Sports

FIFA World Cup 2022: કોઈ પણ બને વિજેતા પણ સાચી ટ્રોફી તો નહીં જ મળે, જાણો શું છે રહસ્ય

નવી દિલ્હી: કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) ફાઇનલમાં આજે 18 ડિસેમ્બર ફ્રાન્સનો (France) મુકાબલો આર્જેન્ટિના (Argentina) સામે થવા જઈ રહ્યો છે. આ ફાઇનલ મેચ (Final Match) ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી દોહાના લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. આ સાથે જ લિયોનેલ મેસીની આર્જેન્ટિના પણ ત્રીજી વખત ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખશે. ફ્રાન્સે મોરોક્કોને હરાવી અને આર્જેન્ટિનાએ ક્રોએશિયાને હરાવી ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. પરંતુ ખાસ વાત એ છે કે જે કોઈ પણ ટીમ જીતે તેને આ ટ્રોફી આપવામાં ન આવશે, જાણો આ નિયમ કેમ બનાવવામાં આવ્યા છે.

વિજેતાને અસલી ટ્રોફી નહીં મળે
ફાઇનલ મેચ પછી વિજેતા ટીમને જે ટ્રોફી આપવામાં આવશે તેની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. આજની ફાઇનલ મેચની વિજેતા ટીમને માત્ર ઉજવણી કરવા માટે જ અસલ ટ્રોફી આપવામાં આવશે. ફિફાના અધિકારીઓ એવોર્ડ સમારોહ પછી વિજેતા ટીમ પાસેથી અસલ ટ્રોફી પાછી મેળવી લેશે. તેનો અર્થ એ છે કે ફ્રાન્સ/આર્જેન્ટિનાની ટીમ આ ટ્રોફી ઘરે લઈ જશે નહીં. તેના બદલે વિજેતા ટીમને ડુપ્લીકેટ ટ્રોફી આપવામાં આવશે. આ ડુપ્લિકેટ ટ્રોફી (પ્રતિકૃતિ) કાંસાની બનેલી છે અને તેના પર સોનાનું પડ છે.

જો જોવામાં આવે તો, ફિફા વર્લ્ડ કપની મૂળ ટ્રોફી મોટાભાગે ઝુરિચમાં ફિફા હેડક્વાર્ટરમાં જ રહે છે. તેને ફક્ત ફિફા વર્લ્ડ કપ ટૂર, વર્લ્ડ કપ મેચ દરમિયાન જ દુનિયા સમક્ષ લાવવામાં આવે છે. વર્ષ 2005માં, FIFA એ એક નિયમ બનાવ્યો હતો કે વિજેતા ટીમ મૂળ ટ્રોફી ઘરે લઈ જશે નહીં.

આ અગાઉ જુલ્સ રિમેટ ટ્રોફી આપવામાં આવતી હતી
પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપ 1930માં શરૂ થયો હતો. આ દરમિયાન વિજેતા ટીમને આપવામાં આવતી ટ્રોફીનું નામ જુલ્સ રિમેટ ટ્રોફી હતું. જુલ્સ રિમેટ ટ્રોફી 1970 સુધી ચેમ્પિયન ટીમોને આપવામાં આવી હતી. આ પછી વર્લ્ડ કપ ટ્રોફીને ફરીથી ડિઝાઇન કરવામાં આવી. નવી ટ્રોફી ડિઝાઇન કરવાનું કામ ઇટાલિયન કલાકાર સિલ્વિયો ગાઝાનિયાને આપવામાં આવ્યું હતું. આ ટ્રોફી 1974ની સીઝનથી આપવામાં આવી છે, જેને ફીફા વર્લ્ડ કપ ટ્રોફી કહેવામાં આવે છે.

18 કેરેટ સોનાનો ઉપયોગ કરાયો છે ટ્રોફીમાં
ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું વજન લગભગ 6.175 કિલોગ્રામ છે અને તેને બનાવવામાં 18 કેરેટ સોનું (75 ટકા) વપરાયું છે. ટ્રોફીની લંબાઈ 36.8 સેમી છે અને તેની સપાટીનો વ્યાસ 13 સેમી છે. ટ્રોફીના પાયા પર મેલાકાઈટ પથ્થરના બે સ્તરો સ્થાપિત કરવામાં આવ્યા છે. વર્ષ 1994માં આ ટ્રોફીમાં થોડો ફેરફાર કર્યા બાદ વિજેતા ટીમનું નામ લખવા માટે તેના નીચેના ભાગમાં એક પ્લેટ મૂકવામાં આવી હતી. તમને યાદ અપાવીએ કે ફાઈનલ મેચની વિજેતા ટીમને 347 કરોડ રૂપિયા અને ઉપવિજેતા ટીમને 248 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ટોચની ચાર ટીમોની ઈનામી રકમ:
વિજેતા – 347 કરોડ રૂપિયા
રનર-અપ – રૂ. 248 કરોડ
ક્રોએશિયા – રૂ. 223 કરોડ
મોરોક્કો – રૂ. 206 કરોડ

Most Popular

To Top