Madhya Gujarat

મહારાષ્ટ્રનો મજૂરીયાત યુવક બિલોદરા સીમમાં બાંધેલી અવસ્થામાં મળ્યો

(નડિયાદ) : નડિયાદ નજીક બિલોદરા ગામમાં સીમ વિસ્તારમાં મહારાષ્ટ્રનો એક મજૂરીયાત યુવક બાંધેલી અવસ્થામાં મળતા ખળભળાટ મચી છે. શનિવારે મોડી સાંજે બનેલી ઘટનાની જાણ ગામના આગેવાનોને થતા તેમણે તત્કાલ નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી યુવકને સોંપ્યો હતો. યુવક બેભાન હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ આખો મામલો શું છે?  તે અંગે કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. આ સમગ્ર મામલે બિલોદરા ગામની સીમમાં ઝાળી-ઝાંખરા વચ્ચે એક યુવાન મુખ પર બાંધેલી અવસ્થામાં મળ્યો હતો. મજૂરીયાત વર્ગનો આશરે પચ્ચીસેક વર્ષનો જણાતા યુવકને બંને હાથ પાછળ બાંધી દેવાયા હતા અને પગમાં પણ પ્લાસ્ટિકની દોરીથી સખત રીતે બાંધેલુ હતુ.

આ યુવક જે સ્થળેથી મળ્યો ત્યાં તેની બેગ પણ મળી છે. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતા ગામના લોકોનો ત્યાં જમાવડો થયો હતો. જ્યાં સરપંચના પતિ વસંતભાઈ દ્વારા તાત્કાલિક આ ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી યુવકને સારવાર માટે ખસેડ્યો હતો અને આ પછી ઘટના કેમ બની? કેવી રીતે બની? તે અંગે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો કે, બીટ જમાદાર જયેશભાઈ મકવાણા સાથે વાતચીત કરતા તેમણે આ યુવક મૂળ મહારાષ્ટ્રનો હોય અને મજૂરી માટે રાજસ્થાન ગયા બાદ ભૂલો પડીને નડિયાદના બિલોદરામાં આવી ગયો હોવાનું રટણ કર્યુ હતુ. જો કે, ભૂલો પડેલા યુવકને આ રીતે બાંધ્યો કોણે? શા માટે બાંધ્યો? તે તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે.

Most Popular

To Top