SURAT

નો માસ્ક, નો એન્ટ્રી: સુરતમાં લગ્ન સમારોહ અને જાહેર મેેળાવડાઓમાં હવે આ બોર્ડ લગાડવું પડશે

સુરત: (Surat) શહેરમાં યોજાતા વિવિધ કાર્યક્રમો, લગ્ન (Marriage) સમારંભો તથા વિવિધ મેળાવડાઓમાં મોટાભાગે લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. પરિણામે શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં તા. 14-15 અને 16 ફેબ્રુઆરીના દિવસે શહેરમાં ઘણા લગ્નના આયોજનો હોય તેમજ આવનારા દિવસોમાં ચૂંટણી (Election) માટેના મતદાનો થવાના હોય, મનપા દ્વારા લગ્નસમારંભના સ્થળો પર તેમજ મતદાન મથકોની બહાર ‘‘નો માસ્ક નો એન્ટ્રી’’ (No Mask No Entry) ના બોર્ડ લગાવવા સૂચના આપી છે.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ફરીવાર વધારો થઈ રહ્યો છે. એક સમયે સંક્રમણ કાબુમાં આવતા, શહેરમાં માત્ર 20 થી 25 જ પોઝિટિવ દર્દી નોંધાતા હતા જેમાં ફરીથી વધારો થતા મનપાનું તંત્ર સતર્ક બન્યું છે. એકબાજુ ચૂંટણી પ્રચારનો ધમધમાટ અને બીજી બાજુ લગ્નસરાની ફુલસીઝન હોય, મનપાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

મનપા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, લગ્નના આયોજનના સ્થળો પર, જાહેર કાર્યક્રમોના સ્થળો પર ‘‘NO MASK, NO ENTRY’’ ના બોર્ડ લગાવવા જરૂરી છે. જેથી માસ્ક વિના કોઈપણ વ્યકિત પ્રવેશ કરી શકે નહી. કોરોના સંક્રમણથી બચવા માસ્ક અમોઘ શસ્ત્ર છે. જેથી જાહેર કાર્યક્રમો, લગ્નના સ્થળો તથા આગામી ચૂંટણી દરમ્યાન તમામ મતદાન મથકો, રિસીવીંગ-ડિસ્પેચ સેન્ટર પર કોવિડ–19 ની એસ.ઓ.પી નું ચુસ્ત પાલન કરવું આવશ્યક છે. જેથી ફરીથી કોરોના વાયરસને નિયંત્રિત કરી શકાય તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

વેલેન્ટાઇન ડે પર શહેરમાં 1000 લગ્ન

વેલેન્ટાઇન ડે (Valentine’s Day) પર રવિવારે શહેરમાં 1000 લગ્ન થશે. 1500 રિંગ સેરેમની થશે. 35 કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાનો અંદાજ છે. લગ્નની મોસમ લાંબી ન રહેવાને કારણે સજ્જા, કેટરર્સ અને અન્ય સેવા સંબંધિત લોકો પરેશાન હતા. હવે લગ્ન, સજાવટ, કેટરિંગ, લાઇટિંગ્સ અને મેરેજ હોલ રાખીને ધંધો કરતા લોકોના ચહેરા પર નવી જ રોનક છે.

એક ઇવેન્ટ મેનેજરે જણાવ્યું હતું કે લગ્ન અને રિંગ સેરેમનીમાં ડેકોરેશન, કેટરિંગ, લાઇટિંગ, હોલ બુકિંગ વગેરેની કિંમત ઓછામાં ઓછી દોઢ લાખથી બે લાખ રૂપિયા છે. લોકો તેની સ્થિતિ અનુસાર આ કરતા વધારે ખર્ચ કરે છે. હાલમાં પ્રશાસન પણ કોરોનાને લઈને કડકતા બતાવી રહ્યાં નથી, તેથી લગ્નનું આયોજન વગેરેમાં ધંધો વધવાની અપેક્ષા છે.

ઇવેન્ટ સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા ગૌરવ જરીવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં વેલેન્ટાઇન ડે પર લગભગ 1500 રિંગ સેરેમની અને 1000 જેટલા લગ્ન થશે. લગ્નમાં ઓછામાં ઓછી 5 એજન્સીઓ કામ કરે છે. એક એજન્સીમાં ઓછામાં ઓછા 3 લોકો રહે છે.

તે જ દિવસે 3500 થી 4000 લોકોને કામ મળશે. લગ્ન કે રિંગ સેરેમની, ડેકોરેશન, કેટરિંગ અને ફોટોગ્રાફર સહિતની અન્ય સેવાઓ દીઠ ઓછામાં ઓછા દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે. ઘણાં લગ્નોમાં લોકો તેમની સ્થિતિ પ્રમાણે વધારે ખર્ચ કરે છે. એક દિવસમાં 35 કરોડ રૂપિયાનો ધંધો થશે તેવો અંદાજ છે. હવે ધંધાનો વિકાસ થવાની ધારણા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top