Top News

More Posts

   The Latest

Most Popular

જયપુરના જિલ્લા ગ્રાહક નકરાર નિવારણ પંચે પાન-મસાલામાં કેસર હોવાની ભ્રામક જાહેરાત કરવા બદલ શાહરૂખ ખાન, અજય દેવગન તથા ટાઇગર શ્રોફને નોટિસ ફટકારી છે. એક પાન-મસાલાની જાહેરાતમાં આ અભિનેતાઓએ પાન-મસાલાના દરેક દાણામાં કેસર હોવાનો દાવો કર્યો હતો. જેના પર ફરિયાદીએ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવીને કથિત ભ્રામક જાહેરાત પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આજે સેલિબ્રિટીઓ બહુધા પ્રજાજનોના રોલમોડેલ બની ગયા છે. જેમનું અનુકરણ કરવું એ જાણે ‘સ્ટેટસ સિમ્બોલ’ બની ગયું છે. ટી.વી., ન્યૂઝ પેપરો કે અન્ય માધ્યમો અન્વયે અનેક ચીજ-વસ્તુઓ માટે તેઓ જાહેરાત કરતાં હોય છે. જેનો એકમાત્ર હેતુ પૈસા કમાવાનો હોય છે. કરોડોમાં ખેલતાં આવા સેલિબ્રિટીઓ જ્યારે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતી ભ્રમક જાહેરાતો કરે, તે કેટલું યોગ્ય ?

ગ્રામીણ પ્રજા તો તેને અનુસરવાની જ પણ ઘણીવાર સેલિબ્રિટીઓ તરફી આંધળા મોહને કારણે શિક્ષિતો પણ દોરવાતા હોય છે. વળી, ખાસ વાત તો એ કે સેલિબ્રિટીઓ પોતે તો આ બધી પ્રોડક્ટ વાપરતા જ નથી, તો બીજાને ખોટા પ્રચાર દ્વારા ગુમરાહ કરી ગેરમાર્ગે દોરી પોતે કરોડોની કમાણી કરે એ વ્યાજબી નથી જ નથી. લોકોએ પણ વિવેકબુદ્ધિ વાપરી સારા-નરસા કે સાચાં ખોટાને પારખી તે મુજબ નિર્ણય લેવો જોઇએ. આ અંગે લાગતાં-વળગતાં તંત્રે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ભ્રામક, લલચાવનારી જાહેરાતો પર પ્રતિબંધ લાદવો જ રહ્યો.
સુરત     – કલ્પના બામણીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top