Top News

More Posts

   The Latest

Most Popular

એક છોકરો, નામ શિવાન.શાળામાં ભણવું ગમે નહિ.ટીચરો ભણાવે પણ તેને કંઈ બરાબર સમજાય નહિ અને તે જે કોઈ પણ મનની જિજ્ઞાસા પૂરી કરવા પ્રશ્નો પૂછે તો ટીચર તે પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેને ખીજાઈને ચૂપ કરી દે.હંમેશા વર્ગની બહાર કાઢે અને સતત કહે ‘તું તો ડોબો છે.

તને કંઈ નહિ સમજાય’ … શિવાન મનમાં ને મનમાં વધુ મૂંઝાય અને ભણવાથી દૂર ભાગે..પરિણામે તેનું રીઝલ્ટ દિવસે દિવસે ખરાબ થતું જાય.પહેલાં ઓછા માર્ક આવતા હતા.પછી એક કે બે વિષયમાં નાપાસ થવા લાગ્યો અને હમણાં યુનિટ ટેસ્ટનું રીઝલ્ટ આવ્યું તેમાં શિવાન ચાર વિષયમાં નાપાસ થયો.

મમ્મી પહેલાં તો બહુ ખીજાઈ, પછી શિવાનને બરાબર ભણાવીને જ રહેશે તેમ નક્કી કર્યું.મમ્મી એકદમ કડક થઇ ગઈ. રમવા જવાનું બંધ કરાવ્યું.ત્રણ ત્રણ ટ્યુશન રાખ્યાં. શિવાનને ભણવું જ ગમતું નહિ અને મમ્મી સતત ટોકતી રહેતી, ‘સાવ ડોબો છે ..નકામો છે ..

કંઈ સમજતો જ નથી.’ સાથે  હવે તો સતત એક ટ્યુશન પછી બીજું ટ્યુશન તે ભણવાથી એકદમ કંટાળી ગયો.તેના પિતા તેને પ્રેમથી સમજાવતા.ત્રણ ત્રણ ટ્યુશન રાખવા છતાં શિવાનમાં કોઈ સુધારો જોવા મળતો ન હતો.પરીક્ષા નજીક આવતી જતી હતી પણ શિવાનને કંઈ જ યાદ રહેતું ન હતું.તે વધુ ને વધુ મુંઝાતો ..ડરતો ..અને કોઈને કંઈ ન કહેતો.

એક દિવસ રાત્રે તે પોતાના રૂમમાં બેસી ભણવાની કોશિશ કરી રહ્યો હતો.પણ તેને કંઈ યાદ રહેતું ન હતું.તેના પપ્પા રૂમમાં આવ્યા અને ભણતાં શિવાનના માથા પર પ્રેમથી હાથ ફેરવી બોલ્યા, ‘સરસ દીકરા.સારી વાત છે, આમ મન દઈને મહેનત કરીશ તો ચોક્કસ સારું રીઝલ્ટ આવશે.’પપ્પાની વાત સાંભળી શિવાન રડી પડે છે અને કહે છે, ‘ના, પપ્પા મને ખબર છે રીઝલ્ટ સારું નહિ આવે કારણ મને ખબર છે મને કંઈ જ સમજાતું નથી….કંઈ જ આવડતું નથી.’

પપ્પા તેની બાજુમાં બેસે છે, પ્રેમથી સમજાવે છે, ‘દીકરા, તને ખબર છે કે તને કંઈ જ સમજાતું નથી …કંઈ જ આવડતું નથી તે તું જાણે છે તે સૌથી સારી વાત છે.તું ક્યાં છે તે હકીકતની તને જાણ છે અને તે સત્ય હકીકત તું સ્વીકારે પણ છે તે સારી શરૂઆત છે..

તારે જીવનમાં જાત મહેનતે જ જ્યાં છે ત્યાંથી આગળ વધવું પડશે…તું હિંમત ન હાર ..આજથી જ શરૂ કર. જાત મહેનતે જ્યાં છે ત્યાંથી આગળ વધવાની શરૂઆત કર.એક એક પગલું તને આગળ લઇ જશે.’ શિવાનના હતાશ મનને પિતાના શબ્દોએ હિંમત આપી. 

         લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top