નવસારીમાં રેમડેસિવિરનું ઉત્પાદન છતાં જિલ્લામાં જ ઇન્જેકશનની અછત, હોસ્પિટલ સંચાલકો લાચાર

નવસારી : નવસારી જિલ્લામાં જ દવા કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે, જે કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજી તરફ કેટલાય દર્દીઓને આ નવી સ્ટ્રેઇનમાં ઓક્સિજનની તાતી જરૂર પડે છે, ત્યારે નવસારીના પડોશમાં આવેલા હજીરામાં જ ઓક્સિજનનું બહોળું ઉત્પાદન કરતી કંપની છે, છતાં નવસારીમાં ઓક્સિજનની પણ અછત વર્તાઇ રહી છે, ત્યારે કલેક્ટર ઘર આંગણે બનતી દવા અને ઓક્સિજનની અછતથી દર્દીઓને બચાવવા માટે પૂરતાં પગલાં ભરી શક્યા નહી હોવાને કારણે દર્દીઓના પરિવારો પારાવાર તણાવ વેઠી રહ્યા છે.

નવસારી જિલ્લામાં દવા બનાવતી એક કંપની રેમડેસિવિર દવા બનાવે છે. કોરોનાના દર્દીઓ માટે એ દવા ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોય એવા દર્દીઓ માટે આ રેમડેસિવિર ખૂબ જ આવશ્યક છે. પરંતુ જિલ્લામાં રેમડેસિવિરની અછતની બૂમરાણ ગયા અઠવાડિયાથી સંભળાતી આવી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ઘરઆંગણે રેમડેસિવિર બનતી હોવા છતાં જિલ્લાના દર્દીઓને જ રેમડેસિવિરની અછત અનુભવવી પડે એ કુશાસનની કેવી વક્રતા !

હોસ્પિટલના સંચાલકો રજુઆત કરવા તૈયાર થયા પણ ફસકી પડ્યા
એ જ રીતે હજીરામાં ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્સિજનની માંગ અત્યારે વધી ગઇ છે, ત્યારે સુરત અને તેની સરહદે આવેલા નવસારીમાં ઓક્સિજનની ભારે અછત છે. રવિવારે નવસારીમાં કેટલીક હોસ્પિટલના સંચાલકો ઓક્સિજનની અછત અંગે એક હોસ્પિટલમાં ભેગા થયા હતા. જો કે ઓક્સિજનનો પુરતો પુરવઠો આપો અથવા તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરો એવી માંગ કરવાનું વિચારતા હતા, પરંતુ વહીવટી તંત્ર વેર ભાવના રાખે એવી બીકે સંચાલકો ગભરાઇને રજુઆત કરવા ગયા ન હતા.

Related Posts