Latest News

More Posts

બોમ્બ સ્ક્વોડની તપાસમાં હેન્ડ ગેસ ગ્રેનેડનું ખાલી ખોખું હોવાનું ખુલ્યું

વડોદરા, તા. 16 – વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબૂબપુરામાં ભાથુજી મહારાજના મંદિરનું નવ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંગળવારના રોજ મંદિરના પાયાના ખોદકામ દરમિયાન કારીગરોને અચાનક બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા કામ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ મંદિરના સંચાલકો તથા સ્થાનિક લોકોને કરવામાં આવતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

લોકોમાં ભય, પોલીસ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવ્યા

શંકાસ્પદ વસ્તુ અંગે વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરતાં નવાપુરા પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમો અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી.

તપાસમાં કોઈ ખતરો નહીં હોવાનું સ્પષ્ટ

બોમ્બ સ્ક્વોડ દ્વારા શંકાસ્પદ વસ્તુની તપાસ કરતાં તે હેન્ડ ગેસ ગ્રેનેડનું ખાલી ખોખું હોવાનું બહાર આવ્યું હતું. વર્ષો જૂનું અને સંપૂર્ણપણે નિષ્ક્રિય હોવાથી કોઈ ખતરો નથી તેમ બોમ્બ સ્ક્વોડે જણાવતાં પોલીસ અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

30 થી 35 વર્ષ જૂનું ખાલી ખોખું હોવાની શક્યતા

પ્રાથમિક તપાસ મુજબ આ ખાલી ખોખું અંદાજે 30 થી 35 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. સંભાવના છે કે વર્ષો પહેલાં આ વિસ્તારમાં રાયોટીંગના બનાવ દરમિયાન પોલીસ દ્વારા હેન્ડ ગેસ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને તેનો ખાલી ખોખું જમીનમાં દટાઈ ગયો હોય. હાલ આ ખોખું બહાર કાઢીને વધુ કાર્યવાહી માટે નવાપુરા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે.

To Top