Latest News

More Posts



ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનમાં લોકો પોતાના પ્રસંગો ઉજવી શકશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 3.82 કરોડના ખર્ચે બનાવેલા અતિથિગૃહનું લોકાર્પણ કરવાનું મુહૂર્ત અંતે મળ્યું છે. આવતીકાલે તારીખ 10ના રોજ સવારે 10.30 કલાકે વિધાનસભાના મુખ્ય દંડક અને મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
વડોદરા કોર્પોરેશનનું આ 20મું અતિથિગૃહ બનશે. આ અતિથિગૃહમાં ભાડું કેટલું રાખવું તે અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત પણ મૂકવામાં આવી છે. જેને મંજૂરી મળ્યા પછી લોકાર્પણના એક બે અઠવાડિયામાં અતિથિગૃહનું બુકિંગ શરૂ કરી દેવાશે. જેથી ચાલું વર્ષની લગ્નસરાની સિઝનમાં લોકો પોતાના પ્રસંગો ઉજવી શકશે. તારીખ 10 માર્ચ 2025 પહેલાં જે કોઈના પ્રસંગો હશે અને તે બુકિંગ કરાવવા આવશે તો વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાશે. 10 માર્ચ પછીના પ્રસંગો હશે તો ડ્રો સિસ્ટમ મુજબ બુકિંગ થશે. છેલ્લા 1 વર્ષથી તૈયાર હોવા છતાં તેનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું ન હોવાથી તેનો વિવાદ વકર્યો હતો અને જો લોકાર્પણ નહીં કરાય તો લોકોને સાથે રાખી લોકાર્પણ કરી દેવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ વર્ષ 2021માં 21 જાન્યુઆરીના રોજ આ અતિથિ ગૃહ બનાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. મકરપુરા અને નિઝામપુરા આ બંને સ્થળે અતિથિગૃહ બનાવવા વર્ક ઓર્ડર સાથે આપવામાં આવ્યો હતો.
નિઝામપુરા વિસ્તાર મધ્યમ અને ગરીબ વર્ગનો હોવાથી ભાડુ 20,000 આસપાસ રાખવા રજૂઆત કરવામાં આવી છે. બહાર મોંઘા પાર્ટી પ્લોટ અને મેરેજ હોલ માં લગ્ન પ્રસંગો યોજવાનું સામાન્ય લોકોને પરવડતું હોતું નથી. આ અતિથિગૃહ હવે શરૂ થવાના લીધે લોકોને રાહત મળશે.

To Top