SURAT

સિવિલમાં 44મું અંગદાન : બ્રેઇનડેડ યુવાનના લીવર અને ફેફસાના દાનથી માનવતા મહેંકી ઉઠી

સુરતઃ પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે. શ્રાવણી (Sravan) અમાસ નિમિત્તે દાન-ધર્માદા ઉપરાંત પિતૃપૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે ત્યારે શ્રાવણી અમાસે પોતાના પરિવારજનના અંગોનું દાન (Organ Donation) કરીને હળપતિ પરિવારે મહાદાનનું સાચુ મહત્વ સાર્થક કર્યું છે. બારડોલી (Bardoli) તાલુકાના સરભોણ ગામના હળપતિ પરિવારે બ્રેઈન ડેડ (Brain Dead) નરેશભાઈ હળપતિના લીવર અને ફેફસાનું મહાદાન કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) તબીબોના પ્રયાસોના કારણે આજે ફરીવાર સફળ અંગદાન થયું હતું.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ગામના ચાંદદેવી ફળિયા ખાતે રહેતા 40 વર્ષીય યુવાન નરેશભાઈ રમણભાઈ હળપતિ ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.12 મી સપ્ટેમ્બરના રોજ સવારે નિત્યક્રમ બાથરૂમ જઇ આવીને બ્રશ કરતાં હતા, ત્યારે અચાનક ચક્કર આવતા નીચે ઢળી પડ્યાં હતા. જેથી પરિવાર દ્વારા તાત્કાલીક બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તેમની સલાહથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. સારવાર દરમિયાન તા. 13 મીના રોજ રાત્રે 11.48 વાગે તબીબોની ટીમના ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ તથા આર.એમ.ઓ. કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

બ્રેઈનડેડ નરેશભાઈના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. કેતન નાયક, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પરિવારમાં માતા શાંતાબેન હળપતિ,પત્ની જાનમબેન અને પુત્ર નીતીન અને પુત્રી હેતલ છે.પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા જણાવ્યું હતું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો અંગદાન માટેની સમંતિ આપી હતી.

દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર હળપતિ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં આજ રોજ બ્રેઇનડેડ યુવાનનું લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ તથા ફેફસાનું દિલ્હી ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાન સ્વીકારીને અંગો લઈ જવામાં આવ્યા હતા. આમ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

Most Popular

To Top