62 ટકા અમેરિકનો વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ પરેશાન છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવા માટે વેક્સિનની વકીલાત કરવા માંડી ત્યારે અમે સવાલ કર્યો હતો કે ‘‘દુનિયાની આખી વસતિને વેક્સિનના બે ડોઝ આપી દીધા પછી જો કોરોનાનો નવો વેરિયન્ટ આવશે તો સરકાર શું કરશે?’’ આ સવાલ હવે મોં ફાડીને અમેરિકાની સરકાર સમક્ષ ઘૂરકિયાં કરી રહ્યો છે. અમેરિકાની સરકારે જોરશોરથી વેક્સિન અભિયાન ચલાવીને બહુ ઝડપથી દેશના ૬૨ ટકા વેક્સિન લેવાને લાયક નાગરિકોને વેક્સિનના બે ડોઝ આપી દીધા હતા.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ જો દેશની ૬૦ ટકા કે વધુ વસતિના શરીરમાં કોઈ પણ રીતે એન્ટિબોડી પેદા થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી આવી જાય છે અને વાયરસથી ડરવાની જરૂર રહેતી નથી. આ નિયમ પ્રમાણે તો અમેરિકામાં હર્ડ ઇમ્યુનિટી આવી જવી જોઈતી હતી અને સરકારે કોરોનાથી ડરવાની પણ જરૂર રહેવી જોઈએ નહીં; પણ ઉલટું જ બન્યું છે.  અમેરિકામાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. જે લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે તેમને પણ ડેલ્ટા વેરિયન્ટ પરેશાન કરી રહ્યો છે. તેમને કોરોના થાય છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થાય છે અને તેમનાં મોત પણ થાય છે. કોરોનાની કોઈ રસી ડેલ્ટા વેરિયન્ટ સામે સંરક્ષણ આપી શકતી નથી.

ડેલ્ટા વેરિયન્ટનો પ્રતિકાર કરવાનો કોઈ સચોટ ઉપાય શોધવાને બદલે અમેરિકાના પ્રમુખ જો બાઇડને દોષનો ટોપલો વેક્સિન ન લેનારા ૩૮ ટકા નાગરિકો પર ઢોળવાનો પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રજોગા ઉદ્બોધનમાં તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે તમામ સરકારી કર્મચારીઓએ ફરજિયાત વેક્સિન લેવી જ પડશે. વળી ૧૦૦ થી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ કંપનીના કર્મચારીઓએ પણ ફરજિયાત વેક્સિન લેવી પડશે. જો બાઇડનનો આદેશ માનવા અમેરિકાની વેક્સિનવિરોધી લોબી તૈયાર નહીં થાય તો તેમણે કોર્ટમાં કાનૂની કેસોનો સામનો કરવો પડશે. અમેરિકાના એરિઝોના રાજ્યના વિચક્ષણ ગવર્નર ડૌગ ડ્યુસી આ વેક્સિનવિરોધી લોબીનું પ્રતિનિધિત્વ કરે છે.

અમેરિકાના પ્રમુખ જો બાઇડને જુલાઈ મહિનામાં મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે અમેરિકા હવે ઝડપી વેક્સિનેશનને કારણે કોરોના મહામારી પર વિજય મેળવવાની તૈયારીમાં છે, જેને કારણે લોકોને માસ્ક પહેરવાથી આઝાદી મળશે. તેને બદલે જુલાઈ મહિનાથી કોરોનાના કેસો વધવાનો પ્રારંભ થઈ ગયો હતો. હોસ્પિટલો ડેલ્ટા વેરિયન્ટનાં દર્દીઓથી ઉભરાવા લાગી હતી. તેમાંનાં મોટા ભાગનાં દર્દીઓ વેક્સિનના બે ડોઝ લઈને આવેલા હતા. મરણનું પ્રમાણ પણ વધી ગયું હતું. કેટલેક સ્થળે તો પહેલાં મોજાં કરતાં પણ વધુ મરણો નોંધાયાં હતાં. અમેરિકામાં ઠેકઠેકાણે હજારો લોકો ફરજિયાત માસ્ક પહેરવાના આદેશ સામે રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. તેઓ ફરજિયાત વેક્સિનનો પણ વિરોધ કરતા હતા; કારણ કે વેક્સિનથી કોરોના પર નિયંત્રણ આવતું નથી.

ઓગસ્ટ મહિના દરમિયાન અમેરિકામાં કોરોનાના ૪૨ લાખ નવા કેસો નોંધાયા હતા, જેમાંના મોટા ભાગના ડેલ્ટા વેરિયન્ટના હતા. આ મહિનામાં ૨૬,૮૦૦ મરણ નોંધાયાં હતાં. આખા જૂન મહિનામાં અમેરિકામાં કોરોનાના ચાર લાખ કેસો નોંધાયા હતા. તેટલા કેસો સપ્ટે-21 મહિનાના ત્રણ જ દિવસમાં નોંધાઈ ગયા હતા. અત્યાર સુધી આશરે ૬.૫ લાખ અમેરિકનોના કોરોનાને કારણે મોત થયાં હોવાનું સરકાર કહે છે. કોરોનાના પહેલાં મોજાંની અસર ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અમેરિકનો પર વધુ થઈ હતી. વર્તમાનમાં જે મોજું ચાલી રહ્યું છે તેનો ભોગ ૫૦ થી ૬૪ ઉંમરના પ્રૌઢો વધુ બની રહ્યા છે. બાળકો પણ પહેલાં કરતાં મોટી સંખ્યામાં તેનો ભોગ બની રહ્યાં છે. જુલાઈ મહિનામાં કેટલીક સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી તેને બંધ કરવાની ફરજ પડી રહી છે.

અમેરિકાના લોકો કોરોનાના પહેલા અને બીજાં મોજાં દરમિયાન એક વર્ષ સુધી ઘરમાં રહીને કંટાળી ગયા હતા. માટે પ્રમુખ જો બાઇડને જુલાઈમાં કોરોનાથી મુક્તિની જાહેરાત કરી ત્યારે તેઓ જેલમાંથી છૂટ્યા હોય તેમ ફરવા નીકળી પડ્યા હતા. વેક્સિન લેનારા લોકો ભ્રમમાં રહ્યા હતા કે હવે તેમને કોરોના થશે જ નહીં. પરંતુ નવા ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન નિષ્ફળ પુરવાર થઈ હતી. આજની તારીખમાં અમેરિકામાં રોજના આશરે દોઢ લાખ કેસો નોંધાય છે, જેમાંનાં દોઢ હજારનાં મરણ થાય છે. વેક્સિન બનાવતી કંપનીઓ દાવો કરે છે કે તેમની વેક્સિન ડેલ્ટા સામે કામ કરે છે. આ દાવો જૂઠો સાબિત થયો છે. હવે તે કંપનીઓ કહે છે કે અમારો બુસ્ટર ડોઝ લેવો પડશે. હજુ ૧૦૦ ટકા લોકોએ બે ડોઝ લીધા નથી; ત્યાં સરકાર બધાને બુસ્ટર ડોઝ આપી શકે તેમ નથી. આ બુસ્ટર ડોઝ લીધા પછી કોઈ નવો વેરિયન્ટ આવશે તો તેના માટે વળી પાછો ચોથો ડોઝ લેવો પડશે.

અમેરિકામાં કોરોના વાયરસ રાજકારણનો મુદ્દો પણ બની ગયો છે. વર્તમાન પ્રમુખ જો બાઇડન ડેમોક્રેટિક પક્ષના છે. રિપબ્લિકન પક્ષના કેટલાક ગવર્નરો વેક્સિન અને માસ્કને ફરજિયાત બનાવવાની વિરુદ્ધમાં છે. તેઓ જો બાઇડન સામે રાજકીય લડાઈ લડી રહ્યા છે. અમેરિકામાં ઠેકઠેકાણે વેક્સિન, લોકડાઉન અને માસ્કના વિરોધમાં તોફાનો ચાલુ થઈ ગયાં છે. તેમાં રિપબ્લિકન પક્ષના રાજકારણીઓ પણ સંકળાયેલા છે. એરિઝોના પ્રાંતના ગવર્નર ડૌગ ડ્યુસી તેમાં મોખરે છે. તેઓ શરૂઆતથી લોકડાઉન, માસ્ક અને વેક્સિનના વિરોધી રહ્યા છે. જો બાઇડને જે કડક કાયદાઓ જાહેર કર્યા તેનો વિરોધ કરતાં તેઓ પૂછે છે કે ‘‘તમે કેટલાં બાળકોને શિક્ષણથી વંચિત રાખશો? તમે કેટલાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશો? તમે કેટલી કંપનીઓને દંડ કરશો?  શું અમેરિકામાં લોકશાહીનો અંત આવી ગયો છે અને સરમુખત્યારશાહીનો પ્રારંભ થઈ ગયો છે? ’’

એરિઝોનાના ગવર્નર ડૌગ ડ્યુસી કોરોના મહામારીનો પ્રારંભ થયો ત્યારથી વેક્સિનનો વિરોધ કરતા આવ્યા છે. તેમના રાજ્યમાં કેટલીક સ્કૂલોનો નિયમ હતો કે જે બાળકને કોરોના થાય તેણે ૧૦ દિવસ સ્કૂલમાં હાજરી પૂરાવવી નહીં. ડૌગ ડ્યુસીએ તે નિયમ રદ કરાવ્યો હતો. તેમના રાજ્યની ત્રણ યુનિવર્સિટીઓ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો હતો કે વેક્સિન મૂકાવ્યા વગર વર્ગખંડમાં બેસી શકાય નહીં. ડૌગ ડ્યુસીએ તે નિયમ પણ રદ કરાવ્યો હતો. ટક્સન નામની મેગા કંપનીએ નિયમ કર્યો હતો કે તેના જે કર્મચારીઓ વેક્સિન ન મૂકાવે તેમને પાંચ દિવસનો પગાર કાપવો અથવા તેમના હેલ્થ ઇન્શ્યોરન્સની રકમ વધારી દેવી. આ નિયમને રદ કરતો આદેશ ગવર્નર ડૌગ ડ્યુસી તરફથી બહાર પાડવામાં આવ્યો હતો. અનેક ગવર્નરો તેમને અનુસરી રહ્યા છે.

અમેરિકાની જેમ ઇઝરાયલના ૬૨ ટકા નાગરિકો વેક્સિનના બે ડોઝ લઈ ચૂક્યા છે તો પણ ઇઝરાયલ જેવા નાનકડા દેશમાં રોજના નવા દસ હજાર કેસો આવી રહ્યા છે. તેમાંના ૬૦ ટકા કેસો વેક્સિનના બે ડોઝ લીધેલા લોકોના છે. ઇઝરાયલના ૬૦ ટકા નાગરિકોને વેક્સિનના બે ડોઝ અપાઈ ગયા તે પછી લોકડાઉન હળવું કરવામાં આવ્યું હતું; પણ કેસોની સંખ્યા વધતાં ફરી પાછું કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ઇઝરાયલના મોટા ભાગનાં લોકોને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી છે. હવે બહાર આવ્યું છે કે તેની અસર ૬ મહિના પછી ઘટી જાય છે. અમેરિકાના ૬૨ ટકા નાગરિકો સામે ભારતના માત્ર ૧૨ ટકા નાગરિકોને જ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જો અમેરિકા કોરોનાને વેક્સિનથી નાથી નથી શક્યું તો ભારત કેવી રીતે નાથી શકશે?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts