Editorial

નીરવ મોદીને વહેલી તકે ભારત લાવવાનું શક્ય બનશે?

દેશભરમાં ખળભળાટ મચાવી દેનાર અને દેશના બેન્કિંગ ઇતિહાસના સંભવત: સૌથી મોટા કૌભાંડ એવા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી એવા નીરવ મોદીને પ્રત્યાપર્ણથી ભારત લાવવામાં યુકેથી ભારત લાવવામાં સફળતા મળે તેવા સંકેતો હાલ દેખાયા છે ખરા પરંતુ હજી પણ સફળતા હાથવેંતમાં જ છે એવું કહી શકાય તેમ નથી.

પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી છૂટવાના આરોપોનો સામનો કરતા હીરાના અબજપતિત ભાગેડૂ વેપારી નીરવ મોદીનો પ્રત્યાર્પણની કબજો મેળવવા માટેની લડાઇમાં ભારતના એક મોટા વિજયમાં બ્રિટનની એક અદાલતે હાલ રૂલીંગ આપ્યું છે કે મોદીએ ભારતની અદાલત સમક્ષ જવાબ આપવાનો છે અને એવા કોઇ પુરાવા નથી કે તેની સામે ભારતમાં યોગ્ય અદાલતી કાર્યવાહી થશે નહીં.પીએનબી કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહેલો નીરવ મોદી પ્રત્યાર્પણ સામેની પોતાની કાનૂની લડત હારી ગયો હતો જ્યારે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ડિસ્ટ્રીક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ એવું જણાવ્યું હતું કે નીરવ મોદીને ભારતને સોંપવા બાબતે માનવ અધિકાર બાબતની કોઇ ચિંતા નથી અને તેની એવી દલીલ ભારત સરકારની અનેક ખાતરીઓ પછી યોગ્ય ઠરતી નથી કે ભારતમાં તેની તબીબી જરૂરિયાતોની કાળજી લેવાશે નહીં.

હું એ બાબતે સંતુષ્ટ છું કે જેમાં એનડીએમ(નીરવ દીપક મોદી) દોષિત ઠરી શકે છે તે પીએનબી કોભાંડ કેસમાં કાવતરું સાબિત કરતા પુરાવા છે અને નીરવ મોદી સામે પ્રાથમિકપણે એક કેસ બને છે એમ જજે કહ્યું હતું. ભારતની સીબીઆઇ અન ઇડી દ્દારા મૂકવામાં આવેલા આરોપો પ્રસ્થાપિત થતા હોવાના તારણ પર જજ પહોંચ્યા હતા. જજે એ સ્વીકાર્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને કારણે કાર્યવાહી વિલંબિત થઇ અને નીરવ મોદીને લાંબો સમય લંડનની જેલમાં રહેવું પડયું તેથી તેની માનસિક હાલત કથળી છે પરંતુ એટલી હદે કથળી નથી કે તે આપઘાત કરવા સુધી જઇ શકે આથી તેનું પ્રત્યાર્પણ નામંજૂર કરવાનું કોઇ કારણ નથી. યુકેના પ્રત્યાર્પણ કાયદા મુજબ જજ હવે પોતાના તારણો ગૃહ મંત્રીને મોકલશે. યુકેના ગૃહ મંત્રી પ્રિતી પટેલ આ તારણો મંજૂર જ રાખે તેવી પુરી શક્યતા છે.

આમ પણ ગૃહ મંત્રીનો અભિપ્રાય ભાગ્યે જ જજના અભિપ્રાયની વિરુદ્ધ જાય છે, જે કેસમાં દેહાંતદંડની શક્યતા હોય છે તેમાં જ તેઅો દખલગીરી કરતા હોય છે જે આ કેસમાં લાગુ પડતું નથી. જો કે નીરવ મોદી પાસે હજી ૧૪ દિવસ છે જેમાં તે ગૃહ મંત્રીના આદેશ સામે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. નીરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ કરવાનું યુકેની અદાલતે મંજૂર રાખ્યું તે બાબતે બોલતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે નીરવ મોદીનું વહેલી તકે પ્રત્યાર્પણ થાય તે બાબત ભારત સરકાર યુ.કે.ના સત્તાવાળાઓ સાથે હાથ ધરશે. જો કે આમ છતાં હજી શંકા તો રહે જ છે કે નીરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ વહેલી તકે થઇ શકશે કે કેમ?

અગાઉ વિજય માલ્યાની બાબતમાં પણ એવી આશા જાગી હતી કે તેનું પણ ભારતને પ્રત્યાર્પણ થઇ જશે પરંતુ અત્યાર સુધી તો આ આશા ઠગારી જ રહી છે. ભારતમાં અપરાધ કરીને ખાસ કરીને યુરોપના કેટલાક માનવ અધિકારોની બાબતના ખૂબ આગ્રહી એવા દેશોમાં ભાગી છૂટેલા ઉમેદવારોને ભારતમાં લાવવાનું ખૂબ મુશ્કેલ બને છે અને તેનું મહત્વનું કારણ આ દેશો માનવ અધિકારોની બાબતમાં સો ગળણે ગાળીને પાણી પીએ છે અને ત્યાંથી સહેલાઇથી પ્રત્યાર્પણ કરવાનું શક્ય બનતું નથી. નીરવ મોદીનો કબજો મેળવવામાં હવે ક્યારે સફળતા મળે છે તે જોવાનું રહે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top