Business

જૂની લોન ચૂકવવા નવી લોન, ભારતમાં વધી રહ્યું છે ડેટ ટ્રેપ ! એપનો આ ખેલ સમજજો

લખનૌના એન્જિનિયર રિષભ શુક્લાએ જ્યારે પહેલી વખત લોન એપ પરથી પૈસા લીધા ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે આ નાની રકમ આગળ જઈને દેવાના જાળમાં ફેરવાઈ શકે છે. એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ દરમિયાન નાણાકીય જરૂરિયાત માટે તેમણે ઇન્સ્ટન્ટ લોન એપનો ઉપયોગ કર્યો હતો. થોડી જ પ્રક્રિયા બાદ પૈસા તેમના બેંક ખાતામાં આવી ગયા અને ચુકવણી પણ સરળ લાગતી હતી.

ત્યારબાદ જ્યારે પણ પૈસાની જરૂર પડી ત્યારે શુક્લા ફરી એ જ એપ તરફ વળતા રહ્યા. ધીમે ધીમે લોનની સંખ્યા વધતી ગઈ. ક્યારેક ઇમરજન્સી માટે, ક્યારેક રોજિંદા ખર્ચ માટે તો એક વખત પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદવા માટે પણ તેમણે લોન લીધી.

એક લોનથી શરૂ થયું બેનું ચક્ર

પરિસ્થિતિ ત્યારે ગંભીર બની જ્યારે એક લોનની ચુકવણી સમયસર થઈ શકી નહીં. જૂની લોન ચૂકવવા માટે તેમણે બીજી લોન એપમાંથી નવી લોન લીધી. આ રીતે એક લોન બે બની અને ત્યારબાદ જૂની લોન ચૂકવવા માટે નવી લોન લેવાનું ચક્ર શરૂ થયું.

આખરે તેમની CIBIL સ્કોર પર પણ અસર પડી અને ઔપચારિક ક્રેડિટ મેળવવામાં મુશ્કેલી વધતી ગઈ. આ ઘટના દર્શાવે છે કે ડિજિટલ લોનમાં જોખમ ઘણી વખત પહેલી લોનમાં નહીં, પરંતુ ત્યારબાદ લેવાતી સતત લોનમાં છુપાયેલું હોય છે.

60% પરિવારોની આવક EMIમાં જતી રહી

ડેટ-રિઝોલ્યુશન પ્લેટફોર્મ Expert Panelના તાજેતરના સર્વેમાં આ સમસ્યાની ગંભીરતા સામે આવી છે. સર્વે અનુસાર મદદ માટે પહોંચેલા સંકટગ્રસ્ત લોનધારકોમાંથી લગભગ 60% લોકો માત્ર લોનની ન્યૂનતમ ચુકવણી કરી રહ્યા હતા અથવા ચુકવણી સંપૂર્ણપણે બંધ કરી ચૂક્યા હતા.

  • લગભગ 60% લોકોએ કહ્યું કે તેમની માસિક EMI પરિવારની કુલ માસિક આવક જેટલી અથવા તેનાથી વધુ છે.
  • 40% લોકો જૂની લોન ચૂકવવા નવી લોન અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા.
  • 20% લોકોને લોનદાતાઓ તરફથી કાનૂની નોટિસ મળી ચૂકી હતી.
  • 26% લોકો માટે લોન લેવાનું સૌથી મોટું કારણ તબીબી ઇમરજન્સી હતું.
  • 22% લોકોએ શિક્ષણ, લગ્ન અને પરિવાર સંબંધિત ખર્ચ માટે લોન લીધી.
  • 18% લોકોએ નોકરી ગુમાવવી અથવા બિઝનેસ સંબંધિત મુશ્કેલીને કારણે ઉધાર લીધુ.
  • 15% લોકો રોજિંદા ઘરખર્ચ માટે લોન લેતા હતા.

યુવાનોમાં નાની લોન પણ બની રહી છે મોટો બોજ

મુંબઈમાં બેન્કો અને લોન એપ્સ માટે કોન્ટ્રાક્ટ પર રિકવરી એજન્ટ તરીકે કામ કરતા સુરેશ ગૌડાના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં તેમણે ઘણા યુવાનોને આવક વધે તે પહેલાં જ દેવામાં ફસાતા જોયા છે.

તેમના જણાવ્યા મુજબ 25,000થી 30,000 રૂપિયાની માસિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સને 7,000થી 15,000 રૂપિયાની લોન સરળતાથી મળી જાય છે. પરંતુ EMI કપાયા બાદ મહિનાની શરૂઆતમાં જ તેમની આવકનો મોટો હિસ્સો ખર્ચાઈ જાય છે.

સોશિયલ મીડિયા પણ આ સ્થિતિને અસર કરે છે. યુવાનો રેસ્ટોરન્ટ, પ્રવાસ, ક્લબ અને અન્ય લાઇફસ્ટાઇલ પાછળ ખર્ચ કરવા માટે પણ લોન લેતા હોવાનું ગૌડાએ જણાવ્યું છે.

ડિજિટલ લોનનો બજાર ઝડપથી વધ્યો

બ્લૂમબર્ગના કૉલમિસ્ટ એન્ડી મુકર્જીના જણાવ્યા અનુસાર ભારતમાં વ્યક્તિગત લોનનો મોટો હિસ્સો હવે ડિજિટલ લોનદાતાઓ મારફતે આવી રહ્યો છે. Asian Banking and Financeના અહેવાલ મુજબ ભારતનું ડિજિટલ લોનિંગ માર્કેટ 2022માં 270 બિલિયન ડોલરથી વધીને 2023માં 350 બિલિયન ડોલર થયું હતું. લોન એપ્સનું વાર્ષિક બજાર આશરે 23 બિલિયન ડોલરનું હોવાનું અને છેલ્લા 3 વર્ષમાં તેમાં 2.5 ગણો વધારો થયો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

2025-26ના નાણાકીય વર્ષમાં ફિનટેક પ્લેટફોર્મ્સે 130 મિલિયનથી વધુ લોન મંજૂર કરી હતી. સરેરાશ લોન રકમ 16,000 રૂપિયા હતી અને તેનો મોટો હિસ્સો મધ્યમથી ઊંચા જોખમવાળા ગ્રાહકોને આપવામાં આવ્યો હતો.

લોન બાદ શરૂ થાય છે રિકવરીનો દબાણ

લોનની ચુકવણીમાં મુશ્કેલી ઊભી થયા બાદ ઘણા લોકો રિકવરી કોલ અને દબાણનો સામનો કરી રહ્યા છે. Expert Panelના સર્વેમાં વારંવાર ફોન, અપમાનજનક ભાષા, પરિવારજનો અને નોકરીદાતાઓનો સંપર્ક, ઘર અથવા ઓફિસની મુલાકાત અને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી જેવી ફરિયાદો સામે આવી છે.

RBIએ પણ રિકવરી એજન્ટો દ્વારા થતી હેરાનગતિ રોકવા માટે નિયમોને વધુ કડક બનાવ્યા છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે સમસ્યાનો ઉકેલ માત્ર રિકવરી પ્રક્રિયા નિયંત્રિત કરવાથી નહીં આવે.

લોન ક્યારે બને છે ખતરાની નિશાની?

Infomerics Ratingsના મુખ્ય અર્થશાસ્ત્રી મનોજંન શર્માના જણાવ્યા મુજબ આવક કરતાં ઝડપથી દેવું વધે ત્યારે પરિવાર રિફાઇનાન્સિંગના ચક્રમાં ફસાઈ શકે છે. જૂની લોન ચૂકવવા નવી લોન લેવી, રોજિંદા ખર્ચ માટે ક્રેડિટનો આધાર રાખવો અને EMI આવકના મોટા હિસ્સા સુધી પહોંચી જવી ગંભીર સંકેતો છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ:

  • EMI આવકના 50થી 70% સુધી પહોંચે
  • જૂની લોન ચૂકવવા નવી લોન લેવાય
  • રોજિંદા ખર્ચ માટે વારંવાર ક્રેડિટ લેવાય
  • ક્રેડિટ કાર્ડની માત્ર ન્યૂનતમ ચુકવણી થાય
  • નિયમિત ચુકવણી છતાં બાકી રકમ વધતી જાય

તો દેવાનું ચક્ર જોખમી બની શકે છે.

મુદ્દો માત્ર લોનનો નહીં, આવક અને સુરક્ષાનો પણ

શર્માના જણાવ્યા મુજબ ભારતની ઘરેલુ દેવાની સ્થિતિ ગંભીર બની રહી છે, જોકે હજુ તે સિસ્ટમિક સંકટ બની નથી. કુલ ઘરેલુ દેવું GDPના 40%થી વધુ છે અને રિટેલ લોનમાં 50%થી વધુ હિસ્સો અસુરક્ષિત વ્યક્તિગત અને વપરાશ લોનનો હોવાનું તેમણે જણાવ્યું છે.

તબીબી ખર્ચ, નોકરી ગુમાવવી, પગારમાં ઘટાડો અને અચાનક ઘરખર્ચ જેવી પરિસ્થિતિઓ પરિવારોને લોન લેવા મજબૂર કરી શકે છે. તેથી નિષ્ણાતો આરોગ્ય અને રોજગાર સુરક્ષા, મજબૂત લોન મૂલ્યાંકન, ડેટ-રિઝોલ્યુશન વ્યવસ્થા અને નાણાકીય શિસ્ત પર ભાર મૂકે છે.

લોન પોતે સમસ્યા નથી. ઘર, શિક્ષણ કે બિઝનેસ જેવી આવક ઊભી કરતી જરૂરિયાત માટે લેવાયેલું દેવું સંપત્તિ સર્જવામાં મદદ કરી શકે છે. પરંતુ જ્યારે એક લોનની ચુકવણી માટે બીજી લોન લેવી પડે, ત્યારે સરળ ક્લિકથી મળેલા પૈસા ધીમે ધીમે દેવાના ચક્રવ્યૂહમાં ફેરવાઈ શકે છે.

Most Popular

To Top