Top News

More Posts

   The Latest

Most Popular

surat : મોટા વરાછામાંથી પકડાયેલા ડુપ્લીકેટ સેનિટાઇઝર ( duplicate sanitizer) બનાવવાના પ્રકરણમાં પોલીસે જીગર અને નરેશના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ બંનેએ સેનિટાઇઝર વેચવા માટે ચાર ડિસ્ટ્રીબ્યુટરો ( distributer) રાખ્યા હતા અને ડિંડોલીના શ્રીજી મેડીકલ, સુયોગ મેડીકલ, મહાલક્ષ્મી મેડીકલ અને શિવ મેડીકલમાં વહેંચ્યા હતા.


પ્રાપ્ત વિગતો મુજબ અમરોલીના રંગવાડી ફાર્મ હાઉસનું ગોડાઉન ભાડે રાખીને ત્યાં ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવવામાં આવતા હોવાની વિગત સાથે પીસીબી પોલીસે બે આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે અશ્વિનીકુમાર રોડ ઉપર ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતો જિગર જશવંતભાઇ ભાલાળા અને પુણા ગામ બુટભવાની રોડ ઉપર અંજની સોસાયટીમાં રહેતો નરેશ છગનભાઇ ડાભીને પકડી પાડીને તેઓની પાસેથી 7.93 લાખની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. ડુપ્લીકેટ સેનિટાઇઝર માટે તેઓ અંકુર વેકરીયા નામના યુવકની પાસેથી મિથાઇલ મંગાવતા હતા. આ બંનેએ શહેરની ચારેય બાજુએથી વિવિધ મુદ્દામાલ મંગાવીને ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સેનિટાઇઝર બનાવવા માટે તેઓએ ફાર્મહાઉસમાં ( farmhouse) કોન્ટ્રાક્ટ ઉપર ગોડાઉન ભાડે રાખ્યું હતું અને દર મહિને 22 હજાર ભાડુ ચૂકવતા હતા. ત્રણ મહિનાથી ગોડાઉન શરૂ કરીને બંને ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવતા હતા. સેનિટાઇઝર અંગે એફએસએલ ( fsl) માં રિપોર્ટ મોકલાવાયો હતો અને ત્યાંથી રિપોટ આવી ગયા બાદ અમરોલી પોલીસે બંનેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલ સુનિલ પટેલે રજૂઆતો કરીને આરોપીઓના વધુમાં વધુ રિમાન્ડ આપવા માટે દલીલો કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આરોપીઓએ માનવશરીરની સાથે ચેડા કર્યા છે, જે ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવ્યું છે તેનાથી માનવીનું મૃત્યુ પણ થઇ શકે છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સેનિટાઇઝર બનાવવા માટે ક્યાંથી શું ખરીદ્યું હતું..?
પોલીસના જણાવ્યા પ્રમાણે જીગર અને નરેશે પ્લાસ્ટિકના કેરબા લસકાણાની રાધે શ્યામ પ્લાસ્ટિકવાળાને ત્યાંથી ખરીદ્યા હતા, સેનિટાઇઝરનું ફ્રૂડ પ્રવાહી વરાછાના માતાવાડી પાસેથી લાવ્યા હતા. જ્યારે લેમન પરફ્યુમ સરથાણાના વ્રજચોક પાસેથી લાવ્યા હતા અને જે સ્ટીકર બનાવ્યા હતા તે વરાછાના ભૂમિ એન્ટરપ્રાઇઝ સેન્ટરમાં છપાવ્યા હતા. જ્યારે ગોડાઉનમાંથી જ પાણીનો ઉપયોગ કરતા હતા અને અંકલેશ્વરથી મિથાઈલ મંગાવ્યું હતું.

ફ્રૂડ વિભાગે પણ મિથાઈલ માટે અભિપ્રાય આપ્યો હતો
ફ્રુડ વિભાગે અભિપ્રાય આપ્યો કે, આલ્કોહોલ બેઇઝ સેનિટાઇઝરની બનાવટમાં ફક્ત ઇથાઇલ આલ્કોહોલ અને આઇસો પ્રોપાઇલ આલ્કોહોલનો વપરાશ કરવામાં આવે છે, પરંતુ મિથાઈલ વાપરી શકાય નહીં કારણ કે તે માનવશરીર માટે હાનિકારક છે. વધુમાં ફક્ત 10 મીલી જેટલું મિથાઈલ પણ માનવશરીરમાં અંધાપાથી લઇને માનવનું મૃત્યુ નિપજાવી શકે છે. તેવો અભિપ્રાય આપ્યો હતો.

To Top