Sports

સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી લાગણીશીલ બનીને રડી પડ્યો : વિદાય સમારોહ

મેડ્રિડ : સ્ટાર ફૂટબોલર (Star footballer) લિયોનલ મેસી (Lionel messi) રવિવારે બાર્સીલોના ક્લબ (FCB) દ્વારા રખાયેલા તેના વિદાય સમારોહ દરમિયાન લાગણીશીલ બનીને રડી પડ્યો હતો અને કહ્યું હતું કે હું ક્લબ છોડવા માટે તૈયાર નહોતો. કેમ્પ નાઉ સ્ટેડિયમમાં પોતાના વિદાય સમારોહ (Farewell)માં પોતાના સંબોધન પહેલા મેસી રડવા માંડ્યો હતો. આર્જેન્ટીના (Argentina)ના દિગ્ગજ ખેલાડીનો સ્પેનિશ ક્લબ સાથેનો કોન્ટ્રાક્ટ આ વર્ષે જૂનમાં પુરો થયો હતો અને ત્યારથી મેસીના ભાવી અંગે અટકળો ચાલી રહી હતી.

એવું માનવામાં આવતું હતું કે બંને વચ્ચે બદલાયેલી શરતોએ સમજૂતી થઇ જશે, પણ ક્લબે ગુરૂવારે મેસી સાથે કોન્ટ્રાક્ટ ન થયાની પુષ્ટિ કરી હતી અને તેની સાથે જ બંને વચ્ચે 21 વર્ષથી ચાલી આવતો સંબંધ પુરો થયો હતો. મેસીએ ક્લબ સાથે અચાનક છૂટી ગયેલા સાથને પોતાની કેરિયરની સૌથી આકરી પળ ગણાવી હતી. વિદાય સંબોધનમાં તેણે કહ્યું હતું કે આટલા વર્ષો પછી મારા માટે આ ઘણું આકરું છે. હું તેના માટે તૈયાર નહોતો. આ સમયે મેસીનો પરિવાર અને તેના કેટલાક સાથીઓ ત્યાં ઉપસ્થિત હતા. મેસીએ જો કે પોતાના ભવિષ્ય અંગે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું અને તે માત્ર એટલું જ બોલ્યો હતો કે તેને ઘણી ક્લબ તરફથી પ્રસ્તાવ મળ્યા છે.

મેસી ફ્રાન્સની પેરિસ સેન્ટ જર્મન વતી રમશે, રૂ. 305 કરોડમાં કોન્ટ્રાક્ટ થયાના અહેવાલ
પેરિસ, તા. 08 : આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસીએ સ્પેનિશ ક્લબ બાર્સીલોનાને અલવિદા કર્યા પછી એવા અહેવાલો મળ્યા છે કે મેસી સ્પેનની ક્લબને છોડીને હવે ફ્રાન્સની મોટી ક્લબ પેરિસ સેન્ટ જર્મન (PSG ) સાથે જોડાવા જઇ રહ્યો છે. અહેવાલો અનુસાર મેસી અને પીએસજી વચ્ચે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ થયો છે અને તેમાં એક વર્ષ લંબાવવાની જોગવાઇ પણ છે. પીએસજીએ મેસીને પ્રતિ સિઝન 35 મિલિયન યુરો અર્થાત રૂ. 305 કરોડની સેલેરી આપશે. ફ્રેન્ચ મીડિયાના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ કરાયો છે.

Most Popular

To Top