Vadodara

બાકરોલમાં યુવકનું એક્ટિવા સળગાવી નાખનારા 4 પકડાયાં

આણંદ તા.12
આણંદના બાકરોલ ગામમાં ત્રણેક મહિના પહેલા રાજસ્થાનથી કારમાં આવેલા ચાર શખ્સે એક્ટિવા પર જતા યુવકનો પીછો કર્યો હતો. જોકે, યુવકને આ મામલાની ગંધ આવી જતાં તે એક્ટિવા મુકી ભાગી ગયો હતો. જોકે, રોષે ભરાયેલા આ રાજસ્થાની શખ્સોએ તે એક્ટિવા સળગાવી દીધું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી ચારેય રાજસ્થાની શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડતાલ ખાતે રહેતાં અજય રમેશભાઈ ગોહેલને પૈસાની લેતીદેતી બાબતે રાજસ્થાની ઈસમો સાથે ઝઘડો થયો હતો. તે દરમ્યાન 9મી ઓક્ટોબર,23ના સાંજના સમયે અજય વિદ્યાનગર ખાતે આવેલા જીમમાં મિત્રો સાતે નિત્યક્રમ મુજબ આવ્યો હતો. જ્યાં તેને જાણવા મળ્યું હતુ કે, રાજસ્થાન પાસીંગની ગાડીમાં કેટલાંક ઈસમો તેને શોધવા આવ્યાં હતાં. જેથી તે મિત્રનું એક્ટીવા લઈને મિત્ર આશીષ પરમાર સાથે ત્યાંથી નીકળીને વડતાલ જઈ રહ્યો હતો. તે દરમ્યાન એક ઈનોવા કારે પીછો શરૂ કર્યો હતો. જેથી એક્ટીવાને ધોળાકુવા તરફ વળાવી દીધું હતુ અને એક સોસાયટીની દિવાલ પાસે એક્ટીવાને ઉભુ કરી દઈને બન્ને મિત્રો દિવાલ કુદીને ત્યાંથી ખેતરાળ રસ્તેથી નાસી ગયાં હતાં. બાદમાં ગાડીમાંથી ચાર ઈસમો ઉતર્યા હતાં અને એકટીવાને આગ ચાંપીને સળગાવી ભાગી ગયાં હતાં.
આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં કારમાં આવેલા ચારેય શખ્સ રાજસ્થાનના રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું હતું. જે સંદર્ભે જરૂરી તપાસ કરી ટીમ રાજસ્થાન પહોંચી હતી. જ્યાં તેઓએ સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં રહી રાહુલ સુરજ્ઞાન મીણા, સુરજ તુલસીરામ કુમાવત, મનમોહન ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે બબલુ હનુમાનપ્રસાદ મીણા તેમજ ભાગચંદ માંગીલાલ મીણા (રહે. તમામ રાજસ્થાન)ને ઝડપી પાડ્યાં હતાં. આ શખ્સોની પુછપરછ કરતાં તેઓએ વિદેશી દારૂના પૈસા બાકી હોય અજય આપતો નહોવાથી એક્ટિવા સળગાવી નાંખ્યા હોવાની કબુલાત કરી હતી. આ શખ્સો સામે રાજસ્થાન પોલીસમાં પણ મારામારી, લૂંટ સહિતના ગુના નોંધાયાં હોવાનું ખુલ્યું છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top