Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓને કારણે સરકારી અને સ્મીમેર હોસ્પિટલમાં (Government Hospital) દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થઇ ગયા છે. ત્યારે હવે ખાનગી હોસ્પિટલોમાં (Private Hospital) સારવાર લંબાઇ જાય તો નાણાંના અભાવે દર્દીઓને સ્મીમેર કે સિવિલ હોસ્પિટલમાં આવવું પડે છે. અને ત્યાં જગ્યા મળતી નથી. તેથી ઘણી વખત દર્દીઓ સારવારના અભાવે પણ મોત પામી રહ્યાં છે. જે બાબતે મનપા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને જો નાણાંના અભાવે સરકારી હોસ્પિટલમાં સિફ્ટ થવું પડે તેમ હોય તો તેને ત્યાં જ સારવાર ચાલુ રાખવા અને તેનો ચાર્જ મનપા (Corporation Pay) દ્વારા ચૂકવવાનું નક્કી કરાયું છે.

ઉપરાંત શહેરમાં ઓક્સિજનની અછતને કારણે જો મોંકાણ સર્જાઇ છે. તેમાં શક્ય તેટલી આગોતરી વ્યવસ્થા કરવા માટે નવી સિવિલ હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલ/તમામ કાર્યરત કોમ્યુનિટી કોવિડ સેન્ટરોમાં દર્દીઓ દ્વારા દર કલાકે વાપરવામાં આવતા બાઈ-પેપ, ઓક્સિજનની ગણતરી કરી, આગળના સમયમાં ઓક્સિજનની કેટલી જરૂરિયાત ઊભી થશે તેની માહિતી રજૂ કરવા તેમજ ઓક્સિજન વેચાણ કરનાર વિક્રેતા/રિફિલર પાસેથી ઓક્સિજન ડિમાન્ડ વેચાણની માહિતી મેળવી મનપા કમિશનર સમક્ષ રજૂ કરવા સંબંધિત અધિકારીને આદેશ કરાયો છે.

મહારાષ્ટ્રથી આવતી ખાનગી બસોમાં પોઝિટિવ વ્યક્તિ પકડાશે તો સંચાલકો સામે કાર્યવાહી થશે
સુરત: શહેરમાં હાલ હોસ્પિટલો પર જે ભારણ છે, તેની પાછળ મહત્ત્વનું કારણ સોરાષ્ટ્રમાંથી આવતા દર્દીઓ તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા દર્દીઓ છે. ખાસ કરીને કોરોનાથી સૌથી વધુ સંક્રમિત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. તેને અટકાવવા માટે મહારાષ્ટ્રથી આવતી જે ખાનગી બસોમાં કોરોના પોઝિટિવ દર્દી મળશે તે બસના સંચાલકો સામે એફઆઇઆર સહિતની કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

ખાનગી વાહનો અને રો-રો ફેરી સર્વિસના મુસાફરો પર પણ નજર
શહેરમાં બહારથી આવતા લોકોમાં વધુમાં વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી ખાનગી વાહનો અને બસોમાં લોકો આવે છે. ઉપરાંત રો-રો ફેરી સર્વિસમાં પણ મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોવાથી આ તમામ પર નજર રાખી ટેસ્ટિંગ કરાવવા મનપા કમિશનર દ્વારા જે-તે ઝોનના તંત્રને સૂચના આપવામાં આવી છે.

વધુ સંક્રમિત વિસ્તારમાં રોજના 1000 ટેસ્ટ કરાશે, રાંદેરમાં લોકો સીધા જ હોસ્પિટલાઇઝ વધુ
મનપા કમિશનરે લીધેલી રિવ્યુ મીટિંગમાં વધુ સંક્રમણ ધરાવતા વરાછા-બી, કતારગામ,ઉધના અને અઠવામાં રોજના એક-એક હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત એવું પણ જણાયું છે કે, રાંદેર ઝોનમાં સીધા જ હોસ્પિટલમાં દાખલ થતાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસોની સંખ્યા વધુ હોય, વધુ કોમ્બિંગ કરી, સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી અસરકારક રીતે કરવી તેમજ રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં માસ્ક એન્ફોર્સમેન્ટ વધુ કરાવવું તેમજ રાંદેર ગામમાં મૌલવી અને સામાજિક આગેવાનો મારફત માસ્ક પહેરવા માટે અપીલ કરવા સૂચના અપાઈ છે.

મનપાની જાણ બહાર કોરોનાની સારવાર કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે, ઉધનાને ‘ધ્વનિ’ હોસ્પિ.ને નોટિસ
શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે મોતની સંખ્યા વધી રહી છે, તેની પાછળ અમુક દર્દીઓ દ્વારા વિગતો છુપાવીને કોઇ પણ હોસ્પિટલમાં લેવાતી કોરોનાની સારવાર પણ જવાબદાર છે. મહાનગરપાલિકા ખાતે કોવિડ-૧૯ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવી ન હોય કે આ અંગે જાણ કરી ન હોય તેમની લાઈન ઓફ ટ્રીટમેન્ટ ભારત સરકારના નોટિફિકેશન મુજબ ગણાતી નથી. તેથી તમામ ઝોન વિસ્તારમાં જે ખાનગી હોસ્પિટલો, સુરત મહાનગરપાલિકા ખાતે કોવિડ-૧૯ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવી ન હોય તેમ છતાં, કોવિડ-૧૯ અંગે ટ્રીટમેન્ટ આપતા હોય, તેમનું રજિસ્ટ્રેશન કેમ રદ ન કરવું એ બાબતે નોટિસ આપી, ખુલાસો માંગવા પણ જે-તે ઝોનના તંત્રને આદેશ આપ્યો છે. તેમજ ઉધના ઝોનની ધ્વનિ હોસ્પિટલને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

To Top