National

20 નવેમ્બરની સામાન્ય ચૂંટણી માટે ભારતે નેપાળને લોજિસ્ટિક સપોર્ટ તરીકે 200 વાહનોની ભેટ આપી

કાઠમંડુ: ભારતે (India) મંગળવારે નેપાળ (Nepal) સરકારને 20 નવેમ્બરની સામાન્ય ચૂંટણીના (Election) સરળ સંચાલન માટે વિવિધ નેપાળી સંસ્થાઓને લોજિસ્ટિકલ સપોર્ટ માટે 200 વાહનો ભેટમાં (Gift) આપ્યાં હતાં. નેપાળમાં 20 નવેમ્બરના રોજ સંઘીય સંસદ તેમ જ પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણીઓ યોજાવાની છે. આથી નેપાળે ભારત સરકારને વાહનો માટે વિનંતી કરી હતી. એમ ભારતીય દૂતાવાસની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે. નાણા મંત્રાલયમાં આયોજિત એક સમારોહમાં નેપાળમાં રાજદૂત નવીન શ્રીવાસ્તવે ભારત સરકાર વતી ચૂંટણીના સુચારુ સંચાલન માટે વિવિધ નેપાળી સંસ્થાઓને લોજિસ્ટિકલ સપોર્ટ માટે ભેટ રૂપે નાણામંત્રી જનાર્દન શર્માને 200 વાહનો સોંપ્યાં હતાં.

  • 200 વાહનોમાંથી 120 સુરક્ષા દળો માટે છે, જ્યારે 80 વાહનો નેપાળના ચૂંટણી પંચ માટે
  • આ વાહનો નેપાળ સરકાર દ્વારા ચૂંટણી કાર્યક્રમો ગોઠવવામાં મદદ કરશે

અખબારી યાદીમાં જણાવાયું છે કે, 200 વાહનોમાંથી 120 સુરક્ષા દળો માટે છે, જ્યારે 80 વાહનો નેપાળના ચૂંટણી પંચ માટે છે. આ વાહનો મતદાન કરવા માટે દેશભરમાં નેપાળની વિવિધ સંસ્થાઓની લોજિસ્ટિકલ વ્યવસ્થાને વધુ વધારવામાં ઉપયોગી સાબિત થશે. ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે મંત્રીને વાહનોની ચાવીઓ સોંપતી વખતે કહ્યું હતું કે, મને આશા છે કે આ વાહનો નેપાળ સરકાર દ્વારા ચૂંટણી કાર્યક્રમો ગોઠવવામાં મદદ કરશે. રાજદૂત શ્રીવાસ્તવે નેપાળમાં ચૂંટણીના અસરકારક અને સફળ સંચાલન માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

રાજદૂત નવીન શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ”હું, સરકાર અને નેપાળના લોકો વતી નેપાળ સરકાર સફળતાપૂર્વક ચૂંટણી યોજવામાં સક્ષમ બને તેવી શુભેચ્છા પાઠવું છું.” નાણામંત્રીએ આ વાહનોની ભેટ સહિત નેપાળ સાથે વિકાસ ભાગીદારીના સ્વરૂપમાં સતત સમર્થન આપવા બદલ સરકાર અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 20 નવેમ્બરની ચૂંટણી નેપાળ માટે લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવા અને હિમાલયન દેશમાં સ્થિરતા જાળવવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. અગાઉની ચૂંટણીઓ દરમિયાન પણ હિમાલયન સરકારની વિનંતી પર ભારતે નેપાળને વાહન સમર્થન આપ્યું હતું.

Most Popular

To Top