Latest News

More Posts

ગુજરાત મિત્રમાં આવેલા બે ચર્ચાપત્ર વાંચ્યા ત્યારે મને પણ મારો ૧૯૫૭થી ૧૯૬૩ એમ.ટી.બી.કોલેજનો સમય તેમજ તેની જૂની નવી હોસ્ટેલમાં વિતાવેલો સમય યાદ આવી ગયો. તે સમયે કે.એલ.દેસાઈ પ્રિન્સિપાલ હતા અને જે.ટી.પરીખ જે સંસ્કૃતના અધ્યાપક તથા હોસ્ટેલના સંચાલક પણ હતા, પ્રો. કુંજવિહારી મહેતા કે જેને “અમે દો આંખે બારહ હાથ” તરીકે ઓળખતા, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, પી.સી.જોશી, જયંત પાઠક, બી.એ.પરીખ જેવા અધ્યાપકોના કેટલાક નામો આજે પણ યાદ છે. હોસ્ટેલમાં અમારા સાથી એવા ક્રિકેટવીર કાંતિ દેસાઈ ગુજરાતની રણજી ટ્રોફીમાં રમતા હતા. હું હોકી રમતો. તે સમયે રમતગમતના મુખ્ય સૂત્રધાર જે.ડી.સોલ સાહેબ તેમજ સી.એસ.ભાલાવાલા જે બાસ્કેટ બોલમાં ભારત વતી રમતા હતા.

સુરતી ખાણું સૌથી અલગ અને તેમાં ઉંધીયું તથા પેટીસ આજે પણ વખણાય છે. તે સમયની કોલેજ સામેની ચોપાટી, ચોક બજારની સામે હોપ પુલની યાદ આવે છે. રંગઉપવન, ચોક બજારનો નર્મદ હોલની રોનક અલગ હતી. તાજિયાની પરેડ હવે સંભળાતી નથી સાતમ આઠમનો ભાગળનો મેળો, મકરસંક્રાંતિ વખતે પતંગ તથા માંજા, ફિરકી, ચંદની પડવાની ઘારી યાદ આવે છે.  મોતી ટૉકીઝમાં મોટે ભાગે અંગ્રેજી ફિલ્મો આવતી, જ્યારે મોહન ટૉકીઝમાં ધાર્મિક ફિલ્મો ખૂબ માણી હતી તે હજી યાદ છે. થિયેટરની બહાર ફિલ્મમાં ગીતોની ચોપડી મળતી હતી. સુરતીલાલા એટલે લહેરીલાલા તરીકે સુરતી શોખીન હતા અને છે.
મુંબઈ    – શિવદત્ત પટેલ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાહદારીઓની સુરક્ષા અર્થે
ગુજરાતમાં વાહનની ટક્કર થવાથી રાહદારીઓના મૃત્યુ થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. બેફામ ગતિ એ દોડતા વાહનો પરચેક લગાવવાની તાતી જરૂર છે. મોટા ભાગના રસ્તામાં ઝીબ્રાક્રોસિંગની નિશાની પણ ઝાંખી પડી ચૂકી હોય છે. આ ઉપરાંત રાહદારીઓ માટે ફૂટપાથ ઉપર ચાલવા માટે યોગ્ય જગ્યાનો અભાવ હોય છે, અને ફૂટઓવરબ્રિજ જેવી વ્યસ્થાનો પણ અભાવ રાહદારીઓને નડી રહ્યો છે. આ બધી બાબતોને લક્ષમાં લઇ સરકારે તાકીદે યોગ્ય ઘટતા પગલાં લેવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વ્યાસ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top