Top News

More Posts

   The Latest

Most Popular

શિયાળો ભરપૂર જામી ચૂક્યો છે. આપણી સવાર સાંજ સ્વેટર સાથે નીકળે છે. દિવસ ટુંકો રાત લાંબી હોવા છતા શિયાળાની સવાર છેતરવા જલ્દી આવી જતી હોય એવું લાગે છે. આપણી રોજની દિનચર્યામાં પણ શિયાળો પોતાની હાજરી પૂરાવી રહ્યો છે. રાતે સૂતા પહેલાં પાર્કમાં જઈ કસરત કરવાનું નક્કી કર્યા બાદ વહેલી સવારે અંધારું જોઈ તમે નાનકડી ઊંઘ ખેંચવા લલચાઇ જતા હશો. અને ઠંડા પાણીથી બચવાના ઉપાય પર તો શિયાળા પ્રેમીઓ ગ્રંથ લખી શકે તેમ છે. તો આજના સિટી પલ્સમાં સુરતનાં એવા સુસ્તીબાજ શિયાળા પ્રેમીને મળીએ જે શોર્ટકટ સાથે હાલ શિયાળાની મજા માણી રહ્યા છે.

સ્ટુડન્ટ્સ સ્વેટર અને Hoodie ના સહારે ઊંઘવાની કોશિશ કરે છે : પ્રૉ. અજય પાટીલ
કોલેજના પ્રોફેસર અજય જણાવે છે કે ‘’અમારી કોલેજનો સમય સવારે 7થી 12નો છે એટલે વિદ્યાર્થીઓ સવારે મોડા આવવા જાત-જાતના બહાનાં શોધતા જ હોય છે. ‘સર, સવારે એલાર્મ જ નહીં વાગ્યો, ગાડીમાં પંક્ચર પડ્યું હતું, તબિયત ખરાબ હતી!’ આવા બહાનાં તો કોઈને-કોઈ વિદ્યાર્થી રોજ આપે જ છે પણ, શિયાળામાં આવા બહાનાં વધી જતા હોય છે. અમુક વિદ્યાર્થી ઊંઘ પ્રાપ્ત કરવા કોલેજ આવતા હોય એવું પણ લાગે, જયારે ક્લાસમાં હાજરી લેવામાં આવી રહી હોય ત્યારે આ ઘટનાનાં સાક્ષાત ઉદાહરણ જોવા મળે છે, સ્વેટર અને Hoodie ના સહારે ઊંઘવાની કોશિશ તો કરે છે. પણ સફળ નથી થતા. હવે સમય સંજોગને પારખી એમની ઊંઘ ઉડાડવાના નુસખા અમે શોધી લીધા છે… એવા ઊંઘવિરોનું ઉચિત સન્માન કરી સમજાવીએ છે અને કોલેજનું વાતાવરણ ઉત્સાહિત બનાવીએ છે.

ઘરવાળાઓ મારી જરૂરિયાત પૂરતી ઊંઘ નથી લેવા દેતા: હિમાંશુ અગ્રવાલ
ઘરના કહ્યાગરા યુવકની ઓળખ ધરાવતા હિમાંશુએ શિયાળાની વાત પર નિરાશ થતા જણાવ્યું કે “ઘરવાળાઓ મને જરૂરિયાત પૂરતી ઊંઘ નથી લેવા દેતા. એટલે કે શિયાળાની રાતમાં રોજ મનગમતા મૂવી-સિરીઝ જોઈને કારણવશ હું મોડી રાતે સુવા જાઉં છું. પણ વહેલી સવારમાં મારા ઘરવાળાઓ આ બાબતને નથી સમજી શકતા. એમ તો સામાન્ય મનુષ્યને સરેરાશ 7 કલાક ઊંઘની આવશ્યકતા હોય છે, જે શિયાળામાં વધીને 9-10 કલાક પર પહોંચી જાય છે! હવે આ વાતથી અજાણ ઘરવાળાઓ મારી ઊંઘ પુરી નથી થવા દેતા, જેમાં પપ્પાના ફોનમાં વાગતાં ભજન અને મમ્મીની રસોઈનો અવાજ બઉ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ આ શિયાળાની ઊંઘ પૂરી કરવા કઈક તો કરવું પડે ને…એટલે હું ઓફિસ પર વહેલો પહોંચી ત્યાં એક મસ્ત ઊંઘની જપકી લઈ લઉં છું. જેની કોઈને જાણ નથી થતી, અને જલ્દી આવવા વાહ-વાહી મળે તે અલગ, એટલે હાલ શિયાળા પૂરતી મારી ઓફિસ એ બાકી બચેલી ઊંઘ પૂરી કરવાનું શોર્ટકટ બની ગઇ છે.

શિયાળામાં ગાડી ચલાવે તેવા દોસ્તની જરૂર છે: રાહુલ પાટીલ
રાહુલ હાલ ગ્રાફિક ડિઝાઈનર છે. સુરતીઓની જેમ રાહુલ પણ મિત્રો સાથે અમસ્તાં જ બાઈક પર ફરવા નીકળી પડે છે. શિયાળાની વાત કરતા જણાવતા છે કે ‘’મિત્રો સાથે રખડવાની ટેવ છે, કામ માટે પણ મોટા ભાગે ફ્રેંડ્સ સાથે જ બહાર નીકળતો હોઉ છું, પણ શિયાળામાં આ બાબતે મૂંઝવણ થાય છે કે ગાડી કોણ ચલાવશે? અને પછી શરૂ થાય છે એક બીજા માટે કરેલા કામની યાદી ગણાવવાનું…પણ આ ધ્રુજાવતી ઠંડીમાં ગાડી કોણ ચલાવે તે નક્કી થતું નથી, અમુક વાર એક બીજાને લાલચ આપી અમે મનાવી લેતા હોઈએ છે. એક કિસ્સો કહ્યો કે, એક વાર બઉં દૂર જગ્યાએ મારા ટૂ-વ્હીલર પર જવાનું હતું તો અમે બંને મિત્રોએ તે સમસ્યાનો ઉકેલ લાવવા એક નવા જ ફ્રેન્ડને સાથે લીધો જેણે ગાડી પણ ચલાવી લીધી અને અને અમે લડ્યા પણ નહિ, જો કે હવે એ નવો ફ્રેન્ડ ફોન નથી ઉપાડતો…પણ શિયાળા પૂરતી ગાડી ચલાવવામાંથી છુટાકરો મળી જાય એવા દોસ્તની શોધ તો ચાલુ જ છે.

મોડા ઉઠવાના બહાનાં ઠંડી સાથે વધવા લાગે: દીપિકા રાઠોડ
સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતા દીપિકા 3 બાળકોના મમ્મી સાથે વર્કિંગ વૂમન છે. તેમણે કહ્યું કે “શિયાળામાં મારુ કામ વધી જતું હોય છે. મારી 2 દીકરી અને 9 વર્ષનો છોકરો છે. આ બધાને સ્કૂલે જવા તૈયાર કરતા ઘણો સમય લાગી જતો, અને શિયાળામાં તો એમના મોડા ઉઠવાના બહાનાં ઠંડી સાથે વધતા જ જતાં, પણ થોડા દિવસોથી મારા આ ત્રણેય બાળકો જાતે જ સ્કૂલે જવા યુનિફોર્મ પહેરી તૈયાર થઈ જતાં અને મારે મહેનત ઓછી કરવી પડતી, જે મારા મને બઉ મોટું અચરજ! આ જલ્દી તૈયાર થઈ જવા પાછળનું કારણ જાણવા મારા નાના છોકરાને મેં ફોસલાવી તેને ભાવતી સેન્ડવિચની લાલચ આપી શોર્ટક્ટ લીધો ત્યારે ખબર પડી કે, એમણે મળીને સવારે નહીં નાહવાની વાત મારાથી છુપાવી રાખી હતી. એટલે મારા આ શોર્ટકટથી તેમની બધી ચાલાકી ખબર પડી ગઇ.

To Top