Gujarat

અમદાવાદમાં ખાનગી વાહનોમાં આવેલા દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરાશે, જામનગરમાં રિલાયન્સ 1000 બેડની હોસ્પિટલ ઊભી કરશે

હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવવા સાથે કેટલાક મહત્વના આદેશો કર્યા હતા. જેના પગલે આજે અમદાવાદ (Ahmedabad) મનપા દ્વારા મહત્વનો નિર્ણય લઈને 108 સિવાય અન્ય ખાનગી વાહનોમાં આવતાં દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવાનો તેમજ અમદાવાદના આધાર કાર્ડની પણ હવે કોઈજ જરૂરિયાત રહેશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજુકુમાર ગુપ્તા અને અમદાવાદ મનપાના કમિશનર મુકેશકુમાર સાથે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે અમદાવાદ મનપાની હોસ્પિટલો તેમજ મનપા દ્વારા ડેઝિગ્નેટેડ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં (Hospital) ખાનગી હોસ્પિટલોમાં હવે ખાનગી વાહોનોમાં આવતા દર્દીને પણ દાખલ કરવાના રહેશે.

આવતીકાલ તા. 29 એપ્રિલ સવારે 8:00 વાગ્યા થી કોઈપણ દર્દી 108 સેવા મારફતે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે, ખાનગી વાહન, કે ચાલતા પણ કોવિડ હોસ્પિટલમાં પહોંચી અને બેડની ઉપલબ્ધતાના આધારે દર્દીને દાખલ કરવાની જરૂરિયાત મુજબ હોસ્પિટલએ તેવા દર્દીઓને દાખલ કરવાના રહેશે. શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ હોસ્પિટલઓએ તેમની હયાત કાર્યરત ચાલુ ક્ષમતાના 75 ટકા કોવિડ સારવાર માટે પૂરી કરવાની રહેશે, એટલે કે કોવિડ સિવાયના દર્દીઓ માટે માત્ર ૨૫ ટકા બેડ ઉપલબ્ધ રહેશે. દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર મોટા ડિસ્પ્લે બોર્ડ ઉપર બેડની માહિતી ઉપલબ્ધ કરાવવાની રહેશે.

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓકિસજન સાથે ૧૦૦૦ બેડની ક્ષમતાની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં (Jamnagar) ૧૦૦૦ બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતી એટલું જ નહીં તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં ૧૦૦૦ બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે.મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીને એમ પણ જણાવ્યું હતું કે, આગામી રવિવાર સુધીમાં ૪૦૦ બેડની હોસ્પિટલ તો ઓક્સિજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે , ત્યારબાદ વધુ ૬૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય બનતી ત્વરાએ હાથ ધરીને ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણતઃ પ્રયાસરત રહેશે.

રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને જણાવ્યું હતું કે આ હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે. અન્ય સાધન-સામગ્રી, ઇક્વિપમેન્ટસ અને આનુષાંગિક સુવિધાઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ હોસ્પિટલ માટે ઊભી કરશે.
જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં ૪૦૦ બેડની તેમજ ત્યાર બાદ બનતી ત્વરાએ એકાદ સપ્તાહમાં વધુ ૬૦૦ બેડ સાથે એમ કુલ ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળતી થશે.


Most Popular

To Top