Madhya Gujarat

મહિસાગરમાં 30 હજારથી વધુ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે

ખાનપુર : મહિસાગર જિલ્લામાં આ વર્ષે કોરોના કાળ બાદ પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાના 33,881 વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાના સુદ્રઢ આયોજન માટે કલેકટર ભાવિન પંડ્યાની અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાય હતી. જેમાં કલેક્ટર દ્વારા પરીક્ષા સમયે નિર્ભય અને શાંત વાતાવરણમાં યોજાઈ તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી.

મહીસાગરમાં આગામી તા.14મી માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં યોજાય તેમજ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે મહીસાગર જિલ્લા માંથી ધોરણ-10 અને 12ના કુલ- 33881 વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપશે. જિલ્લામાં 55 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાશે. જેના સુદ્રઢ આયોજન માટે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ સહજ અને તણાવમુક્ત વાતાવરણમાં યોજાય તેવો માહોલ ઉભો કરીએ જેનાથી વિદ્યાર્થીઓ શાંત ચિત્તે સારી રીતે પરીક્ષા આપી શકે. આથી, વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી સુચારૂ રીતે થાય તેની કાળજી રાખીએ. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી પરીક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે, જિલ્લામાં ધો.10ના 20,268 વિદ્યાર્થીઓ અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં 11,687 અને વિજ્ઞાન પ્રવાહના 1926 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

આ પરીક્ષા સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવા સમયસર બસ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પરીક્ષાના સ્થળોની અંદર બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની ખાસ કાળજી લેવાશે. આ ઉપરાંત પરીક્ષાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષણમંત્રી અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ  બેઠકમાં જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, આરોગ્ય અધિકારી, સહાયક માહિતી નિયામક સહિત શિક્ષણ સાથે સંકળાયેલ હોદ્દેદારો ઉપસ્થિાત રહ્યા હતા.

Most Popular

To Top