Business

ચાલો પતંગ ઉડાડીએ

એક ખૂબ જ મહેનતુ સજ્જન, નામ રમેશભાઈ. સવારથી સાંજ સુધી એકાઉન્ટન્ટ તરીકે ઈમાનદારીથી નોકરી કરે અને પછી બે છેડા ભેગા કરવા માટે ઘરે લાવીને પણ બીજી પેઢીના એકાઉન્ટ લખે.આખો દિવસ બસ ચોપડા અને આંકડાઓના હિસાબ, બીજું કંઈ જ નહિ.પોતાની બિમાર મા ને પ્રેમથી સાચવે.પત્ની જોડે બહાર જવાનો તો સમય નહિ પણ સાથે ચા પી ને પણ બંને ખુશ રહે.બંને છોકરાઓને ભણાવ્યા.તેમની બધી ઇચ્છાઓ પૂરી કરવમાં પોતાની બધી ઇચ્છાઓ ભૂલી ગયા.બંને છોકરાઓ ભણીને વિદેશ ગયા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. અહીં રમેશભાઈ પત્ની અને મા સાથે પ્રેમ અને સંતોષથી મહેનત કરતા જીવે.છોકરાઓ પાસેથી કોઈ આશા રાખે નહિ તેવા ખુદ્દાર…

અચાનક વિધિનો ફટકો પડ્યો અને રમેશભાઈને હાર્ટ એટેક આવતાં તેઓ મૃત્યુ પામ્યા.મરણની ઉત્તર ક્રિયા બાદ તેર દિવસ પછી ધીમે ધીમે ઘર અને દુઃખ થાળે પડવા લાગ્યું.રમેશભાઈનાં મા દીકરાને યાદ કરતાં તો પત્ની આંસુ લૂછતાં અને પત્નીની આંખો ભીની થતી તો સાસુ હિંમત આપતાં. થોડા દિવસ બાદ પત્નીને રમેશભાઈની યાદ આવતાં તેઓ તેમનો કબાટ ખોલી તેમની વસ્તુઓ અને તેની સાથેની યાદો વાગોળી રહ્યાં હતાં ત્યાં તેમનું ધ્યાન કબાટની નીચે રહેલા એક છૂપા ખાના પર ગયું, જેને તેમણે ક્યારેય આજ સુધી ખોલ્યું જ ન હતું.આ ખાનામાં પતિએ એવું તે શું ખાસ છુપાવીને રાખ્યું હશે તે જાણવા માટે પત્નીએ તે ખાનું ખોલ્યું.

ખાનું ખોલતાં જોયું તો તે ખાનામાં રંગબેરંગી પતંગો બિલકુલ ફાટે નહિ તે રીતે જાળવીને મૂકેલી હતી.લગભગ ત્રણ ડઝનથી વધારે પતંગો હતી.આ એકદમ હમણાં જ દુકાનમાંથી ખરીદી હોય તેવી વર્ષો જૂની પણ નવી નક્કોર દેખાતી.તેના પતંગના શોખીન પતિ જેને ક્યારેય ઉડાડી ન શક્યા તે પતંગો જોઇને પત્ની રડવા લાગી. તેને પતિની વાત યાદ આવી ગઈ. રમેશભાઈ તેને કહેતા હતા કે હમણાં તો નોકરીમાંથી રજા નથી મળતી પણ હું રીટાયર થઈશ પછી ઉતરાણ હોય કે ન હોય, હું પતંગ ચગાવીશ.પત્ની મજાક કરતી કે શું યાદ છે તમને કે પતંગ કેમ ચગાવાય? તો રમેશભાઈ કહેતા, અરે, હું તો પતંગ ચગાવવામાં એકદમ ચેન્પિયન હતો અને હજી પણ છું.

મને પતંગ ચગાવવી બહુ ગમે છે પણ સમય જ નથી મળતો.ત્યારે પત્નીએ કહ્યું, ચાલો, આ રવિવારે પતંગ ચગાવવાનું રાખીએ.તો રમેશભાઈએ કહ્યું હતું, ના, ના, મારે ઓવર ટાઇમ કરવાનો છે પછી ક્યારેક વાત.પણ તે પછી ક્યારેય આવ્યું જ નહિ અને એક મહેનતુ માણસ પોતાના નાનકડા સપનાને પૂરું કરી જ ન શક્યો. બીજે દિવસે પત્નીએ બધા પતંગોથી ઘરને સજાવ્યું અને રવિવારે બિલ્ડીંગનાં બાળકોને બોલાવીને ઉતરાણ ન હોવા છતાં ઉતરાણ ઉજવી અને પતિના ખાનામાં વર્ષોથી છુપાયેલા …સચવાયેલા પતંગ ખુલ્લા આકાશમાં ઊડવા લાગ્યા.
જો તમારું પણ કોઈ સપનું પતંગની જેમ કબાટમાં છુપાયેલું હોય તો આજે જ બહાર કાઢી લઈને પૂરું કરજો.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top