Latest News

More Posts

ઉકાઈ જળાશયમાં પાણીની આવક વધતા તંત્રની ચિંતા વધી છે. તંત્ર દ્વારા આખેઆખુ ડેમ ભરી દેવાયા બાદ હવે CWC દ્વારા કરવામાં આવેલ આગાહી અને ઉકાઈ જળાશયમાં પાણીના ઈનફલોને ધ્યાને લઇ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સાંજે 7.00 વાગ્યાથી ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર 1,50,000 ક્યૂસેક પાણી છોડવામાં આવશે. જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં ખાસ મોનિટરિંગ રાખવા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે સાંજે ધોધમાર વરસાદ બાદ શનિવારની મોડી રાત્રિએ ભારે વરસાદ વરસ્યો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે રાત્રે લગભગ 12.30 વાગ્યે શરૂ થયેલા વરસાદે થોડી જ વારમાં સમગ્ર શહેરને રેલમછેલ કરી નાંખ્યું હતું. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ગરબા રમીને તેમજ દશેરાનો તહેવાર માણીને ઘરે ફરતા લોકો અટવાઈ પડ્યા હતા. મોડી રાત્રે વાહન ચાલકો ભારે વરસાદમાં ફસાયા હતા.

શહેરમાં વરસતા વરસાદ ઉપરાંત ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પણ ઉકાઈ જળાશયમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈને ઉકાઈ ડેમ તંત્ર દ્વારા સાંજે 7.00 વાગ્યાથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાશે. હાલમાં ઉકાઇ જળાશયમાં પાણીની સપાટી 344.95 ફુટ છે અને આઉટ ફલો 87,283 ક્યૂસેક છે. CWC દ્વારા કરવામાં આવેલ આગાહી અને ઉકાઈ રીસરવોઈરમાં પાણીના ઈનફલોને ધ્યાને લઇ આજે સાંજથી તાપી નદીમાં 1,50,000 ક્યૂસેક પાણીનો જથ્થો તબક્કાવાર જરૂરીયાત મુજબ છોડવામાં આવશે. જેને લઈને ખાસ કરીને સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોનું મોનિટરિંગ કરવા તેમજ સાવચેતીના જરૂરી તમામ પગલાં લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

To Top