Madhya Gujarat

ડાકોરના ખખડધજ સર્વિસ રોડ પર ટેમ્પીએ ગુલાંટ મારી

નડિયાદ: ડાકોર ચોકડી પર નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજની બંને સાઈડે વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલ સર્વિસ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. જેને પગલે માર્ગ પર પડેલાં મસમોટા ખાડાઓમાં એક ટેમ્પી પલ્ટી ખાઈ ગઈ હતી.
ડાકોરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેથી વાહનોની અવરવજર માટે બંને સાઈડ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. આ સર્વિસ રોડ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે. તેમ છતાં તંત્ર દ્વારા આ સર્વિસ રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવી હતી. જેને પગલે પ્રથમ વરસાદમાં જ સર્વિસ રોડ ધોવાઈ ગયો હતો.

ડાકોરમાં હજી માંડ બે થી ત્રણ વખત જ ધોધમાર કહી શકાય તેવો વરસાદ પડ્યો છે ત્યાં તો આ સર્વિસ રોડ આખેઆખો ગાયબ જ થઈ ગયો છે અને મસમોટા ખાડાનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે માર્ગ પરથી પસાર થતાં હજારો વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે. જેને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિકો દ્વારા આ સર્વિસ રોડની મરામત કરવા તંત્ર સમક્ષ રજુઆતો પણ કરવામાં આવી છે. પરંતુ નઘરોળ તંત્ર દ્વારા સર્વિસ રોડની મરામત કરવાની તસ્દી લેવામાં આવતી નથી. જેને પગલે સર્વિસ રોડ પરના મસમોટા ખાડાઓમાં રોજેરોજ વાહનો ફસાવાના તેમજ પલ્ટી જવાના બનાવો બની રહ્યાં છે. ગુરૂવારના રોજ સવારના સમયે ડાકોર-ઉમરેઠ રોડ પર આવેલ સર્વિસ રોડ પરના મસમોટા ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટેમ્પીના ચાલકને ઈજા પહોંચી હતી.

એસ.ટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી
ડાકોર-ઉમરેઠ રોડ પરના બિસ્માર બનેલાં આ સર્વિસ રોડ પર બે દિવસ અગાઉ ૫૦ મુસાફરો ભરેલી એક બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાઈ જતાં બસ એક તરફ નમી પડી હતી. જેને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. સદનસીબે બસ પલ્ટી ન હતી.

ભ્રષ્ટ તંત્રના વાંકે પ્રજાને હાડમારી
ડાકોરમાં ભ્રષ્ટ તંત્રના વાંકે અતિ બિસ્માર બનેલાં આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. ત્યારે માર્ગ પરના મસમોટા ખાડાઓમાં પછડાવાથી મોંઘાદાટ વાહનોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોને ઘર ચલાવવામાં ફાંફા પડી રહ્યાં છે ત્યારે તંત્રના વાંકે વાહનોની સર્વિસ અને મેઈન્ટેનન્સ માટે વધારાનો ખર્ચ કરવાની ફરજ પડી રહી છે.

મહિનામાં બે વખત રસ્તો બનાવ્યો, છતાં ધોવાયો
સન 2021ના ડિસેમ્બર માસના પ્રારંભમાં આ સર્વિસ રોડ પર ડામર પાથરવામાં આવ્યો હતો. જેના ત્રીજા દિવસથી જ આ રોડમાં ખાડા દેખાવા લાગ્યાં હતાં. અઠવાડિયા બાદ તો આ સર્વિસ રોડ અતિ જર્જરિત બની ગયો હતો. દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડાકોર નજીક આવેલ હરીપુરા ગામે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી ડિસેમ્બર મહિનાના અંતે આ બિસ્માર બનેલા સર્વિસ રોડ પર રાતોરાત ડામર પાથરી દેવામાં આવ્યો હતો. આમ, માત્ર એક મહિનાના ટુંકા સમયગાળા દરમિયાન ડાકોર ચોકડી નજીક સર્વિસ રોડ પર બે વખત ડામરકામ કરવામાં આવ્યું હતું. એક જ મહિનામાં બે વખત બનાવવામાં આવેલો આ સર્વિસ રોડ છ મહિનામાં જ ફરીવાર ખખડધજ બની ગયો છે.

Most Popular

To Top