Vadodara

મહેંદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેના પિતાને સોંપાયો

વડોદરા: પ્રેમી સચીનના હાથે જ કરૂણ મોતને અકાળે ભેટેલી મહેંદી ઉર્ફે હિનાના મૃતદેહનું આજે પેનલ તબિબની ટીમે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યું હતું. જુવાનજોધ દિકરીના મૃતદેહનો કબ્જો તેના પિતાને સોપાતા જ ચોંધાર આંસુએ રડી પડ્યા હતાં, અને હત્યારા સચીનના કરતુત ઉપર ફિટકાર વરસાવીને પોલીસ તંત્રની ઝડપી કામગીરીની પ્રસંશા કરી હતી. ગુજરાતભરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા મહેંદી મર્ડરના પ્રેમપ્રકરણના કરૂણ અંજામના અનેક રહસ્યનો ઘટસ્ફોટ થતો જ રહે છે.

ત્રણ વર્ષથી લીવ ઈન રીલેશનશીપમાં રહેતી મહેંદી ઉર્ફે હિના પેથાણીને તેના જ પ્રેમી સચીન નંદકિશોર દિક્ષીતે ગળુ દબાવીને ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. અને લાશને લાલ કલરની સુટકેશમાં પેક કરીને રસોડામાં છુપાવી દિધી હતી. ગાંધીનગર પોલીસે હત્યારા સચીનને ગણત્રીના કલાકોમાં ઝડપીને ખૂનના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને મહેંદીની લાશને ફલેટના રસોડામાંથી કબ્જે કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.  આજે વિવિધત લાશનું પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું.

મહેંદીના પિતા મહેબુબભાઈ પેથાણીએ પોલીસને કરેલી અરજી મુજબ પુત્રીની લાશનો કબજો લેવા અમદાવાદથી વડોદરા દોડી આવ્યા હતા. પી.એમ. વિભાગ પાસે જ મૃતકના પિતાએ મીડીયા સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતુ કે, ૧૦ દિવસથી હું પોતે ખુબ જ પરેશાન છુ. મારૂ મગજ માનસિક રીતે ખોવાઈ ગયું છે. હત્યારાનો ન્યાય ભગવાન કરશે. કોઈની પણ દિકરી હોય આવો ધૃણાસ્પદ બનાવ ના બનવો જોઈએ. તેવો હત્યારા પર આક્રોશ ઠાલવ્યો હતો. મૃતદેહનો વિધિવત કબજો મેળવ્યા બાદ દફતવિધિ કરવા અમદાવાદ લઈને રવાના થયા હતાં.

મહેંદીએ લાફો મારીને નખોરીયા ભરતા જ સચીને ૬ થી ૭ મીનીટ ગળુ દબાવી રાખ્યુ

તદ્દન સીધા સાદા જણાતા હત્યારા સચીન દિક્ષીત વિરૂધ્ધ ગાંધીનગર એસ.ઓ.જી.ના એસ.એસ.પવારે ખૂનનો ગુનો બાપોદ પોલીસ મથકે નોંધાવ્યો હતો. ફરીયાદમાં જણાવ્યું હતુ કે, ૮ ઓક્ટોબરના બપોરે ૪.૩૦ કલાકે ફલેટ નં-૧૦૨માં પોતાના પરિવાર સાથે વતન યુપીમાં જવાની સચીને વાત કરતા પ્રેમી યુગલ વચ્ચે કલેશ થયો હતો. ઉશ્કેરાયેલી મહેંદીએ સચીનને લાફો મારીને નખોરીયા ભરી લેતા જ સચીન સચીન આવેશમાં આવી ગયો હતો. અત્યંત ઝનૂનપૂર્વક મહેંદીનું ગળુ દબાવી દિધુ હતુ. મગજ પર ખુન જ સવાર થઈ ગયુ હોય તેમ છ થી સાત મીનીટ ગળુ દબાવી રાખતા મહેંદીનો શ્વાસ રૂધાઈ ગયો હતો અને દેહ ઢળી પડતા જ હત્યારો ખૂનનો મામલો પારખી ગયો હતો. ઉંડી તપાસ અર્થે બાપોદ પી.આઈ. યુ.જે.જોષીએ તપાસનો દોર સંભાળતા જ ટીમની રચના કરી ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસનો દોર લંબાવ્યો હતો.

હત્યારો સચીન ત્રણ દિવસના રિમાન્ડ પર

ગાંધીનગર પોલીસે હત્યારા સચીન દિક્ષીતને આજે કોર્ટમાં રજુ કરીને તા.૧૪ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારથી માસુમ શિવાંશ તરછોડાયેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારથી સમગ્ર બનાવમાં એક પછી એક નવા રહસ્યોનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે અને હજુ પણ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી હકિકત સપાટી પર આવવાની આશંકા પોલીસ વ્યકત કરી રહી છે.

માસીના પુત્ર સાથે પ્રેમ પ્રકરણ ગાજ્યુ હતું

જુનાગઢના વતની અને ખોજા સમાજના મહેબુબભાઈ પોથાણીની પુત્રી મહેંદી ઉર્ફે હિના અત્યંત જીદ્દી સ્વભાવની હતી. પિતાના બીજા લગ્ન બાદ થોડા સમય તેના કાકા મુન્નાભાઈ પોથાણી અને નાની સાથે રહેતી હતી. ધોરણ-૧૦ સુધી અંગ્રેજી માધ્યમના અભ્યાસ બાદ હિના તેના માસા જીતેન્દ્ર રાઠોડ અને માસી અનીતા સાથે અમદાવાદ આવી ગઈ હતી. તેને સગા માસીના પુત્ર એટલે કે પિતરાઈ ભાઈના સાથે પ્રેમમાં પડી ગઈ હતી. જોકે ત્યારબાદ જુહાપુરામાં રહેતો વેપારી આદિલ પંજવાણી સાથે ર૦૧૩માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ પિતરાઈ ભાઈ સાથેના સબંધ ગાઢ બનતા પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મહેંદીના લફરાથી માસીને છુટાછેડા લીધા બાદ સચીન સાથે પ્રેમ રંગે રંગાતા લીવ ઈન રીલેશનશીપમાં ૩ વર્ષથી હતી.  

Most Popular

To Top