Top News

More Posts

   The Latest

Most Popular

ઇલેક્શન ડિપાર્ટમેન્ટમાં વીજળી ગુલ થતાં સમગ્ર ઓનલાઇન કામગીરી ઠપ્પ, ખાલી ખુરશીઓનું દૃશ્ય: વીજ બેકઅપના અભાવે સરકારી કામકાજ પર સવાલ!

વડોદરા : એક તરફ સમગ્ર દેશમાં ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના નામના દાવાઓ ગાજી રહ્યા છે, ત્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીમાં સર્જાયેલા ‘બ્લેકઆઉટ’એ આ દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના હૃદય સમા ગણાતા આ વહીવટી મથક ખાતે આવેલા ઇલેક્શન ડિપાર્ટમેન્ટનો વીજ પુરવઠો અચાનક ખોરવાઈ જતાં તમામ ઓનલાઇન કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ હતી.

જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા સંબંધિત મહત્ત્વની કામગીરી હાથ ધરતી આ કચેરીમાં જ્યારે BLO, શિક્ષકો અને ઇલેક્શન સ્ટાફ કમ્પ્યુટર આધારિત પ્રક્રિયામાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક વીજળી જતાં તમામ કમ્પ્યુટર્સ બંધ પડી ગયા હતા. જેના કારણે સમગ્ર કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.

વીજળી ન હોવાને કારણે કમ્પ્યુટર આધારિત પ્રક્રિયા પર નિર્ભર રહેતો સ્ટાફ નિષ્ક્રિય થઈ ગયો હતો. ઓફિસમાં જ્યાં થોડી મિનિટો પહેલાં કામકાજની ધમધમાટ હતી, ત્યાં અચાનક જ ખાલી ખુરશીઓનું દૃશ્ય જોવા મળ્યું હતું. સ્ટાફને લાચાર થઈને બેસી રહેવું પડ્યું હતું.

આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે મહત્ત્વની સરકારી કચેરીઓમાં પણ વીજ પુરવઠો ખોરવાય ત્યારે કામગીરી ચાલુ રાખવા માટે યોગ્ય બેકઅપ સિસ્ટમ જેમ કે જનરેટર કે પાવર બેકઅપ ની સુવિધાનો અભાવ છે. ડિજિટલ માધ્યમથી થતી કામગીરી વીજળી વિના કેવી રીતે અટકી પડે છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ આજે વડોદરા કલેક્ટર કચેરીમાં જોવા મળ્યું હતું. વહીવટી તંત્ર આ દિશામાં તાત્કાલિક પગલાં ભરે તે આવશ્યક છે.

કલેક્ટરના કામકાજ પર મોટો પ્રશ્નચિહ્ન …

સમગ્ર જિલ્લામાંથી થતું ઓનલાઇન કામકાજ આ જ કચેરીમાં ચાલે છે. આવી મહત્ત્વની સરકારી કચેરીમાં વીજળી ગુલ થવાથી કામકાજ અટકી પડવાની ઘટનાએ ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે.

To Top