Columns

મહારાષ્ટ્ર …પિક્ચર અભી બાકી હૈ !

શરદ પવારની ઉંમર થઇ એ સાચું પણ હજુ એમનામાં રાજકારણ બાકી છે એ ય ના ભૂલવું જોઈએ પણ આ બધાંમાં મહારાષ્ટ્રનું નુકસાન થતું રહેવાનું. ભાજપ એકલાં હાથે અહી સત્તામાં આવવા માગે છે અને એ માટે રાજકીય રીતે કે પછી અન્ય મુદે એ કંઈ પણ કરી શકે છે મહારાષ્ટ્રમાં વિધાનસભાના સ્પીકરનો ચુકાદો આવી ગયો અને એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને લાયક ઠેરવી દેવાયા અને એ કારણે શિંદે સરકાર બચી ગઈ છે.

માથે લટકતી તલવાર દૂર થઈ છે અને હવે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે વાત આગળ વધે એવું પણ બને. એટલું જ નહીં NCPના 2 ફાડિયા થયા બાદ ત્યાં પણ અજીત પવાર જૂથના સભ્યોને લાયક ઠેરવવા મુદે કામકાજ ચાલી રહ્યું છે અને એના ચુકાદા બાદ રાજકીય ગતિવિધિ વધુ એક કાયદાકીય દાવપેચમાં ફસાય એવી પૂરી શક્યતા છે. લોકસભાની ચૂંટણી માથે છે અને વર્ષના અંત પહેલાં ધારાસભ્યની ચૂંટણી થવાની છે એટલે એ પહેલાં ઘણું ઘણું બની શકે છે. ‘પિક્ચર અભિ બાકી હે’ એમ કહી શકાય.

મહારાષ્ટ્રમાં MVA સરકાર બની અને તૂટી અને એ દરમિયાન ઘણું બધું બન્યું છે અને ઘણું બધું બનવું બાકી છે. અજીત પવાર ભાજપ સાથે ગયા અને એ નાટક હતું અને પછી MVA સરકાર કઈ રીતે બની એ જાણીતી વાત છે પણ અજીત પવાર સાચે જ ભાજપ સાથે જશે એવું કોઈએ કલ્પ્યું નહોતું. એમ તો શિવસેનાના ઉભા ફાડિયા થશે એ એકનાથ શિંદે જૂથ ભાજપ સાથે જશે અને શિંદે ભાજપ સાથે સરકાર બનાવશે એવું ય કોઈએ ક્યાં કલ્પ્યું હતું? રાજકારણમાં ગમે ત્યારે ગમે તે બની શકે છે.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથને માન્ય કરી દેવાશે એ તો બધાં જાણતા હતા. અગાઉ ચૂંટણી પંચે પણ શિંદે જૂથને અસલી શિવસેના જૂથ ગણાવી ચુક્યું છે અને બાદમાં બંને પક્ષને અલગ અલગ ચિહ્ન ફાળવી દેવાયા પણ શિંદે જૂથના સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટ ગયું. શિંદે જૂથ પાસે 40થી વધુ સભ્યો અને ઉદ્ધવ સાથે 13 સભ્યો. નિર્ણય તો વિધાનસભાના સ્પીકર દ્વારા થવાનો હતો પણ એમાં વિલંબ કરાતો રહ્યો. આખરે સુપ્રીમ કોર્ટે અલ્ટીમેટમ આપ્યું અને સ્પીકર નાર્વેકરે ચુકાદો આપવો પડ્યો પણ એ પહેલાં તેઓ મુખ્યમંત્રી શિંદેને મળ્યા અને આ વાત ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહી છે. એનો અર્થ એ થયો કે કાયદાકીય લડાઈ ફરી સુપ્રીમ કોર્ટમાં થવાની છે.

એમ તો એક વાત એવી ય છે કે, હવે ઉદ્ધવ જૂથના બાકી 14 સભ્યોને પણ ગેરલાયક ઠેરવવા પણ ભાજપ માને છે કે, એવું થયું તો ઉદ્ધવ જૂથ શહીદ થયાનો મુદો ઉઠાવી એનો લાભ લેશે. બીજી બાજુ,NCP માં પણ હજુ સાચો પક્ષ કોણ એ મુદે પ્રક્રિયા ચાલે છે. સ્પીકર પાસે સુનાવણી ચાલે છે. આ મહિના અંત સુધીમાં ચુકાદો આવી શકે છે અને એ પવાર જૂથ કે પછી અજીત અવાર જૂથ સામે આવે એટલે એ બંને વચ્ચે કાયદાકીય લડત શરૂ થશે. મહારાષ્ટ્રમાં આ બધી ઘટનાઓથી કોને ફાયદો થવાનો? મોટાભાગે ભાજપને.

કદાચ આ લડાઈની ડીઝાઈન કોઈકે બનાવી છે. કદાચ એવું ય બને કે શિવસેનાના બંને જૂથોને અને NCPનાં બંને જુથોને ચૂંટણીમાં નુકસાન થઇ શકે. લોક્સભાની ચૂંટણીમાં એનો અંદાજ આવી જવાનો. એના પરથી વર્ષાન્તે ધારાસભાની ચૂંટણીમાં શું બની શકે એ ચિત્ર પણ કદાચ સ્પષ્ટ થઇ જાય. શરદ પવારની ઉંમર થઇ એ સાચું પણ હજુ એમનામાં રાજકારણ બાકી છે એ ય ના ભૂલવું જોઈએ પણ આ બધાંમાં મહારાષ્ટ્રનું નુકસાન થતું રહેવાનું. ભાજપ એકલાં હાથે અહી સત્તામાં આવવા માગે છે અને એ માટે રાજકીય રીતે કે પછી અન્ય મુદે એ કંઈ પણ કરી શકે છે. ભાજપ અજીત પવાર કે નવાબ મલીક જેવા ભ્રષ્ટાચારીઓને સાથે લઇ શકતા હોય તો એ ગમે તે હદ સુધી જઈ શકે છે. એટલે એવું ચોક્કસપણે લાગે છે કે, મહારાષ્ટ્રમાં હજુ ઘણું બધું બનવું બાકી છે.

ગુજરાતમાં વાયબ્રન્ટ સમીટ
ગુજરાતમાં કોરોના બાદ ફરી વાયબ્રન્ટ સમીટ યોજાઈ અને એનો સફળતાઓ ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. અગાઉ કરતાં વધુ દેશો પાર્ટનર બન્યા છે. આ વેળા 34 દેશો સામેલ થયા છે અને એક લાખ રજીસ્ટ્રેશન થયા છે અને MOU પણ વિક્રમ સર્જશે એ નક્કી છે. આખરી આંકડા આવવા બાકી છે પણ એ નક્કી છે કે, ગુજરાત આ મુદે આખા દેશમાં દાખલો બેસાડે એવું રાજ્ય બન્યું છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હતા ત્યારે 2003માં આ સમીટનો પ્રારંભ કર્યો અને આજે 10 સમીટ યોજાઈ ચુકી છે. એટલું જ નહિ, ગુજરાતમાં રોકાણ વધ્યું છે અને હવે સેમીકંડકટર ક્ષેત્રે રોકાણ શરૂ થયું છે. ઓટો હબ તો ગુજરાત બની જ ચુક્યું છે.

મહત્વની વાતે છે કે, ગુજરાતના ચીલે દેશનાં ઘણાં રાજ્યોમાં વાયબ્રન્ટ સમીટ જુદાં જુદાં નામે થવા લાગી છે પણ ગુજરાત જેટલું સાતત્ય ક્યાંય જોવા મળ્યું નથી. આ સૌથી મોટી વાત છે. મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત છે અને એમનું ફોકસ ગુજરાતમાં વધુ હોય એ સ્વાભાવિક છે. આ જ રીતે દરેક રાજ્યો વાયબ્રન્ટ સમીટ કરે તો દેશમાં રોકાણની ગતિ વધી શકે છે. કોઈએ વાયબ્રન્ટ સમીટ પર સ્ટડી કેસ કરવો જોઈએ. કારણ કે, MOU થાય છે અને એમાંથી કેટલાં સફળ, વાસ્તવમાં રોકાણ કેટલું થયું, રોજગારી કેટલાંને મળી એ મુદે અભ્યાસ થવો આવશ્યક છે. ૨૦૨૪ની સમીતમાં ૨૬.૩૩ લાખ કરોડના એમ ઓ યુ થયા

મમતા બેનર્જીની બે માંગણી
પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે બે માંગણીઓ કરી છે અને એ છે રસપ્રદ. આમ તો અગાઉ પણ આવી માંગણી કરી ચુક્યા છે. એક તો છે , પ. બંગાળનું નામ બદલવું અને બીજું ત્યાં યોજાતા ગંગાસાગર મેળાને રાષ્ટ્રીય મેળો જાહેર કરવો. 2011માં મમતા મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે માંગણી કરી હતી કે, રાજ્યનું નામ પશ્ચિમ બંગો રાખવું જોઈએ અને હવે માંગણી કરી છે કે, બાંગ્લા નામ રાખવું જોઈએ.

એમની દલીલમાં દમ છે કે, બોમ્બેનું નામ મુંબઈ થઈ શકે કે પછી ઉડીસાનું નામ ઓડીસા થઇ શકે તો પછી પ.બંગાળનું નામ બાંગ્લા કેમ ના થઇ શકે? અને એક વખતે ઈસ્ટ અને વેસ્ટ બંગાળ હતા, હવે નથી તો શા માટે નામ પ.બંગાળ હોય. તૃણમુલ આ મુદે ધારાસભામાં ઠરાવ કરી ચુક્યાં છે. બીજું કે, બંગાળમાં દર વર્ષે યોજાતા ગંગાસાગર મેળાનું મહત્વ છે અને એમાં લાખો લોકો ભાગ લે છે. આ મેળાને રાષ્ટ્રીય મેળો કેમ જાહેર ના કરાય? આ બે માંગણી કરી તો છે પણ કેન્દ્ર સરકાર દ્વારા એ સ્વીકારવામાં આવી નથી અને સ્વીકાર કરાશે કે કેમ એ અંગે કોઈ જવાબ પણ આપ્યો નથી. શું ત્યાં રાજકારણ આડે આવે છે ? આ મુદે કેન્દ્ર સરકારે એનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top