હાલ સુરત શેરીગરબે ઘૂમી રહ્યું છે. બે વર્ષ બાદ સુરતી લહેરીલાલાઓને નવરાત્રી ઉજવવાનો મોકો જો મળ્યો છે. જો કે નવરાત્રીનું સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાઈ જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. લાઇટિંગ, સુંદર મજાના સજ્જ થયેલા ખેલૈયાઓ, સાઉન્ડસિસ્ટમ, ડાંડિયાના તાલ… આ નવરાત્રિનું જ એક ચિત્ર છે. સરકારની ગાઈડલાઇન મુજબ આ વખતે ફકત શેરીગરબાને જ પરમિશન આપતા મોટાં આયોજનો નથી થવાનાં આ ઉપરાંત અનેક સોાસયટીમાં SMCએ ગરબા પર રોક લગાવી છે. તો ચાલો મળીએ શહેરના કેટલાક યંગસ્ટર્સને અને જાણીએ કે તેઓ નવરાત્રિ ક્યાં ઉજવવાના છે ? શું તેમણે નવરાત્રિના શોપિંગ પર કાપ મૂકયો ખરો? બધા જ દિવસ પોતાની શેરીમાં ગરબા રમશે કે અલગ અલગ જગ્યાએ જશે? ચાલો જાણીએ….

24 વર્ષીય તેજલ જોબ કરે છે. તેજલ ધાડવે જણાવે છે કે, ‘‘મને નવરાત્રીનો શોખ છે. આ વખતે હું સોસાયટીમાં જ નવરાત્રિ કરીશ. જો કે દર વર્ષે ગ્રુપ સાથે પાર્ટી પ્લોટમાં જઈએ. આ વર્ષે શેરીમાં રમીશું છતાં અફસોસ નહીં થશે કેમ કે અમારી સોયાયટીમાં સરસ આયોજન થાય છે, બધા જ દિવસ બધા અલગ અલગ કલરના ડ્રેસ નક્કી કરીએ. મારી શેરીમાં સારું આયોજન થાય છે આથી હું બીજે કશે રમવા જવાની નથી પણ મારા ફ્રેન્ડ્સને મારી શેરીમાં રમવા બોલાવીશ. આ વખતે પણ નવરાત્રિમાં દર વર્ષ જેટલું જ શોપિંગ પણ કર્યું છે. બે વર્ષ બાદ નવરાત્રિ રમવાનો મોકો મળતા ઉત્સાહ ખૂબ જ છે. દોઢિયાં ક્લાસીસ કરી નવા સ્ટેપ અને નવું વેરીએશન શીખી છું. મને સાદા ગરબા, ત્રણ તાળી, પાંચ તાળી, અમદાવાદી, બધા જ ગરબા રમતાં આવડે છે.’’

19 વર્ષીય વિશ્વા પટેલ એફ વાય બી.એસસી. કરે છે. વિશ્વા જણાવે છે કે, ‘‘આ વખતે નવરાત્રીનાં મોટાં આયોજનો નથી થવાનાં એ જાણીને મૂડ ઓફ થઈ ગયો કેમ કે હું દર વર્ષે ગ્રાઉન્ડ પર જ પ્રોફેશનલ ગરબા રમવા જાઉં છું. જેના માટે મેં અગાઉથી જ નવા સ્ટેપ શીખ્યા હતા પણ હવે ફકત શેરીગરબાને જ પરમિશન મળતા સોયાયટીમાં થતાં નાનાં આયોજનોમાં જ રમીશ. નવરાત્રિનું શોપિંગ પણ મેં દર વખત કરતાં ઓછું કર્યું છે કેમ કે ખબર જ નહીં હતી કે નવરાત્રિ થશે કે નહીં ? આ વખતે હું એક જ જગ્યાએ નવરાત્રિ કરીશ અને ફ્રેન્ડ્સને આ પરિસ્થિતિમાં શેરીમાં બોલાવવા હિતાવહ નથી કેમ કે પહેલાંથી જ એટલું પબ્લિક હોય અને એમાંય આપણે બહારનાને બોલાવીએ તો એ યોગ્ય ના લાગે.’’

17 વર્ષીય તિશા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. તિશા જણાવે છે કે, ‘‘મને ગરબાનો ખૂબ જ શોખ છે. હું નવરાત્રિની વેઇટ કરું. આ વખતે શેરીગરબા થવાના છે તો હું મારા ગામમાં જ દોઢિયાં કરીશ અને મેં ચણિયાચોળી, કેડિયું એવું પણ બુક કરાવ્યું છે. દર વખત જેટલું જ શોપિંગ મેં આ વર્ષે પણ કર્યું છે. એમાં કાપ નથી મૂક્યો. આ વખતે સ્કૂલ એક્ઝામના લીધે મેં ક્લાસીસ નથી કર્યા પણ ઘરે જ કપલ દોઢિયાં શીખી. મને તાળી ગરબા અને સાદા ગરબા પણ આવડે છે પણ વધારે તો મને દોઢિયાં રમવા ગમે છે. મારાં જ ફળિયામાં ખૂબ જ સરસ આયોજન થાય છે આથી હું બધા જ દિવસ અહીં જ ગરબા રમીશ અને મારા ફ્રેન્ડ્સને પણ અહીં બોલાવીશ.’’

19 વર્ષીય નીલમ જણાવે છે કે, ‘‘આ વખતે હું મારી શેરીમાં જ ગરબા રમીશ. મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે જો શેરીમાં ગરબાનું આયોજન ના થાય તો હું ઘરમાં એકલી ગરબા રમીશ. એટલો શોખ છે મને. થોડા દિવસ શેરીમાં રમીશ અને અમુક દિવસ મામા અને માસીની સોયાયટીમાં પણ ગરબા રમવા જવાની છું જેથી બધી જગ્યાના માહોલ જોવા મળે. દર વખત કરતાં આ વર્ષે મેં નવરાત્રિના શોપિંગમાં કાપ મૂક્યો છે. થોડી ઓછી ખરીદી કરી છે. નવા નવા સ્ટેપ હું ઘરે જ મોબાઇલમાંથી શીખું છું. કોઈ ક્લાસીસ નથી કર્યા. મને તાળી ગરબા, ત્રણ તાળી ગરબા, ઊલ્ટા ગરબા, દોઢિયાં બધું જ રમતાં આવડે છે.’’
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતીઓને બે વર્ષ બાદ નવરાત્રી સેલિબ્રેશનનો મોકો મળતા એક અનોખો ઉત્સાહ તો દરેક યુવા ચહેરા પર છલકાઈ રહ્યો છે પણ સાથે પાર્ટી પ્લોટના ગરબાને પણ મિસ કરી રહ્યા છે. જે પણ હોય આ વર્ષે શેરીગરબાને જ પરમિશન મળતાં ઘણાંએ પોતાના નવરાત્રિ શોપિંગ પર પણ કાપ મૂકી દીધો છે તો કેટલાકે નવરાત્રિ શોપિંગ જ નથી કર્યું. નવરાત્રી એટલે ગ્રુપ સાથે ગરબે ઘૂમવાની એક મજા હોય પણ શેરીમાં ફકત 400 લોકોને પરમિશન અપાતાં ફ્રેન્ડ્સ ગ્રૂપને પણ બોલાવવા હિતાવહ નથી. તો કેટલાકે ક્લાસીસ જ જોઇન નથી કર્યા. આપ સૌ કોઈ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી નવરાત્રિ ઉજવો અને બીજાને પણ પાલન કરવાની પ્રેરણા આપો… હેપ્પી નવરાત્રિ…