Top News

More Posts

   The Latest

Most Popular

કેન્દ્ર સરકારની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે. સરકાર પાસે આઇ.ટી. કે જી.એસ.ટી.નું રિફંડ આપવાનાં ફદિયાં નથી. લોકડાઉનને કારણે દેશનો જીડીપી તળિયે પહોંચ્યો છે અને કરવેરા ઉઘરાવતા સરકારને નાકે દમ આવી જાય છે. પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોથી તેમ જ વધી રહેલી મોંઘવારીથી જનતા ત્રાહિમામ્ પોકારી ગઈ છે. હવે વધુ કરવેરા નાખી શકાય તેમ નથી; કારણ કે આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. સરકાર જો જાહેર ક્ષેત્રની નવરત્ન કંપનીઓ વેચવા બેસે તો મોદી દેશ વેચી રહ્યા છે, તેવી બૂમરાણ મચે છે. આ સંયોગોમાં સરકારે સાપ મરે અને લાકડી ભાંગે નહીં તેવો તુક્કો એસેટ મોનેટાઈઝેશનના રૂપમાં શોધી કાઢ્યો છે.

જો કોઈ વ્યક્તિ પોતાના બાપદાદાની મૂડી વેચી કાઢે તો તે દેવાળિયો ગણાય અને તેને કોઈ પોતાની કન્યા પરણાવવા તૈયાર થાય નહીં. મતદારો ચૂંટણીમાં વરમાળા નહીં આરોપે તેવા ડરથી કેન્દ્ર સરકારે જાહેર સાહસો વેચવાનો વિચાર માંડી વાળ્યો છે. જો કોઈ વ્યક્તિ બાપદાદાની મિલકત ભાડે આપે તો તેને માત્ર માસિક કે બહુબહુ તો વાર્ષિક ભાડાંની આવક થાય, જેના થકી તેનું દળદર ફીટે તેમ નથી. સરકાર પણ જો જાહેર ક્ષેત્રની કંપનીઓ ભાડે કે લિઝ પર આપે તો તેને માત્ર ભાડાંની આવક થાય, જેથી સરકારની સમસ્યા હલ થાય તેમ નથી. એટલે સરકારે બહુ મનોમંથન કરીને એસેટ મોનેટાઈઝેશન નામનો અફલાતુન તુક્કો શોધી કાઢ્યો છે. આ તુક્કો બીજું કાંઈ નથી પણ સરકારી સંપત્તિ ૨૫ વર્ષ માટે લિઝ પર આપવાની નવતર યોજના છે. લિઝ પર લેનારી વ્યક્તિ તે સંપત્તિ દ્વારા ૨૫ વર્ષમાં કેટલો નફો થશે? કેટલો ખર્ચો કરવો પડશે? તેમાં કેટલું જોખમ હશે? તેનું આકલન કરીને સરકારને ૨૫ વર્ષનું પ્રિમિયમ સાથે ચૂકવી દેશે. સરકારની તિજોરીમાં એકસાથે રૂપિયા આવી જશે, પણ મિલકત ભાડે લેનારને પ્રજાને ૨૫ વર્ષ લૂંટવાનું લાઇસન્સ મળી જશે. સરકારના હાથમાં જે નાણું આવશે તેથી ગરીબોને ફાયદો થાય તેવી કોઈ સંભાવના નથી.

સરકારની એસેટ મોનેટાઈઝેશન સ્કિમથી સરકારને અને લિઝ પર મિલકત લેનારને કેટલો ફાયદો થશે, તેની ગણતરી કરવા એક ઉદાહરણ જોઈએ. ધારો કે સરકારની મિલકતની હાલની કિંમત ૧૦૦ રૂપિયા છે. આ મિલકત થકી સરકારને વર્ષે ચાર ટકા નફો થાય છે. માટે ૨૫ વર્ષમાં તેના થકી ૧૦૦ રૂપિયાનો નફો થાય તેમ છે. આ નફો ૨૫ વર્ષના ગાળામાં થવાનો છે, માટે આજની તારીખમાં તેની કિંમત ૧૦૦ રૂપિયા ગણાય નહીં. આજની તારીખમાં જો કોઈ પાસેથી ૧૦૦ રૂપિયા વ્યાજે લઈએ અને દર વર્ષે તેના ઈએમઆઈ ચૂકવ્યા કરીએ તો વાર્ષિક ૬ ટકાના દરે તેનું ૨૫ વર્ષનું વ્યાજ આશરે ૫૦ રૂપિયા થાય. ૧૦૦ રૂપિયાના નફામાંથી આ ૫૦ રૂપિયા બાદ કરવામાં આવતાં તે મિલકત લિઝ પર લેવાથી લેનારને ૨૫ વર્ષમાં ૫૦ રૂપિયાનો નફો થાય. આ ૫૦ રૂપિયા તે સરકારને આપી દે તો તેના હાથમાં કાંઈ રહે નહીં. જો તે સરકારને ૩૫ રૂપિયા આપે તો તેના હાથમાં ૧૫ રૂપિયા રહે. આ રીતે સરકાર જો ૧૦૦ રૂપિયાની મિલકત લિઝ પર આપે તો તેને ૩૫ રૂપિયા મળે.

સરકારે જાહેરાત કરી છે કે તે ૬ લાખ કરોડ રૂપિયાની મિલકતનું મોનેટાઈઝેશન કરવા માગે છે. તેમાં રેલવે સ્ટેશનો, ટ્રેનો, એરપોર્ટો, કોલસાની ખાણો વગેરેનો સમાવેશ થાય છે. જો સરકારના અંદાજ મુજબ ખરેખર તેની કિંમત ૬ લાખ કરોડ રૂપિયા હોય તો પણ ૩૫ ટકાના હિસાબે સરકારના હાથમાં બે લાખ કરોડ રૂપિયા જ આવશે. વળી આ બે લાખ કરોડ રૂપિયા સીધા સરકારના હાથમાં નથી આવવાના પણ સરકારની માલિકીની કંપનીના હાથમાં આવશે. જો સરકાર તેને પોતાના હાથમાં લેવા માગતી હશે તો કંપનીને ડિવિડન્ડ જાહેર કરવાની ફરજ પાડવી પડશે. આ ડિવિડન્ડ બધું સરકારના હાથમાં નહીં આવે, કારણ કે સરકારના હાથમાં કંપનીના ૧૦૦ ટકા શેરો નથી. સરકાર પાસે જેટલા ટકા શેરો હશે તે પ્રમાણમાં જ તેને ડિવિડન્ડ મળશે. આ રીતે બે લાખ કરોડ રૂપિયાની આવકનો જે અંદાજ બાંધવામાં આવ્યો છે તે પણ ઘટીને એક લાખ કરોડ રૂપિયા પર આવી જશે.

પહેલી વાત તો એ કે આ રીતે સરકારી મિલકતો ખાનગી હાથોમાં સોંપવાથી તેના ઉપર ખાનગી કંપનીઓની ઇજારાશાહી સ્થાપિત થશે, જેને કારણે તેમનો નફાનો ગાળો વધી જશે અને પબ્લિકને નુકસાન જશે. દાખલા તરીકે ટ્રેનો ખાનગી હાથોમાં સોંપવામાં આવશે તો ટિકિટના દરો વધારી દેવામાં આવશે. પ્રિમિયમ ટ્રેનો ચાલુ કરવામાં આવશે અને પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવશે. રેલવે સ્ટેશનો ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે તો તેઓ પ્લેટફોર્મ ટિકિટોના ભાવો વધારી દેશે. આ કારણે સામાન્ય પ્રજાને સરકારની તરંગી યોજનાથી કાંઈ ફાયદો નહીં થાય. જો સરકાર પોતાની કોઈ મિલકત વેચે તો તેના થકી તેને અને ખરીદનારને જે નફો થવાનો હોય તેવો નફો એસેટ મોનેટાઈઝેશનથી થાય તેવી સંભાવના નથી. તેનું કારણ એ છે કે સરકાર પોતાની મિલકત વેચવાની નથી પણ લોંગ ટર્મ લિઝ પર આપવાની છે.

કોઈ પણ વ્યક્તિ લિઝ પર કોઈ મિલકત લે ત્યારે તેની ઉપર લાંબા ગાળાનો ખર્ચો કરતો નથી; કારણ કે તે મિલકતનો માલિક નથી પણ ભાડૂત છે. તેને ખબર છે કે તેણે ૨૫ વર્ષ પછી તે મિલકત મૂળ માલિકને પાછી આપવાની છે. કોઈ વ્યક્તિ ભાડાંની જગ્યામાં વધુ ખર્ચો નથી કરતો તે નિયમ અહીં પણ લાગુ પડે છે. ભાડે લેનાર વધુ રોકાણ ન કરે ત્યારે મિલકતની કિંમત કે ઉપયોગિતા વધતી નથી પણ ઘટે છે. સરકાર આજે જે મિલકત ભાડે આપે છે તેની કન્ડિશન ૨૫ વર્ષ પછી ખરાબ થઈ ગઈ હશે. દાખલા તરીકે કોઈ કંપની સરકારી માલિકીનો હાઈ વે લિઝ પર લેશે તો તે હાઈ વે પર કોઈ લાંબા ગાળાનો ખર્ચ નહીં કરે પણ થાગડથિંગડ કરીને હાઈ વે ચાલતો રાખશે, જેથી તે ટોલ વસૂલ કરી શકે. ૨૫ વર્ષના અંતે તે હાઈ વે ફરી સરકારના હાથમાં આવશે ત્યારે સરકારે તેના પર ચિક્કાર ખર્ચો કરવો પડશે.

સરકારના હાથમાં એસેટ મોનેટાઈઝેશન થકી ધારો કે એક લાખ કરોડ રૂપિયા આવી ગયા તો સરકાર તેનું શું કરશે? શું સરકાર તેમાંથી પોતાનું દેવું ચૂકવી દેશે? શું ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓ જાહેર કરવામાં આવશે? શું પેટ્રોલ-ડિઝલ પરના વેરા ઘટાડવામાં આવશે? શું વ્યાજના દર વધારીને સિનિયર સિટિઝનોને રાહત આપવામાં આવશે? ભૂલી જાઓ. સરકારના હાથમાં જે રૂપિયા આવશે તેનો ઉપયોગ તે બુલેટ ટ્રેન, સ્ટેટ્યૂ ઓફ યુનિટી, સેન્ટ્રલ વિસ્ટા, સિક્સ લેન હાઈ વે વગેરે પ્રોજેક્ટો પાછળ ખર્ચશે, જેનો ફાયદો મોટી મોટી કંપનીઓને જ થશે. લોકોને મફત શિક્ષણ, મફત આરોગ્ય, સ્વચ્છતા, પબ્લિક ટ્રાન્સપોર્ટ વગેરે પાછળ તેનો ઉપયોગ થશે નહીં.

ભૂતકાળમાં કોઈ સરકારને આર્થિક ખાધ દૂર કરવા જે પગલાંઓ લેવાની જરૂર નહોતી પડી તે પગલાં વર્તમાન સરકારને કેમ લેવા પડી રહ્યાં છે? કારણ કે દેશનું અર્થતંત્ર ખેદાનમેદાન થઈ ગયું છે. પહેલાં નોટબંધી, પછી જીએસટી, પછી કોર્પોરેટ ટેક્સમાં જે જબરદસ્ત ઘટાડો કરવામાં આવ્યો તેને કારણે દેશનું અર્થતંત્ર ખાડે ગયું હતું. તેમાં વગર વિચારે લોકડાઉન જાહેર કરીને સરકારે અર્થતંત્રને મરણતોલ ફટકો માર્યો હતો. દેશના જીડીપીમાં ૭ ટકાનો અભૂતપૂર્વ ઘટાડો થયો હતો. આ બધા છબરડામાંથી બોધપાઠ લેવાને બદલે સરકાર નવો છબરડો કરવા જઈ રહી છે. સરકારનાં આ પગલાં થકી ૧૩૮ કરોડની જનતાને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના હવાલે કરી દેવામાં આવશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top