Gujarat

સામાન્ય તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો ધરાવતા કે નહિવત કોરોના પોઝિટીવ દર્દીઓ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં જ આઇસોલેશનમાં રહે

‘મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન’ અન્વયે રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના તમામ ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપ્યુંગાંધીનગર,તા.૬

કોરોના મહામારીની બીજી લહેર ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ધાતક નીવડી છે ત્યારે રાજય સરકારે ભલામણ કરી છે કે સામાન્ય તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો ધરાવતા કે નહિવત કોરોના પોઝિટીવ દર્દીઓ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં જ આઇસોલેશનમાં રહેવુ જોઈએ. ‘મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન’ અન્વયે સીએમ વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના તમામ ડીડીઓ અનેમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. રૂપાણીએ સ્પષ્ટ મત દર્શાવ્યો હતો કે ૧૦ જેટલા ગામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામમાં કોરોનાના કેસો વધતાં અટકાવી શકાશે.

તેમણે ડીડીઓને જીલ્લા / તાલુકા કક્ષાએ ટીમ બનાવી ગામડાઓમાં ‘મારુ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન હેઠળ ઉભા કરાયેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇને ત્યાં રહેવા, જમવા, પૂરતાં પ્રમાણમાં દવાઓનો જથ્થો, પીવાના શુધ્ધ પાણી અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓની ચોકસાઇ કરવાનું સુચન કર્યું હતું.આવા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિના વિલંબે અને સમયસર મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીઓ જે-તે જિલ્લાના વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવે તેવી તાકીદ પણ તેમણે કરી હતી.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અત્યારે દરેક ગામમાં મર્યાદિત સંખ્યામાં અથવા તો નહીવત કોરોના પોઝીટીવ દર્દીઓ છે. આવી વ્યકિતઓ જો પોતાના ઘરમાં લોકોની સાથે જ રહેશે તો સંક્રમણ ફેલાવાની ભીતી રહેશે. આથી આવી કોરોના સંક્રમિત તમામ વ્યકિતઓને કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં ખાતે આઇસોલેટ કરવામાં આવે તો સંક્રમણ વધતું અટકાવી શકાશે. દર્દીના પરિવારજનોની સુરક્ષા અને ગામના લાભ માટે પોઝીટીવ દર્દીઓ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં ખાતે શીફટ થાય તે પ્રકારની જગૃતિ લાવવા માટે ગામના આગેવાન વડીલોની દરમિયાનગીરીથી પ્રયાસ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

રૂપાણીએ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં રહેલા ગ્રામજનો સાથે તેમના પરીવારજનોની પણ આરોગ્ય તપાસ થાય અને અન્ય કોઇ પરિવારજનમાં સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તેને પણ તકેદારી રૂપે આઇસોલેટ કરવામાં આવે તેવું સૂચન કર્યુ હતું. આવા જરૂરતમંદ વ્યક્તિઓને સ્ટાન્ડર્ડ દવાઓની કિટ મળી રહે તથા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં તેમના બી.પી. ઓકસીજન લેવલ વગેરેની તપાસ થાય અને જરૂર જણાયે સારવાર માટે આરોગ્ય કેન્દ્રોમાં વેળાસર રિફર કરવામાં આવે તેમ પણ તેમણે સૂચન કર્યુ હતું.

Most Popular

To Top