Latest News

More Posts

માણસને બબ્બે વાર ઇન્પીંચ કરવામાં આવ્યો હોય, જે માણસ અદાલતમાં ગુનેગાર સાબિત થઈ ચુક્યો હોય (અમેરિકન અદાલત 17મી સપ્ટેમ્બરે સજા સંભળાવવાની હતી, પણ કોઈ કારણસર જજે સજા સંભળાવવાનું 26મી નવેમ્બર સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.) જે માણસે ખુલ્લેઆમ પોતાના સમર્થકોને ઉશ્કેરીને અમેરિકન લોકતંત્રના મંદિર સમાન કેપિટોલ હિલ પર હુમલો કરાવીને અમેરિકન લોકતંત્રનું અપમાન કર્યું હોય, જે માણસનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ ફૂહડ જેવો હોય, જે માણસના નેતૃત્વમાં કોવિડ મહામારીના મેનેજમેન્ટમાં અમેરિકાનું નાક કપાયું હોય અને 10 લાખ અમેરિકનોએ પ્રાણ ગુમાવ્યા હોય, જે માણસ સ્ત્રીઓ માટે હલકા વિચારો ધરાવતો હોય અને વ્યક્ત પણ કરતો હોય અને જે માણસને શાસક તરીકે અને માણસ તરીકે અમેરિકન પ્રજાએ દરેક રીતે અને સારી રીતે ઓળખી લીધો હોય એ પછી પણ જો પ્રજા 2016 કરતાં વધુ ભવ્ય રીતે ચૂંટે ત્યારે એનો અર્થ એ જ થાય કે અમેરિકન નાગરિકોએ ડોનાલ્ડ ટ્રમ્પ નામના ઉમેદવારને પસંદ નથી કર્યો પણ, ટ્રમ્પ વિચારધારા, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી પસંદ કરી છે. તેમને તે જોઈએ છે. લંડનથી પ્રકાશિત થતાં વિશ્વ પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ગાર્ડિયને’ ટ્રમ્પ-ઘટનાને “This is an exceptionally bleak and frightening moment for the United States and the world”તરીકે ઓળખાવી છે, પણ અમેરિકન નાગરિકોને તેમ નથી લાગતું.
ડોનાલ્ડ ટ્રમ્પને સાર્વત્રિક વિજય મળ્યો છે. અમેરીકાનાં 50 રાજ્યો વોટીંગ પેટર્નની દૃષ્ટિએ ત્રણ વર્ગમાં વહેંચાયેલા છે. કેટલાંક રાજ્યોમાં બહુમતી મતદાતાઓ રિપબ્લિક પક્ષના સર્મથકો છે તો કેટલાંક રાજ્યોમાં ડેમોક્રેટિક પક્ષનું સમર્થન કરનારા મતદાતાઓ બહુમતીમાં છે. સાત રાજ્યો એવાં છે જ્યાં ચૂંટણીએ ચૂંટણીએ મતદાતાઓ પોતાનો મત બદલતા રહે છે. એ રાજ્યોને સ્વીંગ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પે સ્વીંગ સ્ટેટ તો ઠીક, ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ ધરાવનારા રાજ્યોમાં પણ વિજય મેળવ્યો છે. અમેરિકન બંધારણ વિચિત્ર છે. તેમાં દરેક રાજ્યોને તેની વસ્તીના આધારે કોલેજિયમ (જે તે રાજ્યનાં મતની સંખ્યા) ફાળવવામાં આવી છે. જેમ કે ફ્લોરીડા નામનાં રાજ્ય પાસે 30 કોલેજિયમ છે. હવે જો ટ્રમ્પને 50.1 ટકા મત મળ્યા હોય અને તેનાં પ્રતિસ્પર્ધી કમલા હેરીસને 49.99 ટકા મત મળ્યા હોય તો ટ્રમ્પને ફ્લોરીડાના 16 કોલેજિયમ મત ન મળે, પણ ત્રીસે ત્રીસ મત મળે. આ રીતે અમેરિકાના કુલ 538 કોલેજિયમ મતમાંથી ટ્રમ્પને 312 અને કમલા હેરીસને 226 મત મળ્યા છે. અમેરિકન ચૂંટણીની ખાસ વિશેષતાને કારણે ઘણીવાર એવું બને છે કે પોપ્યુલર વોટ (કુલ મેળવેલા મત)માં સરસાઈ હોવા છતાં તે ઉમેદવારનો પરાજય થાય અને ઓછા મત મેળવાનારા ઉમેદવારનો વિજય થાય. 2016ની સાલમાં આવું જ બન્યું હતું. હિલેરી ક્લિન્ટનને ટ્રમ્પ કરતા 29 લાખ મત વધુ મળ્યા હતા અને છતાં ટ્રમ્પનો વિજય થયો હતો. પણ આ વખતે ટ્રમ્પની એક સરખી અને સાર્વત્રિક સરસાઈ છે. પોપ્યુલર વોટમાં પણ ટ્રમ્પ કમલા હેરીસ કરતાં 46 લાખ મત વધુ મળ્યા છે. આ સિવાય હાઉસ ઑફ કૉંગ્રેસમાં અને સેનેટમાં પણ ટ્રમ્પનો વિજય થયો છે.
2016 કરતાં પણ વધુ ભવ્ય અને સાર્વત્રિક વિજય. આગળ કહ્યું એમ ટ્રમ્પને માણસ તરીકે અને શાસક તરીકે અમેરિકન પ્રજા જાણતી હોવા છતાં પણ અમેરિકન પ્રજાએ વિજય અપાવ્યો. અમેરિકન પ્રજાએ ટ્રમ્પ વિચારધારા, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી પસંદ કરી છે. તેને સ્વીકૃતિ આપી છે. અને આવું માત્ર અમેરિકામાં નથી બની રહ્યું, જગત આખાના લોકશાહી દેશોમાં બની રહ્યું છે. પ્રજા માણસાઈનો તેના દરેક અર્થમાં અસ્વીકાર કરી રહી છે અને સ્વાર્થનો મહિમા કરી રહી છે. તેમને એવી વ્યવસ્થા જોઈએ છે જે માત્ર પોતાનાં (એટલે કે ખાસ વગ ધરાવનારી પ્રજાવિશેષનાં) હિત માટે કામ કરે. વ્યાપક હિત ગયું ભાડમાં. જો એમ ન હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ જેવો આવડત વિનાનો કહી શકાય એવો માણસ પહેલાં કરતાં પણ વધારે સ્વીકાર પામે? ગાર્ડિયન અખબાર કહે છે એમ જો આ વિશ્વસમાજ માટે frightening moment છે તો આત્મનિરીક્ષણ માટેની પણ પળ છે. માનવીય મૂલ્યોમાં અફર શ્રદ્ધા ધરાવનારા માનવતાવાદીઓએ વિચારવું જોઈએ કે વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે? આનાં અનેક કારણો છે અને અનેક પરિબળો છે, પણ સૌથી મોટું કારણ એ છે કે જગતે જે વિકાસનું મોડેલ અપનાવ્યું છે એ હવે પરિણામ આપતું અટકી ગયું છે. વિકાસની યાત્રા થંભી ગઈ છે. બીજી બાજુ આધુનિક લોકતાંત્રિક રાજ્યોએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના લોકોને ખૂબ બધા અધિકારો આપ્યા છે અને તેને બંધારણમાં સુરક્ષિત પણ કરી આપ્યા છે. ત્રીજું, વૈશ્વિકરણને કારણે જગત નાનું અને કોસ્મોપોલીટન બની ગયું છે. સ્થળાંતર અને વસાહતીકરણ 20મી સદીની તુલનામાં અનેક ગણું વધી ગયું છે. અને ચોથું જગતમાં એવા કેટલાક આડોળાઇ કરનારા દેશો છે જેને નૈતિકતા અને મર્યાદા સાથે કોઈ લેવાદેવા નથી. એક તો વિકાસ અટકી ગયો અને એમાં આપણા દેશમાં આવીને વસનારા અજાણ્યા સાથે ભાગ પડાવવાનો. આપણે માનવીય અને બંધારણીય એમ બંને પ્રકારની મર્યાદામાં જીવવાનું અને ચીન રશિયા જેવા દેશોને ભયોભયો. આને કારણે લોકોની અંદર પ્રતિક્રિયા પેદા થઈ રહી છે અને નાગરીકો લોકતાંત્રિક અને માનવીય મૂલ્યો ફગાવતા થયા છે. લાંબેગાળે આમાં તેમને નુકસાન થવાનું છે એ નક્કી વાત છે, પણ અત્યારે લોકો સાંભળવાના મૂડમાં નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે વસાહતીઓના પ્રશ્નને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. તેઓ અમેરિકાના સ્વાર્થની વાત કરતા હતા અને બાકીની બધી મહાન વાતોની ઠેકડી ઉડાડતા હતા. બીજી બાજુ કમલા હેરીસ અધિકારો, લોકશાહી મૂલ્યો, માનવીય મૂલ્યો વગેરેની વાત કરતા હતા. એક બાજુ રોકડો અને અને ઊઘાડો સ્વાર્થ અને બીજી બાજુ આદર્શવાળની શાબ્દિક રંગોળીઓ. શબ્દિક રંગોળી કહેવા પાછળનું કારણ એ છે કે અમેરિકાનું બાયડન વહીવટીતંત્ર ઇઝરાયેલને વારવામાં નિષ્ફળ નીવડ્યું છે અને તેને મદદ કરી રહ્યું છે. જો કથની અને કરણીમાં ફરક હોય અને મુલ્યો એક વરખ માત્ર હોય તો ઊઘાડી ભાષામાં આપણા સ્વાર્થની વાત કરવામાં શા માટે શરમાવું જોઈએ? ટ્રમ્પ વિચાર, ટ્રમ્પ મૂલ્યો અને ટ્રમ્પ શૈલી આ છે.


ભારતને આમાં લાભ થશે કે નુકસાન એની ચર્ચા થવી સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદીએ ઉત્સાહમાં આવીને અભિનંદન આપ્યાં એનું કારણ એ નથી કે ભારતને ફાયદો થવાનો છે, પણ એનું કારણ એ છે કે તેમને ફાયદો થવાનો છે. ભારતમાં લોકશાહીનું હનન કરવા માટે અને તાનાશાહી આચરણ કરવા માટે હવે અમેરિકાનો ઠપકો નહીં સાંભળવો પડે. કોઈ નુક્તેચીનીઓ નહીં થાય અને કોઈ ભારતનો કાન નહીં આમળે. ભારતની વાત કરીએ તો અમેરિકામાં વસતા અને અમેરિકા જવા માગતા ભારતીયોને નુકસાન થવાનું છે. ટ્રમ્પ ભારતથી કરાતી આયાતને નિયંત્રિત કરવાનો પણ પ્રયાસ કરશે. તેમણે તો ચૂંટણી પ્રચારમાં ભારત સાથેના અસમાન વ્યાપારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમેરિકન પેદાશ પર ભારતની ટેરીફ પોલીસીની ટીકા કરી હતી. આમ ભારતે બહુ ખુશ થવા જેવું નથી. નરેન્દ્ર મોદી ખુશ થાય એ તો સ્વાભાવિક છે. જોકે નરેન્દ્ર મોદી સામે પણ એક જોખમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ બેશરમ અને આખાબોલો માણસ છે. એ કાંઈ પણ બોલી-કરી શકે છે. ચીને ભારતની ભૂમિ કબજે કરી છે એને કારણે નરેન્દ્ર મોદી બહુ નર્વસ છે એમ તેમણે 2020માં જાહેરમાં કહ્યું હતું. આખરે તો નાદાન કી દોસ્તી!

To Top