Columns

સૌના સુખમાં જ મારું સુખ

કોઇ પણ જીવ હશે તો તે સુખની શોધમાં જ હશે અને એ સ્વાભાવિક છે. જો દૃષ્ટિ વિશાળ ન હશે તો બીજાને કષ્ટ આપીને પોતાનું સુખ મેળવી લેશે. કોઇને મુશ્કેલીમાં મૂકીને પોતે સુખી થવું એ સાચા સુખનો માર્ગ નથી. આપણા સુખમાં બીજાનું સુખ પણ આવી જાય એ સુખનો સાચો માર્ગ છે.
અત્યારે મનુષ્યજાત મોટા સુખની શોધમાં છે તેથી એ માર્ગે બીજાના સુખની હાનિ થાય તે તરફ વિચાર થતો જ નથી. તેથી આ કામ થશે તો મને અપાર સુખ મળશે એવી તામસિક વિચારસરણીથી થયેલા કામો સરવાળે તો સુખની શોધમાં નીકળેલાને દુ:ખ જ જોવા મળશે. ભારતીય વિચારસરણીમાં બીજાના સુખમાં પણ મારું સુખ છે અને મારા સુખમાં પણ બીજાનું જ સુખ રહ્યું હોય છે. મોટે ભાગે સુખની સમજ આપણા પૂરતી મર્યાદિત રહે છે. પુરાણોમાં અને અન્યત્ર પણ સૌના સુખમાં મારું સુખ રહેલું છે તેનાં દૃષ્ટાંતો જોવા મળે છે.
મૂળ વાત છે આપણી સામે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને યોગ્ય દૃષ્ટિએ મૂલવવાની જરૂર છે. એમાં જરૂર પડે છે આંતરદૃષ્ટિની. કેટલાંય લોકોની આંતરદૃષ્ટિ જ સામાન્ય કક્ષાની હોય છે તેથી તેવા લોકો સ્વસુખને કેન્દ્રમાં રાખીને જ વિચારતા રહે છે.
રામાયણ-મહાભારત જેવાં ગ્રંથો કે પુરાણોમાં ઘણાં દૃષ્ટાંતોમાં જોઇ શકાય છે કે જેઓએ સમાજ માટે ત્યાગ કર્યો કે સમાજને પોતાના થકી મળી રહે તેવા પ્રયત્નો કર્યા છે એવા લોકોનો યશ ચિરંજીવ છે જેથી આજે પણ લોકો એવાં પાત્રોમાંથી પ્રેરણા મેળવે છે.

લોકોને પ્રેરણા મળે તેવાં પાત્રો મહાભારત કે રામાયણમાંથી ઘણાં મળી રહે છે જેમાં સ્વસુખની ગણતરી કર્યા વિના લોકો ઊંચેરું જીવન જીવી ગયા તે જોવા મળે છે. જેઓની દૃષ્ટિ જ વિશાળ છે તેઓ બીજાના ભોગે મળતી સગવડને સ્વીકારી શકતા નથી. તેઓ લોકોમાં વંદનીય સ્થાને રહીને જીવન જીવી ગયા છે.

ડો. નરેશ ભટ્ટ-નરેશ ભટ્ટ

Most Popular

To Top