Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં કોરોના બેકાબુ થઇ ચૂક્યો છે, રોજ રોજ દોઢથી બે હજાર દર્દીઓ કરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. શહેરમાં સારવાર માટે બેડ મળતા નથી. રેમડેસિવિર ઇન્જેકશન માટે લાંબી લાંબી લાઇનો લાગે છે. ત્યારે કોરોનાની આ આગમાં ઘી હોમે એવા ત્રણ મોટા પડકારો મનપા સામે ઉભા થયા છે. જેમ તેમ કરીને કોરોના સામેની લડાઇ લડી રહેલા મનપાના તંત્ર માટે હવે કુંભમેળામાંથી (Kumbh Mela) આવી રહેલા યાત્રિકો કોરોનાના સુપર સ્પ્રડેર પુરવાર થાય તેવી આશંકા હોય તેને ટ્રેસ કરવાનો પડકાર છે. આ ઉપરાંત હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો હોય રમજાનની (Ramzaan) બજારોમાં થતી ભીડ પણ કોરોનાનું સંક્રમણ વધુ વકારવે તેવી ભીતિ છે. આ બે સ્થાનિક પડકારો ઉપરાંત અન્ય વિસ્તારોમાં કોરોનાનો વિસ્ફોટ થતા જુદા જુદા વિસ્તારમાંથી સુરતની હોસ્પિટલોમાં દાખલ થઇ રહેલા કોરોનાના દર્દીઓ પણ મનપાની મુશકેલીઓ વધારી રહ્યા છે.

સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાંથી કોરોનાના દર્દીઓ સુરત આવે છે
સુરતમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરનો જે કોન્સેપ્ટ સફળ થઇ રહ્યો છે. તેના કારણે સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલના ભારણમાં આંશિક રાહત જોવા મળી રહી છે. વળી ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર માટે 50 ટકા બેડ અનામત રાખવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે, સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાંથી કોરોનાના દર્દીઓ સારવાર માટે સુરત આવવા માંડ્યા છે. જેના કારણે સુરતમાં દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળો જ દેખાઇ રહ્યો છે.

કુંભમેળામાંથી આવેલા વધુ ચાર લોકો કોરોના પોઝિટિવ નિકળ્યા
સુરત મનપા દ્વારા શહેરના તમામ પ્રવેશ રસ્તાઓ પર ચેકપોસ્ટ ગોઠવી દેવામાં આવી છે. જેથી બહારથી આવતા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવીને જ શહેરમાં પ્રવેશી શકે, મનપા દ્વારા ખાસ કરીને કુંભ મેળામાંથી આવતા લોકો પર વોચ રાખવામાં આવી છે. જેમાં અગાઉ છ યાત્રિક કોરોના પોઝિટિવ મળ્યા બાદ મંગળવારે કુંભમેળામાંથી પરત આવેલા વધુ ચાર લોકોને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું.

To Top