Charchapatra

ટિકિટ ભલે પક્ષ આપે,વોટ તો પ્રજા જ આપશે

ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. તમામ પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારની પસંદગીને લઈને ક્યાંક ગમો-અણગમો સામે આવ્યો છે. ક્યાંક કોઈ ભાઈ રિસાઈ ગયા તો ક્યાંક કોઈ બેનને ટિકિટ ન મળી એનો વસવસો છે. કેટલાકને પોતાને ટિકિટ ન મળી એનો વાંધો નથી પણ પેલાને ટિકિટ કેમ મળી એ તકલીફ છે.

કેટલાકને તો એ સમજ જ ના પડી કે આને વળી કેવી રીતે અને કેમ ટિકિટ મળી? ઘણા એવા પણ નસીબદાર નીકળ્યા કે સપનામાં પોતે નહિ વિચાર્યું હોય કે પોતાને ક્યારેય ટિકિટ મળશે,પણ મળી ગઈ.કેટલાકને પરિવારવાદ ફાવ્યો તો કેટલાકને સમાજવાદ,તો વળી કેટલાકને અમુક આગેવાનોની ભલામણ ફાવી ગઈ.ટૂંકમાં જેને મળવાની હતી ટિકિટ એને મળી ગઈ.

તમામ પક્ષના તમામ ઉમેદવાર મિત્રો તેમજ અપક્ષ ઉમેદવાર મિત્રો, હવે જયારે આપ જાહેર જીવનમાં ખૂબ જ મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છો ત્યારે આપને માટે સૌથી ઉપર પ્રજાહિત હોવું જોઈએ, નહિ કે પક્ષહિત.આજકાલની રાજનીતિમાં થોડો બદલાવ આવી ગયો છે કે ઘણી વાર પક્ષહિત એ પ્રજાહિત પર હાવી થઈ જાય છે.યાદ રાખો લોકશાહીમાં  પ્રજા જ સર્વેસર્વા છે.પ્રજા છે તો પક્ષ છે.મારું ચોક્કસ એવું માનવું છે કે પક્ષનેતા બનવા કરતાં પણ લોકનેતા બનવું વધુ જરૂરી છે.

આપણી લોકશાહીમાં લોકનેતાના ઘણાં ઉદાહરણ છે.આપણા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીથી લઈને બાલાસાહેબ ઠાકરે.આ મહાપુરુષો લોકોની સેવા માટે પોતાની સરકાર સામે પણ અવાજ ઉઠાવતા ડરતા  નહિ.આ જ કારણ છે કે સત્તા વગર પણ એ મહાપુરુષો આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે અને કરતા રહેશે.પક્ષ માટે આપણી કોઈ જવાબદારી નથી એવું નથી કહેતો પરંતુ હા જ્યાં પસંદગી પ્રજા અને પક્ષ વચ્ચે હોય ત્યારે ચોક્કસ  પ્રજાને જ સાથ આપવાની આપણી નૈતિક ફરજ પણ છે અને કર્તવ્ય પણ છે.

પક્ષના કાર્ય કરતાં વધુ કાર્યો લોકોનાં જ કરવાં જોઈએ.જો તમે એક લોકનેતા બનવા માંગો છો તો આટલી હિંમત તો તમારી પાસે હોવી જ જોઈએ.પ્રજા જ તમારો પરિવાર છે.તમે પક્ષને વફાદાર રહો, પરંતુ પ્રજાને અન્યાય ન થાય એ જોવાની દ્રષ્ટિ પણ તમારી પાસે હોવી જ જોઈએ. બાકી યાદ રાખો, ઘણાં લોકો નેતા બને પણ છે અને પછી ખોવાઈ પણ જાય છે.જે પ્રજાની સાથે હંમેશા રહ્યા છે એ જ લોકનેતા બન્યા છે.ટિકિટ ભલે પક્ષે આપી હોય પણ વોટ તો પ્રજા જ આપશે.

સુરત     -કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top