Business

વાહનચાલકો બેદરકારીથી વાહન ચલાવવાની સજા ભોગવવા તૈયાર નથી

સલમાન ખાનનો હિટ એન્ડ રનનો કિસ્સો ખૂબ જાણીતો છે. તેવી ઘટનાઓ દેશભરમાં વધી ગઈ છે, જેમાં હજારો નિર્દોષ રાહદારીઓના જીવ જાય છે. અમદાવાદમાં કરોડપતિના નબીરા દ્વારા ગફલતભરી રીતે કાર ચલાવી અનેક લોકોને કચડી નાખવામાં આવ્યા હતા. આ રીતના ગુનાઓ માટે અત્યાર સુધી સદોષ માનવવધનો ગુનો નોંધવામાં આવતો હતો, જેમાં આરોપીને સહેલાઈથી જામીન મળી જતા હતા અને સજા પણ ઓછી થતી હતી.

નવા પિનલ કોડમાં હિટ અને રનના કિસ્સામાં ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે, જેમાં સજા પણ વધારવામાં આવી છે. બેફામ વાહનો હંકારનારાઓ આ કાયદાથી નારાજ છે. તેના વિરોધમાં દેશભરમાં બસ અને ટ્રક ડ્રાઈવરો હડતાળ પર છે, જેના કારણે ફળો અને શાકભાજીના સપ્લાયથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીની તમામ વસ્તુઓ ખોરવાઈ રહી છે. આ હડતાળની સૌથી વધુ અસર મધ્ય પ્રદેશમાં જોવા મળી રહી છે. રાજધાની ભોપાલમાં બસ અને ટ્રકની સાથે ટેક્સી અને ટ્રેક્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં પોલીસે પણ પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

સંસદમાં હિટ એન્ડ રનના ગુના માટે નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર, જો કોઈ ડ્રાઈવર ઓવર સ્પીડ અથવા બેદરકારીને કારણે કોઈના મૃત્યુનું કારણ બને છે અને ઘટનાસ્થળેથી ભાગી જાય છે, તો તેને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે. આ ઉપરાંત સાત લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે, જ્યારે વર્તમાન કાયદામાં આ સજા બે વર્ષની છે. આ કાયદો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ચાલકોને પણ લાગુ પડે છે. તેમ છતાં તેની સામે આંદોલન માત્ર ટ્રક ડ્રાઇવરો જ ચલાવી રહ્યા છે તેનું કારણ એવું છે કે હિટ એન્ડ રનની ઘટનામાં મોટા ભાગે ટ્રક ડ્રાઇવરો જ સંડોવાયેલા હોય છે. જો તમે હાઇ વે પર કાર ચલાવતા હો તો તમે જોયું હશે કે ટ્રક ડ્રાઇવરો ટ્રાફિકના નિયમોનો સૌથી વધુ ભંગ કરતા હોય છે. મોટા ભાગના ટ્રક ડ્રાઇવરો પહેલી લાઇનમાં જ ગાડી ચલાવતા હોય છે, જેને કારણે હાઇ વે પર અકસ્માતની સંભાવના બહુ વધી જાય છે.

આ હડતાળને કારણે ઘણા વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત શરૂ થઈ ગઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ ભરવા માટે ૩૦૦ મીટર સુધીની લાંબી કતારો જોવા મળે છે. ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના નવા કાયદાની વિરુદ્ધમાં દલીલ કરે છે કે તેઓએ સ્થળ પરથી ભાગી જવું પડે છે, કારણ કે ગુસ્સે ભરેલું ટોળું તેમના પર હુમલો કરી શકે છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રમુખ અમૃતલાલ મદાન કહે છે કે ‘‘કાયદામાં સુધારો કરતાં પહેલાં ટ્રક ડ્રાઈવરોની સલાહ લેવામાં આવી ન હતી. પોલીસ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના મોટા વાહનના ચાલકોને જવાબદાર ઠેરવે છે.’’ જો કે ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે ‘‘જે ડ્રાઈવરો પોલીસને અકસ્માતની જાણ કરશે તેમની સાથે હળવાશથી વર્તવામાં આવશે.’’

ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હિટ એન્ડ રન કેસની નવી જોગવાઈઓ અનુસાર જો કોઈ ડ્રાઈવર માર્ગ અકસ્માત પછી સત્તાવાળાઓને જાણ કર્યા વિના અકસ્માત સ્થળ પરથી નાસી જાય તો તેને ૧૦ વર્ષની જેલની સજા ભોગવવી પડશે. નવા કાયદાને બે કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. પહેલા કિસ્સામાં જો ડ્રાઈવરની ભૂલ ન હોય અને મૃત્યુ થાય તો તે અપરાધપાત્ર હત્યા નથી. તેમાં મહત્તમ પાંચ વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે. બીજા કિસ્સામાં ડ્રાઈવર બેદરકારીપૂર્વક વાહન ચલાવીને કોઈના મૃત્યુનું કારણ બને છે અને ભાગી જાય છે. જો કોઈ વ્યક્તિ ઘટના પછી કોઈ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ નહીં કરે તો તેને દંડની સાથે દસ વર્ષ સુધીની જેલની સજા ભોગવવી પડશે. હાલમાં હિટ-એન્ડ-રન કેસમાં આરોપીઓ પર કલમ ​​૩૦૪-એ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં મહત્તમ બે વર્ષની જેલની સજા થાય છે.

હિટ એન્ડ રનના કિસ્સાઓ માર્ગ અકસ્માતો સાથે સંબંધિત છે. હિટ એન્ડ રન એટલે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે વ્યક્તિ અથવા મિલકતને નુકસાન પહોંચાડવું અને પછી ભાગવું. આવી સ્થિતિમાં પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના અભાવને કારણે ગુનેગારોને પકડીને સજા કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. હિટ એન્ડ રનનો ઉલ્લેખ તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલી ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૪માં કરવામાં આવ્યો છે, જેણે IPCનું સ્થાન લીધું હતું.

કલમ ૧૦૪ (૧) કહે છે કે જો કોઈ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બેદરકારીથી દોષિત હત્યાનું પ્રમાણ ન હોય, તેને પાંચ વર્ષથી વધુની મુદત માટે કેદની સજા થશે. કલમ ૧૦૪ (૨)  કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને મૃત્યુનું કારણ બને છે, જે ઘટના પછી તરત જ કોઈ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને તેની સૂચના આપ્યા વિના ફરાર થઈ જાય છે, તેને દસ વર્ષ સુધી વધારી શકાય તેવી કેદની સજા થશે અને તેણે દંડ પણ ભરવો પડશે.

ભારતમાં હિટ એન્ડ રનના કેસમાં જો કોઈનું મરણ ન થયું હોય તો તેવા કેસો ખાસ કરીને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ સજાપાત્ર નથી. મોટર વેહિકલ એક્ટની કલમ ૨૭૯ અવિચારી ડ્રાઇવિંગની વ્યાખ્યા અને સજાની જોગવાઈ કરે છે. તે જણાવે છે કે જે કોઈ પણ જાહેર સ્થળે એટલી ઝડપથી અથવા બેદરકારીથી વાહન ચલાવે છે કે જેથી માનવજીવનને જોખમમાં મુકાય અથવા અન્ય કોઈ વ્યક્તિને ઈજા કે ઈજા થવાની સંભાવના હોય, તો તેને જેલની સજા કરવામાં આવશે. આઈપીસીની કલમ ૩૦૪-એ બેદરકારીથી મૃત્યુ માટે સજાની જોગવાઈ કરે છે.

IPC હેઠળ આ એક વિશેષ જોગવાઈ છે. આ કલમ સીધી રીતે હિટ એન્ડ રનના કેસોને લાગુ પડે છે, જેના પરિણામે પીડિતોનું મૃત્યુ થાય છે. તે કહે છે કે જે કોઈ પણ બેદરકારીભર્યા કૃત્ય દ્વારા કોઈ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે જે સદોષ માનવહત્યા સમાન નથી, તેને બે વર્ષ સુધીની મુદત માટે કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે. કલમ ૩૩૮ એવી પરિસ્થિતિમાં સજાની જોગવાઈ કરે છે, જ્યાં પીડિતનું મૃત્યુ ન થયું હોય પરંતુ તે ગંભીર રીતે ઘાયલ હોય. જો કોઈ પણ ડ્રાઇવર ઉતાવળથી અથવા બેદરકારીભર્યું કૃત્ય કરીને કોઈ પણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડે છે તેને બે વર્ષ સુધીની મુદત માટે જેલ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવશે.

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયની માહિતી  અનુસાર દેશમાં હિટ એન્ડ રનના કેસો સતત વધી રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં હિટ એન્ડ રનના કુલ ૫૨,૪૪૮ કેસો નોંધાયા હતા જેમાં ૨૩,૧૫૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ ૨૦૨૧ માં આ આંકડો વધ્યો હતો. આ વર્ષે ૫૭,૪૧૫ આવી ઘટનાઓ બની હતી, જેમાં ૨૫,૯૩૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો.  આ ગુનામાં નવા નિયમની જરૂર કેમ પડી? હાલમાં હિટ એન્ડ રનના કેસોમાં સૌથી મોટી સમસ્યા એ નડે છે કે ગુનેગાર સામે ગુનાના સ્થળે કોઈ સીધા પુરાવાનો અભાવ હોય છે, જેના કારણે પોલીસ અધિકારીઓ માટે તપાસ આગળ ધપાવવાનું અને ગુનેગારને સજા કરાવવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે. હિટ એન્ડ રનમાં મોટા ભાગના ગુનેગારો ભાગી જાય છે અને ભાગ્યે જ પકડાય છે. બીજી સમસ્યા એ છે કે જે સાક્ષીઓ પર તપાસ નિર્ભર હોય છે, તેઓ પણ મદદ કરવામાં આનાકાની કરે છે, કારણ કે તેઓ કોઈ પણ પ્રકારની કાયદાકીય સમસ્યાઓમાં ફસાઈ જવા માંગતા નથી.

આવા કેસોમાં સાક્ષીઓ કોર્ટમાં હાજરી પૂરાવવાનું બંધ કરે ત્યારે આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે. ટ્રક ડ્રાઇવરોને ડર છે કે નવા નિયમો મુજબ જો તેઓ અકસ્માતનો ભોગ બનેલાની મદદ કરવા જાય તો ભીડના ગુસ્સાનો ભોગ બની શકે છે. ટ્રક ડ્રાઇવરો તેમ જ અન્ય ડ્રાઇવરો બીજાના જીવની પરવા કર્યા વિના વાહન ચલાવવા માગે છે, પણ તેના માટે આકરી સજા ભોગવવાની તેમની તૈયારી હોતી નથી.
–  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top