Gujarat

પાર-તાપી લિન્ક પ્રોજેક્ટ મામલે ગાંધીનગરમાં હોબાળો, વિરોધ કરવા પહોંચેલા આદિવાસીઓ સાથે સરકારે આવું વર્તન કર્યું

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ દિવસેને દિવસે મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. તાપી-વ્યારાથી શરૂ થયેલી લડત હવે ગાંધીનગર પહોંચી છે. તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધનાં પગલે મોટી સંખ્યામાં આદિવાસીઓનો કાફલો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચી ગયો છે. સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજના અધિકારી માટે સંમેલન યોજાયુ હતું.

ગાંધીનગરમાં આદિવાસી રેલીમાં કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓના વિરોધમાં ઘર્ષણ થયું છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે કોંગ્રેસના ધારાસભ્યો સહિત આદિવાસી નેતાઓની અટકાયત કરતા ઘર્ષણ થયું હતું.પોલીસે કોંગ્રેસના ધારાસભ્યો અને આદિવાસી નેતાઓની અટકાયત કરતા ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે દિગ્ગજ નેતાઓ સાથે 70થી 80 જેટલા લોકોની અટકાયત કરી છે. દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો આ વિરોધમાં જોડાયા હતા.

કોંગ્રેસની આગેવાનીમાં એકઠા થયેલા આદિવાસીઓની કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે અટકાયત કરી છે. જગદીશ ઠારોર, છોટુ વસાવા, અનંત પટેલ, સુરખરામ રાઠવા, હાર્દીક પટેલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે 70થી 80 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં આદિવાસી સમાજની કેટલીક મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ અંગે રેન્જ આઈ.જી. અભય ચુડાસમાએ જણાવ્યું કે, રેલીની કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી, છતાં પણ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે અટકાયત કરી છે.

વિકાસકાર્યો માટે પોતાની જમીન ના આપવા આદિવાસીઓ મક્કમ: કોંગ્રેસનાં સરકાર પર પ્રહાર
તાપી પાર યોજનાના વિરોધ હેઠળ કોંગ્રેસ આદિવાસીઓને એકત્રિત કરી રહ્યું છે. આદિવાસીઓનાં વિવિધ પ્રશ્નો તેમજ માંગણીઓને લઇ કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આદિવાસીઓના વિરોધને પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આદિવાસી વિરોધી નીતિઓ અંગે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા કે, વિકાસકાર્યો માટે પોતાની જમીન ના આપવા આદિવાસીઓ મક્કમ છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો સહિતના નેતાઓ આ સત્યાગ્રહમાં જોડાયા છે. જેમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા.

ચૂંટાઇને આવેલા આદિવાસીઓ સંગઠિત નથી: છોટુ વસાવા
છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાને 75 વર્ષ વિતવા છતાં હજુ આદિવાસીઓની હાલત એવી જ છે, જેવી પહેલાં હતી. અમારા સમાજનો વિકાસ થયો જ નથી. આજે આદિવાસીઓ ભેગા થયા છે, તે અસ્તિત્વની લડાઇ માટે ભેગા થયા છે. સમાજના કોણ દુશ્મન છે, તે યુવાનોએ ઓળખી લેવાની જરૂર છે. આદિવાસી સમાજના લોકો કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય તે તમામ મારા ભાઇ છે. પણ તે લોકોનું બીજા લોકો રાજકીય ફાયદો ઉઠાવે તે અમને પોસાય એવું નથી. અમે ચૂંટાઇને આવેલા આદિવાસીઓ સંગઠિત નથી તેનું પરિણામ સમાજ ભોગવે છે. વધારે નહીં બોલુ સમાજના સમર્થનમાં આવ્યો છુ.

વિપક્ષ નેતાનું ગૃહમાં નિવેદન: તાપી લિંક યોજના મામલે શ્વેત પત્ર બહાર પાડો
વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાનુ ગૃહમાં નિવેદન આપ્યુ કે, તાપી લિંક યોજનાના લોકો સભામાં આવીને બેઠા છે. સરકાર આમા શું કરવા માગે છે. સરકારે 500 કરોડની જોગવાઈ કરી છે. સરકાર ચેકડેમ બનાવવાની વાત કરે છે તો તેમાં કેટલો ખર્ચ થશે. અમને તો તમારામા ભરોસો નથી. આદિવાસીઓને ડુબાડી સ્થળાંતર કરવાનુ હોય તો ચલાવી નહિ લેવાય. તમે ડેમ બનાવશો તો એના પાયામાં અમારુ શરીર અને ઘડ હશે. ચાર મંત્રીઓ છે અહિયા એ જઈને કહે છે કે યોજના થવાની નથી. તો તમે શ્વેત પત્ર બહાર પાડો અને કેબિનેટમા નિર્ણય કરો અને કેંદ્રને જાણ કરો.

કોંગ્રેસના આદિવાસી આંદોલન પર રાજકીય વાકયુદ્ધ શરૂ થયું. આદિજાતિ મંત્રી નરેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસ ચૂંટણીલક્ષી આંદોલન કરે છે. આદિવાસીઓના અધિકાર માટે અમે કટિબદ્ધ છીએ. તાપી પાર લિંક યોજનાની અલવારી નથી કરવાના. કોંગ્રેસ આક્ષેપ કરતા પહેલાં પોતાના ભૂતકાળમાં નજર કરે. અમે કોઈની જમીન છીનવીને પ્રોજેકટ નથી બનાવવાના. લોકો નક્કી કરશે ત્યાં જ ચેકડેમો બનશે જેનાથી કોઈને નુકસાન નહીં થાય.

Most Popular

To Top