Top News

More Posts

   The Latest

Most Popular

શાળામાંથી ઘરે લઈ જવાના બહાને સગીરાને તુવરના ખેતરમાં લઈ જઈ યુવકે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું

વડોદરાત તા.24

નેત્રંગ તાલુકાના એક ગામમાં રહેતી 10 વર્ષીય સગીરાને ગામના યુવકે તુવેરના ખેતરમાં લઈ જઈને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આ બાબતની કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ સગીરાના પરિવારજનોએ કર્યો હતો. કાકી નવડાવવા માટે સગીરાને લઈ જતા તેના શરીરે નિશાન જોવા મળ્યા હતા. ત્યારે સગીરાએ સમગ્ર હકીકત કાકીને કહેતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દરમિયાન સગીરાની તબિયત લથડતા તેને નેત્રંગ બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે સગીરાના પરિવારજનો દ્વારા દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરાઈ છે.

નેત્રંગ તાલુકાના એક ગામમાં પોતાના પરિવાર સાથે રહેતી 10 વર્ષીય સગીર બાળકી 12 નવેમ્બરના રોજ રાબેતા મુજબ સવારના સમયે અભ્યાસ અર્થે શાળામાં ગઈ હતી. દરમિયાન તેના ગામમાં રહેતા યુવકનો સગીર બાળકીના કાકા પર ફોન આવ્યો હતો અને યુવકે તેમને જણાવ્યું હતું કે તે તેમની ભત્રીજીની સ્કૂલમાં આવ્યો છે. જેથી તેને ઘરે લઈ આવે. ત્યારે કાકાએ બાળકીની માતાને વાત કરી હતી. અંતે યુવક સગીરાને લેવા માટે સ્કૂલમાં ગયો હતો ત્યારે શિક્ષકે તેની માતાને ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીને એક યુવક લેવા માટે આવ્યો છે. જેથી માતાએ તેના પર વિશ્વાસ કરીને સગીરાને તેની સાથે મોકલવા માટે કહ્યું હતું.
પરિવારજનોના આક્ષેપ મુજબ આ યુવક સગીરાને લઈને ઘરે આવવા માટે નિકળ્યો હતો. ત્યારે વચ્ચે તુવેરના ખેતરમાં લઈ જઈને યુવકે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે યુવકે સગીરાને કોઈ આ બાબતની વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી સગીરા પણ ડરી ગઈ હતી.
ત્યારબાદ યુવક સગીરાને લઈને તેના ઘરે મૂકી ગયો હતો. દરમિયાન બાળકીને તેની કાકી ન્હાવા માટે લઈને ગયા હતા. ત્યારે તેના છાતીના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી કાકીએ સગીરાની પ્રેમથી પૂછપરછ કરી હતી. ત્યારે તેણે ગામના યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની હકીકત જણાવી હતી. પરંતુ આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું કાકીને કહેતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
દરમિયાન સગીરાની તબિયત લથડી હતી જેથી સગીરાને નેત્રંગ અને રાજપીપળાની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. દરમિયાન યુવકના પરિવારજનો દ્વારા સગીરાના દાદાને સમાધાન કરવા પેટે 3 લાખ આપવાની લાલચ આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો અને એક પોલીસ જમાદારે પણ યુવકનો પક્ષ લઇ રૂપિયા લેવા માટે સમાધાન કરી સમગ્ર કેસને દબાવી દેવા પ્રયાસ કર્યો હતો.દરમિયાન સગીરાની તબિયત વધુ બગડતા યુવકના પરિવારના સભ્યો દ્વારા કોઈ નુકશાન પહોંચાડવાની આશંકાએ સગીરાના પરિવારે ત્યાંથી સગીરાને લઈ સયાજી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજતા પરિવારે દ્વારા દુષ્કર્મ ગુજારનારને ફાંસીની સજા થાય તેવી માંગ કરાઈ હતી.

To Top