National

નેશનલ હેરાલ્ડ કેસ: વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીને રસ્તામાંથી પોલીસે અટકાયત કરી

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) મંગળવારે ED દ્વારા કોંગ્રેસના (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ લગભગ 3 કલાક ચાલી હતી. લંચ બ્રેક બાદ તેઓની ફરીથી ED પૂછપરછ શરૂ કરી હતી. બીજી તરફ EDની આ કાર્યવાહી સામે કોંગ્રેસે રોડથી સંસદ સુધી હંગામો મચાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં આ મુદ્દે સરકારને ઘેરી હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મહિલા વિંગએ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો ત્યાં રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી માર્ચ કરી હતી. આ પછી રાહુલ ગાંધી સાંસદો સાથે વિજય ચોક (Vijay chok) પર ધરણા પર બેસી ગયા હતા. આ પછી દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને અન્ય ઘણા સાંસદોને કસ્ટડીમાં લીધા હતા.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
કસ્ટડીમાં લીધા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના તમામ સાંસદો અહીં બેરોજગારી, મોંઘવારી અંગે વાત કરવા આવ્યા હતા. પરંતુ પોલીસ અમને બેસવા ધરણા કરવા દેતી નથી. સંસદની અંદર પણ આ મુદ્દાઓની ચર્ચાની મંજૂરી નથી. ત્યારે અહીંથી અમારી ધરપકડ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે કોંગ્રેસને રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલય પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. આ ઘટના વચ્ચે કોંગ્રેસે એક ફોટો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીની તુલના ઈન્દિરા ગાંધી સાથે કરી હતી.

અજય માકને કહ્યું- આ કેસ 2016માં જ બંધ થઈ ગયો હતો
કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે અમે રાજઘાટ પર સત્યાગ્રહ કરવા માંગતા હતા. પરંતુ ભાજપ સરકાર અમને સત્યાગ્રહ કરવા દેતું નથી. તેમણે નેશનલ હેરાલ્ડ વિશે કહ્યું કે આ કેસ 2016માં પણ પૂરો થઈ ગયો હતો. EDએ આ કેસને બંધ કરી દીધો હતો. પરંતુ સરકારે આ કેસને ફરીથી રિઓપન કરી દીધો છે. અજય માકને આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓને પણ પાર્ટી ઓફિસમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા. સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સત્યાગ્રહ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા સોનિયા ગાંધીની આજે પૂછપરછ થઈ રહી છે. જેને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે લંચ બાદ સોનિયા ગાંધી ફરી ED સમક્ષ હાજરી રહી હતી. આ અગાઉ ગુરુવારે સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી.

Most Popular

To Top