SURAT

ધૂળેટી રમ્યા બાદ સુરતના કોઝવેમાં મોઢું ધોવા જતા બે યુવકોનું ડૂબી જવાથી મોત

સુરત: ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન સુરતમાં એક આઘાતજનક ઘટના બની છે. ધૂળેટીમાં રંગોથી રમ્યા બાદ તાપી નદીના કોઝવેમાં ન્હાવા પડેલાં બે યુવકો ડૂબી ગયા હતા. ડૂબી જવાના કારણે બંને યુવકોનું મોત થયું છે. ફાયર બ્રિગેડના જવાનોએ બંને યુવકોના મૃતદેહ નદીની બહાર કાઢ્યા હતા. યુવાનોના મોતના પગલે પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા.

  • કોઝવે પરથી પસાર થતી વખતે નદીમાં ન્હાવાની ઈચ્છા થઈ અને ઘટના બની
  • રેલિંગ ક્રોસ કરી નદીમાં જતા હતા ત્યારે એક યુવકનો પગ લપસ્યો અને તેને બચાવવા જતા બીજો પણ ખેંચાયો
  • નદીમાં ડૂબી જવાના લીધે બંનેના મોત થયા, ફાયરે મૃતદેહ બહાર કાઢ્યા
  • બંને યુવકો પાલનપુર જકાતનાકા વિસ્તારના રહેવાસી હતા

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસે સિદ્ધિવિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા બે યુવકો તેમના મિત્રો સાથે ધૂળેટી રમવા બહાર નીકળ્યા હતા. દરમિયાન કોઝવે પરથી પસાર થતી વખતે બંને યુવકોને નદીમાં ન્હાવાની ઈચ્છા થતા તેઓ કોઝવેમાં ન્હાવા જતા હતા ત્યારે એક યુવકનો પગ સ્લીપ થઈ જતા તે નદીમાં પડ્યો હતો. પહેલાં એક યુવક પડ્યો ત્યાર બાદ તેને બચાવવા જતા બીજો પણ નદીમાં પડ્યો હતો. બંનેનું ડૂબી જતા મોત નિપજ્યું હતું.

બે યુવકો કોઝવેમાં ડૂબી ગયા હોવાનો કોલ મળતાની સાથે જ મોરાભાગળ ટીમ અને કતારગામ ટીમ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ડૂબી ગયેલા યુવકોને બહાર કાઢવાની કામગીરી ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી હતી. મદન માલી (ઉ.વ. 20) અને વિનોદ કુમાર સહગરા (ઉ.વ. 19)નું મોત નીપજ્યું હતું. ફાયરના જવાનોએ બંનેના મૃતદેહ નદીની બહાર કાઢ્યા હતા.

મળેલી માહિતી મુજબ ઘણા મિત્રો ધુળેટી રમવા માટે બહાર નીકળ્યા હતા અને તેઓ કોઝવે ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ડૂબી જનાર બે યુવકોએ જીદ કરી હતી કે કોઝવેમાં નાહીએ પરંતુ અન્ય મિત્રોએ ના પાડી હતી. અહીં પાણી વધુ હોવાથી ન્હાવાની ના પાડી હતી, પરંતુ બંને યુવકો માન્યા નહોતા અને મોઢું ધોવા માટે રેલિંગ ક્રોસ કરીને જતા હતા ત્યારે એક યુવકનો પગ સ્લીપ થઈ ગયો હતો. તેને બચાવવા જતા બીજો યુવક પણ ખેંચાયો હતો અને બંને જણા પાણીમાં પડી ડૂબી ગયા હતા.

Most Popular

To Top