતા અને બધાને રેહા જ આગળ વધી હિંમત આપતી, પાનો ચઢાવતી…..રેહા સતત મોટેથી બોલતી..કૂદતી..તાળીઓ પાડતી….વર્ગની બહારથી  ક્યારના શાળાના આચાર્ય આ જોઈ રહ્યા હતા.

તેઓ અંદર આવ્યા અને તાળીઓ પાડતી રેહા પાસે જઈ ઊભા રહ્યા અને પૂછ્યું, ‘રેહા, તું તારા સાથીઓને પાનો ચઢાવે છે ,,હવે મને એ કહે તને તારી મમ્મીએ શું શીખવાડ્યું છે…તું શું કરી બતાવવાની છે.’ રેહા બોલી, ‘સર, મારી મમ્મીએ મને જે શીખવ્યું છે તે જ હું કરી રહી છું …’ સરે પૂછ્યું, ‘એટલે? રેહાએ કહ્યું, ‘સર, મારી મમ્મીએ મને ભરોસો કરતાં શીખવ્યું છે..જે થાકે ..હારે ..તેમના સાથી બની ..સાચા મિત્ર બની ….તેમનામાં વિશ્વાસ બતાવી તેમને ટેકો આપતાં શીખવ્યું છે.અને હું એ જ કરી રહી છું.’ રેહાનો જવાબ સાંભળી આચાર્યે તેને શાબાશી આપી.અને રેહાનાં મમ્મીને પણ સ્પેશ્યલ લેટર લખ્યો.         
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts