Latest News

More Posts

સુરત : ગઇ તારીખ 16મીના બપોરના પાલ ગૌરવ પથ સર્કલ પર સિગ્નલ ચાલુ થતા સાઇકલ પર સવાર વિદ્યાર્થીને પુરપાટ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે ફૂટબોલની જેમ ફંગોળ્યો હતો.

  • લાયસન્સ વગરના ડમ્પર ચાલકે પાલમાં વિદ્યાર્થીને ફૂટબોલની જેમ ફંગોળ્યો
  • ઉશ્કેરાયેલા લોકોએ 10 ડમ્પરને અટકાવી દીધા
  • અત્યાર સુધી ઉંઘતી પોલીસે 10 ડમ્પર કબજે લીધા

પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલના વીર એક્ઝોટિકા નજીક આવેલા પશુટ હેપ્પીનેસ બિલ્ડિંગમાં રહેતો 13 વર્ષીય વેદાંત જીગ્નેશભાઈ માથોડિયા ગત 16 મીની બપોરના સમયે સાયકલ લઈને પાલના ગૌરવ પથ રોડ પર મોનાર્ક સર્કલની પહેલાના સિગ્નલ પર ઊભો હતો અને જેવું સિગ્નલ ચાલુ થયું તેની સાથે જે રસ્તો ક્રોસ કરીને સામેની તરફ જવા નીકળ્યો હતો.

બસ તેજ સમયે બીજા રોડ પરથી સિગ્નલ બંધ થઇ ગયું હોવા છતાં પણ બેફામ ડમ્પરના ચાલકે ડમ્પર હંકારી વિદ્યાર્થી વેદાંતને અડફેટે લીધો હતો. જેમાં તે ફૂટબોલની જેમ ફંગોળાયો હતો. ભેગા થયેલા લોકોએ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યાં તેને ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું.

આ ઘટના બાદ પાલ ગૌરવ પથ રોડ પર દોડતા દસ જેટલા ડમ્પરોને લોકોએ ભેગા મળીને રોકી લીધા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેની જાણ પોલીસને થતાં પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાલ પોલીસે દસ ડમ્પર કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે વેદાંત માથોડિયા સાથે અકસ્માત કરનાર ડમ્પરના ચાલક કલ્પેશ ફતાભાઈ હઠીલા ( રહે.,ગોગા ચાર રસ્તા ભાડાના મકાનમાં મૂળ રહે ઝાલોદની)ની વિરૂદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી હતી.પોલીસે તેની પૂછપરછ કરતા ડમ્પર ચાલક કલ્પેશ પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહીં હોવાનું જણાવ્યુ હતું.

To Top