Entertainment

નિધી આવે છે કરવા કમાલ

નામ-અટક પરથી જ જાણી જશો કે નિધી અગ્રવાલ કોઈ સાઉથની અભિનેત્રી નથી અને તમારી એ ધારણા સાચી જ છે પણ શું છે કે તે તમિલ-તેલુગુ ફિલ્મોમાં ગોઠવાય ગઈ છે એટલે એવું લાગશે કે તે હિન્દી ભાષી નથી. હા, તેના વિશે જરા ગરબડ તો છે. આમ તે મારવાડી કુટુંબની છે પણ જન્મી છે હૈદરાબાદમાં. મતલબ ઘરે હોય ત્યારે તે હિન્દી ભાષી છે ને ઘરબહાર પગ મુકે તો તેલુગુ બોલવા લાગે છે.

ઘરમાં હિન્દી બોલતી હતી એટલે તેને જે પહેલી ફિલ્મ મળેલી તે હિન્દી હતી જેમાં તેનો હીરો ટાઈગર શ્રોફ હતો. એ ફિલ્મનો દિગ્દર્શક શબ્બીર ખાન હતો જે ટાઈગર શ્રોફ સાથે ‘હીરોપંતી’ અને ‘બાગી’ બનાવી ચુક્યો હતો. ‘મુન્ના માઈકલ’માં પણ ટાઈગર તો રહ્યો પણ તેની સાથે નિધી અગ્રવાલ આવી ગઈ. શબ્બીરખાન આમ તો સાઉથની જ ફિલ્મોની રિમેક બનાવે છે એટલે સાઉથવાળા તેની ફિલ્મો જુએ છે. બસ, આ કારણે નિધીને તરત જ તેલુગુ ફિલ્મો મળવા માંડી. પહેલી જ તેલુગુ ફિલ્મમાં તે નાગચૈતન્ય અને આર.માધવન સાથે હતી.

બીજી ફિલ્મ ‘મિ.મજનુ’માં અખિલ અક્કિનેની સાથે આવી. બસ, ત્યાં ચાલી નીકળી એટલે ચાહવા છતાં તે હિન્દીના બદલે તેલુગુ ને તમિલ ફિલ્મમાં વ્યસ્ત થઈ ગઈ. હજુ હમણાં ય તે પ્રભાસ અને સંજય દત્ત સાથે ‘રાજા ડિલક્સ’માં કામ કરી રહી છે. બે હીરો છે તો બે હીરોઈન હોવી જોઈએ એટલે માલવિકા મોહનન પણ છે ને નિધી અગ્રવાલ પણ છે. બીજી ફિલ્મ ‘હરી હરા વીરા મલ્લુ’ છે જેમાં તે પવન કલ્યાણ સાથે છે ને તેમાં બોબી દેઓલ પણ છે. ત્રીજી ફિલ્મ ‘ઈન્ડિયા ડાયલ 100’ છે જેમાં તે દિવ્યેન્દુ શર્મા સાથે છે.

મતલબ કે વાયા તેલુગુ-તમિલ તે ફરી હિન્દીમાં પાછી ફરી રહી છે. જો કે તેની સાઉથની ફિલ્મોના નામ વાંચશો તો લાગશે કે એ હિન્દી ફિલ્મો જ હશે. જેમ કે ‘શેફ’, ‘સવ્યસાચી’, ‘મિ.મજનુ’, ‘ભૂમિ’ અને ‘હીરો’. સાઉથવાળા હવે હોંશિયાર થઈ ગયા છે. તેમની ફિલ્મો હિન્દીમાં ડબ્ડ થતી હોય છે એટલે હિન્દી જેવા નામ રાખે છે. ચાલો, એ બહાને તેઓ હિન્દીનું વર્ચસ સ્વીકારતા તો થયા. હિન્દીની હીરોઈનો સ્વીકારે તો ભાષા ય સ્વીકારવાના જ ને! સવાલ ધંધે કા હૈ ભાઈ! નિધી અગ્રવાલ વચ્ચે એક મ્યુઝિક વીડિયોમાં પણ આવી હતી.

‘સાથ ક્યા નિભાઓગે’ નામના એ વીડિયોમાં તેની સાથે સોનુ સુદ હતો. એ વીડિયોનું દિગ્દર્શન ફરાહખાને કર્યું હતું. અલતાફ રાજાનું જાણીતું ગીત હોય ને આ બધા સ્ટાર્સ હોય તો મ્યુઝિક વીડિયો પણ એક ફિલ્મ જેવું આકર્ષણ જન્માવી શકે. બીજી વાત એ કે તે હિન્દી ફિલ્મના સ્ટાર્સ અને દિગ્દર્શકોની નજરથી દૂર થઈ નથી. તે પહેલાં ‘અહો મિત્રા દી યસ હે’ નામના મ્યુઝિક વીડિયોમાં પણ તે બાદશાહ સાથે હતી. નિધીની સાઉથની ફિલ્મોના દિગ્દર્શકો એ છે જે હવે હિન્દીમાં રિમેક બનાવવા લાગ્યા છે એટલે એ રિમેકમાં પણ નિધીને જ તક મળે એ સહજ છે. નિધી આ કારણે જ ફરી હિન્દી ફિલ્મો માટે ચક્કર લગાવી રહી છે જેથી હિન્દીમાં ઓળખ ઊભી થાય તો સાઉથની રિમેકમાં વાંધો ન આવે. •

Most Popular

To Top