Top News

More Posts

   The Latest

Most Popular

પ્રધાનમંત્રી ગયા અને સ્થિતિ જૈસે થે


વડોદરા શહેરમાં સ્પેનના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ઠેર-ઠેર છોડવાના કુંડા અને ઠેર-ઠેર ઘાસની ચાદર પાથરીને લીલોતરી ઊભી કરવામાં આવી હતી. તે ગણતરીના દિવસોમાં જ કોઈ પ્રકારનું મેન્ટેનન્સ નહીં રાખવામાં આવતા સુકાઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર હવે કોઈ જાળવણી કરતું નથી. એટલું જ નહીં પ્રધાનમંત્રીના આગમન માટે કરોડોના ખર્ચનો ધુમાડો થયો હોવાનું આ કિસ્સા પરથી જણાઈ આવે છે. વડોદરા શહેરમાં ખાનગી કંપની દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્પેનના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રીનું આગમન વડોદરા શહેર માટે ગૌરવની વાત હતી. રાજ્ય સરકાર દ્વારા પણ પૂરતી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ કોર્પોરેશનનું તંત્ર પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળે તેવા શુભ આશયથી અંદાજે 50 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોને સુશોભિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પેન અને ભારતના પ્રધાનમંત્રીની મુલાકાતના આગમન ટાણે જે વિસ્તારમાંથી તેઓ પસાર થવાના હતા. તે તમામ વિસ્તારોમાં રાતોરાત બનાવાયા અને તેની સાથે લીલોતરી અને લાઇટિંગ કરી વડોદરા શહેરને ઝગમગતું બનાવી દીધું હતું. દરમિયાનમાં બંને પ્રધાનમંત્રીના આગમન સમયે બનેલું વડોદરા શહેર ઝોલમજોલ થવાની શરૂઆત થઈ ગઈ છે.
વડોદરા શહેરના અટલ બ્રિજ પર તેમજ એરપોર્ટ સર્કલથી લઈ સરદાર એસ્ટેટ સુધી અને એરપોર્ટ સર્કલથી સંગમ ચાર રસ્તા સુધીના મુખ્ય રસ્તા પર લગાવેલી રોશની બંધ હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ હવે જેલ રોડ ઉપર ઘાસની ચાદર પાથરી હતી અને ઠેર-ઠેર છોડના કુંડા મુકવામાં આવ્યા હતા. તે હવે સુકાતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત સર્કલની આજુબાજુમાં રંગોળી કરી હોય તેવા પાકા કલરથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું તે પણ ગણતરીના દિવસોમાં ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહ્યું છે અને પેઇન્ટિંગ ઝાંખા થઈ ગયા છે. ત્યારે પ્રધાનમંત્રીના આગમન સમયે વડોદરા સુશોભનથી ભરપૂર થયું હતું તે હવે અદ્રશ્ય થતું નજરે પડે છે પરંતુ કોર્પોરેશનના સત્તાવાળાઓને કાંઈ પડેલી નથી તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.

To Top