Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાતીમાં કહેવત છે કે જેવડી પછેડી હોય તેવડી જ સોડ તાણવી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો આ કહેવત મુજબ જીવવામાં માનતા નથી. અમેરિકામાં જે સમૃદ્ધિ જોવા મળે છે તે તેની પોતાની મહેનતની ઉપજ નથી પણ દુનિયાના દેશો પાસેથી ઉધાર લીધેલી સમૃદ્ધિ છે. અમેરિકાની સરકાર અને પ્રજા પણ દેવું કરીને જલસા કરવામાં માને છે.

અમેરિકાનો ઉગતો સૂર્ય છે, માટે દુનિયાના દેશો તેને ઉધારમાં પણ પોતાનો માલ વેચવા પડાપડી કરે છે. અમેરિકા જે આયાત કરે છે તેની ચૂકવણી ડોલરમાં કરે છે. આ ડોલર ફેડરલ રિઝર્વ દ્વારા છાપવામાં આવે છે. અમેરિકામાં નિકાસ કરનારા દેશો ડોલરનો ઉપયોગ કરીને અમેરિકી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રેઝરી બોન્ડ ખરીદે છે.

આ કારણે અમેરિકાનું વિદેશી દેવું સતત વધતું જાય છે. વધુમાં અમેરિકાની સરકાર પોતાના નાગરિકો પાસેથી પણ ડોલર ઉધાર લે છે. આ રીતે અમેરિકાનું આંતરિક તેમ જ બાહ્ય દેવું વધતું જાય છે.

છેલ્લામાં છેલ્લા આંકડાઓ મુજબ અમેરિકી સરકારનું કુલ દેવું ૨૭. ૯ ટ્રિલિયન ડોલર (૨૭,૯૦૦ અબજ ડોલર અથવા ૨૭. ૯ લાખ કરોડ ડોલર) પર પહોંચી ગયું છે. હજુ એક વર્ષ પહેલાં અમેરિકાનું કુલ દેવું ૨૩.૪ ટ્રિલિયન ડોલર હતું. કોરોનાને કારણે આવેલી મંદીનો મુકાબલો કરવા અમેરિકાની સરકારે વધુ ૪.૫ ટ્રિલિયન ડોલરનું દેવું કર્યું છે.

અમેરિકાનો જીડીપી આશરે ૨૦ ટ્રિલિયન ડોલર છે. અમેરિકાના તમામ નાગરિકો આખું વર્ષ મહેનત કરીને જેટલી સંપત્તિ પેદા કરી શકે છે તેના કરતાં દોઢ ગણું અમેરિકાનું દેવું છે. અમેરિકાના દરેક નાગરિકના માથે આશરે ૮૪,૦૦૦ ડોલરનું દેવું છે. જો અમેરિકાનું દેવું આ ઝડપે વધતું રહ્યું તો ઇ.સ. ૨૦૫૦ સુધીમાં તે વધીને ૧૩૩ ટ્રિલિયન ડોલર પર પહોંચી જશે.

જો અમેરિકાના લેણદાર દેશો તેમની પાસેના ટ્રેઝરી બોન્ડ વેચવા કાઢે તો અમેરિકાની સરકારનું પતન થઈ જાય. દુનિયાના દેશોને જ્યાં સુધી અમેરિકાને માલ વેચ્યા કરશે અને ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા કરશે ત્યાં સુધી અમેરિકાના જલસા ચાલુ જ રહેશે.

અમેરિકાની સરકારનું જે કુલ દેવું છે તેના બે તૃતિયાંશ ભાગ ટ્રેઝરી બોન્ડના સ્વરૂપમાં છે. આ બોન્ડ અમેરિકાના નાગરિકો ઉપરાંત અમેરિકી તેમ જ વિદેશી કંપનીઓ તેમ જ સરકારો દ્વારા પણ ખરીદવામાં આવેલાં છે. જપાન પાસે ૧.૨૯ ટ્રિલિયન ડોલરના અમેરિકન ટ્રેઝરી બોન્ડ છે. ચીન પાસે ૧.૦૭ ટ્રિલિયન ડોલરના ટ્રેઝરી બોન્ડ છે. બ્રિટન પાસે ૪૪૫ અબજ ડોલરના બોન્ડ છે. ભારત પાસે ૨૧૬ અબજ ડોલરના ટ્રેઝરી બોન્ડ છે.

આયર્લેન્ડ જેવા નાનકડા દેશ પાસે અમેરિકાના ૩૩૦ અબજ ડોલરના ટ્રેઝરી બોન્ડ છે. હોંગકોંગ પાસે ૨૬૬ અબજ તો સ્વિટ્ઝર્લેન્ડ પાસે ૨૪૭ અબજ ડોલરના ટ્રેઝરી બોન્ડ છે. અમેરિકાના કુલ ૭ ટ્રિલિયન ડોલરના ટ્રેઝરી બોન્ડ વિદેશમાં છે. બીજા શબ્દોમાં અમેરિકાનું કુલ વિદેશી દેવું ૭,૦૦૦ અબજ ડોલર અથવા સાત લાખ કરોડ ડોલર જેટલું છે.

અમેરિકાની સરકારનું એક તૃતિયાંશ દેવું વિવિધ સરકારી ખાતાંઓ પાસેથી કરવામાં આવેલી ઉધારીના સ્વરૂપમાં છે. તે પૈકી સૌથી મોટી ઉધારી સોશિયલ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ પાસેથી કરવામાં આવેલી છે. સોશિયલ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં દેશના નાગરિકોના પ્રોવિડન્ટ ફંડની રકમ જમા રાખવામાં આવે છે.

અમેરિકાની સરકાર તે રકમ પણ ઉધાર લઈને ખર્ચી કાઢે છે. આવતા બે દાયકામાં ૧૯૪૬થી ૧૯૬૪ વચ્ચે જન્મેલા અમેરિકન નાગરિકો રિટાયર થશે ત્યારે સરકારે તેમને તે ડોલર ચૂકવવા પડશે. ત્યારે સરકારે કરવેરા પણ વધારવા પડશે. અમેરિકી સરકાર દ્વારા જેટલી પણ રકમ ઉધાર લેવામાં આવે તેનું વ્યાજ ચૂકવવું પડે છે. અમેરિકાની સરકાર દ્વારા ટ્રેઝરી બોન્ડના વ્યાજનો દર બહુ ઓછો રાખવામાં આવ્યો હોવાથી તેને વધુ વ્યાજ ચૂકવવાની જરૂર પડતી નથી.

ઇ.સ. ૧૯૮૯ અને ૨૦૨૦ વચ્ચે અમેરિકાના દેવાંમાં ૮૦૦ ટકાનો વધારો થયો છે. ૧૯૮૯માં અમેરિકાનું કુલ દેવું ૨. ૯ ટ્રિલિયન ડોલર હતું, જે ૨૦૨૦માં વધીને ૨૭ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું હતું. બરાક ઓબામાના શાસન કાળમાં અમેરિકાનાં દેવાંમાં ૮.૩ ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો. ૨૦૦૮માં વિશ્વમાં જે આર્થિક મંદી આવી તેનો મુકાબલો કરવા બરાક ઓબામાએ જે સ્ટિમ્યુલસ પેકેજો આપ્યા તેને કારણે અમેરિકાનાં દેવામાં ૭૦ ટકાનો વધારો થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના શાસન કાળમાં અમેરિકાનાં દેવાંમાં બીજા ૬.૭ ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો. ગયાં વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે જે મંદી આવી તેનો મુકાબલો કરવા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવ્યું તેને કારણે દેવામાં બે ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો. જો બાઇડેન પ્રમુખ બન્યા કે તેમણે કોરોના માટે બીજા ૧. ૯ ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.

અમેરિકાની સરકારને દેવું કરીને જલસા કરવાનું પરવડે છે, કારણ કે તેના ટ્રેઝરી બોન્ડના વ્યાજનો દર બહુ ઓછો છે. તેનું કારણ એ છે કે દુનિયાના દેશોને અમેરિકાના અર્થતંત્રમાં વિશ્વાસ છે. જો અમેરિકાનું અર્થતંત્ર નબળું પડે તો ટ્રેઝરી બોન્ડના વ્યાજનો દર વધી જાય છે. અમેરિકી સરકાર દ્વારા જાયન્ટ પેકેજો જાહેર કરવામાં આવ્યા અને તેનું દેવું હદબહાર વધી ગયું તેને કારણે તાજેતરમાં ૧૦ વર્ષના ટ્રેઝરી બોન્ડના વ્યાજનો દર વધીને ૧.૬૧ ટકા પર પહોંચી ગયો છે.

દુનિયાના કોઈ પણ દેશનું અર્થતંત્ર કેટલું સદ્ધર છે તે જાણવા માટે તેનાં દેવાંનો જીડીપી સાથેનો ગુણોત્તર જાણવો જરૂરી હોય છે. ૧૯૮૯માં અમેરિકાનો જીડીપી ૫.૪ ટ્રિલિયન ડોલર હતો ત્યારે તેનું દેવું જીડીપીના ૫૦ ટકા એટલે કે ૨.૭ ટ્રિલિયન ડોલર જેટલું હતું. ૨૦૦૧માં જાગતિક મંદી આવી અને ૯/૧૧નો આતંકવાદી હુમલો થયો તેને કારણે ૨૦૦૨માં દેવું વધીને ૬ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું.

૨૦૦૮ના સપ્ટેમ્બરમાં તે વધીને ૧૦ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું. ૨૦૦૮ની મંદીનો મુકાબલો કરવા માટે સરકારે ૭૦૦ અબજ ડોલરનું પેકેજ આપ્યું તેને કારણે ૨૦૧૦માં દેવું વધીને ૧૨ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું. ૨૦૧૨માં તે ૧૬ ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું. ૨૦૧૭માં દેવું ૨૦ ટ્રિલિયન ડોલરનો આંકડો વટાવીને ૨૦૨૦માં ૨૭ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું. આજની તારીખમાં અમેરિકાનો જીડીપી ૨૦ ટ્રિલિયન ડોલર છે, પણ તેનું દેવું ૨૭.૯ ટ્રિલિયન ડોલર છે. બીજા શબ્દોમાં અમેરિકાના જીડીપીની સરખામણીમાં તેનું દેવું આશરે ૧૪૦ ટકા જેટલું છે.

જો અમેરિકાના જીડીપીની સરખામણીમાં તેનું દેવું વધ્યા કરશે તો અમેરિકાના ડોલરમાં દુનિયાના દેશોનો વિશ્વાસ ઘટતો જશે. જો તેઓ પોતાની પાસેના ટ્રેઝરી બોન્ડ વેચવા કાઢે તો તેના ભાવોમાં કડાકો બોલી જશે. જો ટ્રેઝરી બોન્ડની ડિમાન્ડ ઘટી જાય તો અમેરિકાની સરકારે તેની ડિમાન્ડ ટકાવી રાખવા તેનું વ્યાજ વધારવું પડે.

જો ટ્રેઝરી બોન્ડનું વ્યાજ વધે તો અમેરિકાની સરકારનો ખર્ચો વધે. તે ખર્ચાને પહોંચી વળવા તેણે નવા બોન્ડ બહાર પાડવા પડે. બોન્ડનો પુરવઠો વધે તો તેની કિંમત પણ ઘટે. સરવાળે ડોલરની કિંમત પણ ઘટે. છેલ્લાં એક વર્ષથી સતત ડોલરની કિંમતમાં ઘસારો થઈ રહ્યો છે. ડોલરનો ઇન્ડેક્સ ગયા માર્ચમાં ૧૦૦ ટકા હતો તે ઘટીને ૯૦ ટકા પર આવી ગયો છે.

જો બાઇડેને પણ ઓબામાની અને ટ્રમ્પની દેવું કરીને જલસા કરવાની નીતિ ચાલુ રાખી છે. જો જગતમાં ડોલરનો જથ્થો હદ કરતાં વધી જાય તો ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્ટેટસ જોખમમાં આવી જાય તેમ છે. ચીન તો ક્યારનું આ તકની જ રાહ જોઈને બેઠું છે.

          લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top